એકતાના બાવલાનો વિરોધ કેમ ?

એકતા કે કુસંપ

ગુજરાતમાં વિશ્વનું સૌથી ઊંચું સરદાર પટેલનું બાવલું બનાવવામાં આવ્યું છે. તેનો આવકાર અને વિરોધ થઈ રહ્યો છે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારોમાં તેનો ભારે વિરોધ છે. જ્યારે ટેલિવિઝન પર ચારેબાજું માત્ર સરદાર પટેલના બાવલાના ભાજપના કાર્યક્રમને આવકાર મળતો હોય એવો માહોલ છે. કેટલીક જગ્યાએ તો ભાજપના જ નેતા વિરોધ કરી રહ્યાં છે. કોંગ્રેસ પણ વિરોધ કરે છે. પણ પ્રજાનો વિરોધ અનેક જગ્યાએ જોવા મળ્યો છે. પ્રજા આ યાત્રામાં ક્યાંય સ્વયંભૂ આવતી દેખાતી નથી. પ્રજાને લાવવા માટે દબાણ કરવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે એકતા યાત્રા પ્રજાની યાત્રા બનવાના બદલે સરકારી રાજકીય યાત્રા બની ગઈ છે. 31 ઓક્ટોબરના રોજ એટલે કે સરદાર પટેલ જયંતિ નિમિત્તે કેવડિયા કોલોની ખાતે સરદારની વિશ્વની સૌથી ઉંચી પ્રતિમાનું અનાવરણ કરાશે. અગાઉ કેવડીયા ખાતે મોટો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, પણ ફિયાસ્કો થવાના ભયે કાર્યક્રમ નાનો કરીને દેશના મુખ્ય પ્રધાનોને આમંત્રણ આપવાનું માંડી વાળ્યું હતું.

સરેરાશ એક ગામમાં 200 લોકો આવ્યાનો દાવો

ભારતના શિલ્પી સરદાર પટેલના એકતાના સંદેશા સાથેની યાત્રાના પ્રથમ તબક્કાના પહેલા 6 દિવસમાં, 25 ઓક્ટોબર 2018 સુધીમાં 63 એકતા રથનું કુલ 3497 ગામો અને મહાનગરપાલિકાના કુલ 55 વોર્ડોમાં ફરી હતી. યાત્રામાં 9.91 લાખ લોકોએ ભાગ લીધો હોવાનો દાવો કરાયો છે. એક ગામમાં સરેરાશ 200 લોકો હાજર હોવાનું સરકાર કહી રહી છે. આ સંખ્યા બતાવે છે કે લોકોનો મોળો આવકાર મળી રહ્યો છે. નાગરિકો-ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાઇને એકતાના સમૂહ શપથ લેવા જોઈતા હતાં. એકતા યાત્રા સાથોસાથ ગામો-નગરોમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ-સમાજ એકતા કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. તેથી આ યાત્રામાં સંખ્યા બહુ ઓછી કહેવાય. તેમાં શિક્ષકો અને શાળાને હાજર રહેવા માટે કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. આવું તો ક્યારેય થયું નથી. લોકોનો વિરોધ જોઈને મુખ્યમંત્રીને પરસેવો તો છૂટી જ ગયો છે.

2017ની વિધાનસભા ચૂંટણી પહેલાથી ભાજપના કાર્યક્રમો નિષ્ફળ થઈ રહ્યા છે. અગાઉ ચૂંટણી સમયની ભાજપની ગૌરવ યાત્રા પણ નિષ્ફળ રહી હતી. પ્રજાએ તેનો જોરદાર વિરોધ કર્યો હતો. તે સમયે ભાજપના દેશના તમામ નેતાઓના કાર્યક્રમોમાં લોકોએ આવવાનું ટાળ્યું હતું. ગુજરાતમાં ભાજપના 1 કરોડ સભ્યો હોવાનો દાવો કરવામાં આવે છે. પણ અહીં એ દાવો ખોટો પડી રહ્યો છે.

ક્યાં કેવો વિરોધ થયો ?

અમરેલી

અમરેલી જિલ્‍લામાં સ્‍ટેચ્‍યુ ઓફ યુનિટી એકતાયાત્રા જિલ્‍લાનાં વિસ્‍તારોમાં ફરી રહી છે, જેમાં ભાજપનાં ગણ્‍યાગાંઠયા આગેવાનોની જ હાજરી જોવા મળે છે. ભાજપના અનેક લોકો અકળ કારણોસર જોડાતાં નથી. તે ભાજપ માટે ગંભીર છે. પાટીદારોનાં ગઢ સમાન અમરેલી જિલ્‍લામાં એકતા યાત્રાને પ્રચંડ સમર્થન મળવું જરૂરી હતું. વહીવટીતંત્ર પણ ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. પરંતુ, ભાજપનાં જ અનેક આગેવાનો અને કાર્યકરો એકતાયાત્રામાં વિવિધ કારણોસર જોડાતા ન હોય હાઈકમાન્‍ડે આ બાબતની ગંભીર નોંધ લીધી છે. માત્ર સરકારી યાત્રા બની ગઈ છે. પ્રજા તેમાં જોવા મળતી નથી.

