ગુજરાત રાજ્યમાં ઘણાં સમયથી મગફળી કાંડના પડઘાં પડ્યાં કરે છે અને તેની વચ્ચે વધુ એક મગફળી કાંડ સર્જાયો કે કેમ એ પ્રશ્ન ઊભો થયો છે. કરોડો રૂપિયાના મગફળી કાંડનો વિવાદ હજુ શાંત પડ્યો છે, ત્યાં જ ઊંઝા-સિદ્ધપુર હાઈવે ઉપર મગફળી ભરેલી ચાલુ ટ્રકમાં આગ લાગતા વિવાદ છંછેડાયો છે. ઊંઝાના મકતુપુર ગામ નજીકના ગોડાઉનમાંથી ભરેલી નીકળેલી ટ્રક હજુ તો ઝડપ પકડે એ પહેલાં જ મકતુપુર ગામ પાસે જ મગફળી ભરેલી ટ્રકમાં આગ લાગતા વિવાદમાં સપડાઈ છે.
ગુજરાતમાં કરોડો રૂપિયાના મગફળી કાંડમાં આગ અને માટી ભરેલા મગફળીના કોથળાથી સમગ્ર રાજ્યમાં ભારે વિવાદ ઊભો થયો હતો. આ કરોડોના મગફળી કાંડના વિવાદ બાદ વધુ એક મગફળી કાંડનો વિવાદ ઊભો થયો છે. સોમવારે સમી સાંજે ઊંઝાના મકતુપુર ગામ નજીક ગોડાઉનમાંથી મગફળીનો જથ્થો ભરીને નીકળેલી ટ્રકમાં આગ લાગી હતી અને ત્યાર બાદ મગફળી ભરેલી ટ્રકની આગે ભારે વિવાદ સર્જ્યો છે. ઊંઝાના મકતુપુર નજીક ગોડાઉનમાંથી મગફળીનો જથ્થો ભરી ટ્રક ગોંડલ જઈ રહી હતી અને તે દરમિયાન થોડે જ દૂર ગયેલી ટ્રકમાં આગ લાગી હતી અને આથી જ આ આગથી વિવાદ સર્જાયો છે.
મક્તુપુર અને બ્રાહ્મણવાડા ગામ વચ્ચે આવેલા નાફેડના ગોડાઉનમાંથી મગફળીની ૬૦૦ બોરીનો જથ્થો ટ્રકમાં ભરવામાં આવ્યો હતો, તમામ કાયદા નેવે મૂકી મગફળીનો ૬૦૦ બોરી જથ્થો ભરવામાં આવ્યો હતો. આથી જ બહુ ઉંચાઈ સુધી ભરવામાં આવેલા મગફળીની બોરીઓના કારણે ગોડાઉનમાંથી નીકળતા સમયે ઇલેક્ટ્રિક વાયર ટ્રકમાં ભરેલી મગફળીનો બોરીઓને અડી ગયો હતો. આથી વાયરમાંથી તણખા ઝરતાં મગફળીની બોરીઓમાં આગ લાગી હોવાનું ખુદ ગોડાઉન મેનેજર માની રહ્યા છે.
નાફેડના ગોડાઉનમાંથી મગફળી ભરેલી ટ્રક ગોડાઉનમાંથી ભરી ગોંડલ જવા રવાના થઈ એ જ સમયે ઇલેક્ટ્રિક વાયરને અડતા તણખાં ઝર્યા હતા. આમ ટ્રકની ક્ષમતા કરતાં વધુ જથ્થો મગફળીનો ભરી ટ્રક રવાના કરી હતી. આથી જ ટ્રકમાં આગ લાગી અને હાઈવે ઉપર ઝડપ પકડતાં જ તણખાંએ આગનું સ્વરૂપ પકડ્યું અને આગ લાગી હતી. જોકે ઊંઝા નજીક મગફળી કાંડ સર્જાતા તંત્રના જવાબદાર લોકો દોષનો ટોપલો એકબીજા ઉપર ઢોળી રહ્યા છે.