ઊંઝા ઉમિયા મંદિરથી દિવ્યરથ અમદાવાદ પહોંચશે

આજથી નવરાત્રીનું પર્વ શરૂ થયું છે. સમગ્ર ગુજરાત સહિત દેશભરમાં મા અંબાની આરાધના ભારે ભક્તિભાવપૂર્ણ રીતે કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ નવરાત્રીનાં નવ દિવસ આદ્યશક્તિની આરાધના કરવામાં આવવાની છે, સાથે સાથે રાસગરબાની રમઝટ પણ બોલશે. ખેલૈયાઓ પણ ગરબે ઘૂમવા તત્પર છે. ત્યારે પાટીદારોનાં કૂળદેવી મા ઉમિયાની રથયાત્રાનું પણ આયોજન આસો સુદ એકમનાં દિવસે કરવામાં આવ્યું છે. આ રથયાત્રા ઊંઝાસ્થિત મા ઉમિયાનાં મંદિરેથી નીકળી છે અને મોડી સાંજે અમદાવાદ પહોંચશે. આ પ્રસંગે ઉમિયાધામ સંસ્થાનાં અગ્રણીઓ સહિત પાટીદારો તેમ જ અન્ય લોકો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન દ્વારા અમદાવાદનાં જાશપુર ખાતે રૂપિયા એક હજાર કરોડના ખર્ચે તૈયાર થનાર ઉમિયા ધામ માટે આજે ઊંઝાથી અમદાવાદ સુધી ઉમિયા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ઊંઝા ઉમિયા સંસ્થાનથી અમદાવાદ સુધી ઉમિયા રથયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. પૂજન અર્ચન અને આરતી બાદ ઊંઝાથી નીકળેલી યાત્રા મહેસાણા, છત્રાલ અને કલોલ થઈ અમદાવાદ પહોંચશે. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજ ઉમટી પડશે તો અગ્રણીઓ પણ હાજર રહ્યા હતા. સાંજે અમદાવાદ ખાતે રથયાત્રા આવશે જ્યાં પણ તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.