આદિવાસીઓનો વિરોધ

31મીના રોજ આદિવાસી સમાજ દ્વારા સમગ્ર ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. આદિવાસી વિસ્તારોમાં 75 હજાર ઘરોમાં ચૂલો નહીં પેટાવીને સરકારનો તે દિવસે વિરોધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.  સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિરોધમાં આદિવાસીઓ મેદાને પડ્યા છે. એવામાં જો આદિવસીઓ નહીં આવે તો સમારંભમાં ભીડ લાવવાનો ટાર્ગેટ તો ભાજપના MLAએ જ પૂરો કરવો પડે તેવી સ્થિતિ ઉભી થઈ છે. કેવડિયા કોલોનીનો કાર્યક્રમ ફ્લોપ જવાના પણ ભણકારા વાગી રહ્યાં છે. રાજપીપળાથી પ્રતાપનગર સુધીના વિસ્તારમાં એકતા યાત્રાના સરકારી પોસ્ટર્સ ફાડી નાંખ્યા હતા. સાગબારામાં પણ વિરોધ રથનો વિરોધ થયો હતો.

MPને કાળા વાવટા બતાવી વિરોધ

ડેડિયાપાડામાં એકતા યાત્રાનો ઠેર ઠેર વિરોધ કરવામાં આવ્યો હતો. તાલુકાના ઘાંટોલી ગામે સ્થાનિક લોકોએ કાળા વાવટા ફરકાવી યાત્રાનો વિરોધ કર્યો હતો. સાંસદ મનસુખ વસાવાની જેની આગેવાની લઈ રહ્યાં હતા તે રથનો વિરોધ ભિલિસ્તાન ટાઈગર સેનાના ચૈતર વસાવાની આગેવાનીમાં વિરોધ કરાયો હતો. રથ આવતાં જ સૂત્રોચ્ચાર કરીને કાળા વાવટા ફરકાવ્યા હતા. સાંસદ મુસુખ વસાવાની કારને ચારેબાજુથી શાંતિથી ઘેરી લઈને ગામમાં યાત્રા નહીં કાઢવા માટે કહ્યું હતું. પોલીસ અને વિરોધકર્તાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

MLA વસાવાએ વિરોધ કર્યો

ઝઘડીયા મતવિસ્તારના ધારાસભ્ય છોટુ વસાવાએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીનો વિરોધ કર્યો છે. આદિવાસીઓને ખતમ કરવાનું ષડયંત્ર હોવાનું તેમણે જાહેર કરીને 31 ઓક્ટોબરે 2018માં લોકાર્પણનો વિરોધ કરવાની જાહેરાત કરી હતી. તેમણે આ અંગે વધુમાં જણાવ્યું હતું કે, આ એક વેપાર કરવાની ચાલ છે.  તેનાથી આદિવાસીઓને કોઈ પણ પ્રકારનો ફાયદો થવાનો નથી. 72 ગામમાં કોઈ પણ ઘરમાં જમવાનું બનાવવામાં આવશે નહીં. આ પરિયોજના અમારા વિનાશ માટે છે.

ભાજપના ધારાસભ્યોને જવાબદારી

આટલા વિરોધ અને વિવાદ વચ્ચે 31મીએ કાર્યક્રમમાં ભીડ ક્યાંથી લાવવી તે મુખ્ય પ્રધાન માટે મોટી મુશ્કેલી છે. ભાજપના MLAને ભીડ ભેગી કરવા માટે જવાબદારી સોંપી છે. રાજ્યમાં નીકળેલી એકતા યાત્રાનો પ્રથમ તબક્કો ફ્લોપ રહ્યો છે. જેમાં કારણ એવું બહાર આવ્યું છે કે પક્ષના આંતરિક મતભેદો તેના માટે જવાબદાર છે. ઘણાં ધારાસભ્યો પ્રધાન બનવા માંગે છે. તેથી હંમેશની જેમ કલેક્ટરને જવાબદારી સોંપવામાં આવી છે, રાજકોટના કાર્યક્રમમાં ખુરશીઓ ખાલી હતી. જે અંગે ભાજપના મંત્રી વાસણ આહિરે પણ મુખ્ય પ્રધાન વિજય રૂપાણીની ટીકા કરી હતી. અહીં પણ આવું જ થઈ શકે છે. ભાજપના ધારાસભ્યો અને સાંસદ સભ્યો દેખાતા જ નથી, ભાજપના હોદ્દેદારોને કોઈ રસ નથી. તો પ્રજાના વિરોધના પગલે ગામડામાં ભાજપના નેતાઓ દેખાતા નથી પણ શહેરમાં પણ એવું જ છે.

જો ભાજપના લોકો હશે તો વિરોધ, હાર્દિક

એકતા યાત્રાના રથમાં ભાજપના નેતાનો ફોટો મુકાશે તો ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવા હાર્દિક પટેલે ચીમકી આપી હતી. રાજકોટમાં હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું. હાર્દિક પટેલે ખેડૂતોને સાથે રાખી વિરોધ કરવાની ચીમકી આપી હતી. હાર્દિકે કહ્યુ હતુ કે સરદાર સાહેબ ખેડૂતોની ચિંતા કરતા હતા. તેણે એકતા યાત્રા રથમાં ખેડૂતોના ફોટા મુકવા માંગ કરી હતી. આ સરકાર ખેડૂતોને પાણી આપતી નથી. કે તેમની વાત પણ સાંભળવા તૈયાર નથી. પાસના કેટલાંક નેતાઓએ કહ્યું હતું કે, પાટીદારોને રાજી કરવા રાજકીય ગણતરીથી ભાજપ સરકાર દ્વારા નર્મદા કિનારે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવવામાં આવી છે. સરદાર પટેલના ૧૮૨ મીટર ઊંચા સ્ટેચ્યુના લોકાર્પણમાં મોટી ઇવેન્ટ કરીને ભાજપ પાટીદારોને ૨૫ ઓગસ્ટ GMDC પછીના દમન ભુલાવી દેવા માંગે છે.

SPGનો અનોખો વિરોધ

SPG અનોખી રીતે તેનો વિરોધ કરશે. SPGએ 31 ઓક્ટોમ્બરનાં દિવસે રાજકોટમાં કર્મવીર રેલી અને સભા યોજી છે. સરદાર પટેલની 143મી જન્મજયંતિનાં દિવસે ગુજરાતમાંથી 143 કાર એક સાથે લઇને રાજકોટ પહોંચશે. અમદાવાદથી રેલી સ્વરૂપે કાર લઈને SPGનાં કાર્યકરો રાજકોટમાં પહોંચશે. 30 ઓક્ટોમ્બરનાં રોજ અમદાવાદ સરદાર પટેલ રિંગ રોડ ઉપરથી કાર રાજકોટ જવા રવાના થશે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પર SPG અધ્યક્ષ લાલજી પટેલે જાહેર કર્યું હતું કે, લોકસભાની ચૂંટણીમાં સત્તા મેળવવા માટે ભાજપે એકતા યાત્રા કાઢી છે.

પાટીદારોની યાત્રામાં લોકોનું પૂર ઉમટ્યું

અમદાવાદ સહિત ગુજરાતના અન્ય જિલ્લા અને તાલુકામાં પણ એકતા યાત્રા ફ્લોપ પૂરવાર થઈ રહી છે,તો બીજી બાજુ પાટીદાર દ્વારા ઉમિયા રથયાત્રા શરૂ કરવામાં આવી છે. જેને અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં અભૂતપૂર્વ પ્રતિસાદ મળી રહ્યો છે. મા ઉમિયાની રથયાત્રાને પાટીદાર સહિત અન્ય જ્ઞાતિઓ અને સમુદાયો પણ સત્કારી રહ્યા છે. ખાસ કરી ભાજપના ધારાસભ્ય અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ ઉમિયા રથયાત્રામાં પગપાળા જોડાય છે, પરંતુ ભાજપ સરકારની એકતા યાત્રામાં આ ધારાસભ્ય રસ દાખવતા નથી. ભાજપ સરકારની એકતા સામે પાટીદારોની ઉમિયા રથયાત્રા અભૂતપૂર્વ પ્રતિસાદ સાથે ચાલી રહી છે. તેમાં પણ પાટીદારોની વધુ વસતી ધરાવતા અમરેલી, નિકોલ, બાપુનગર અને નરોડા જેવા પૂર્વ વિસ્તારમાં એકતા યાત્રામાં લોકોની પાંખી હાજરી જોવા મળતી હતી.

અમદાવાદમાં ધબડકો

‘સ્ટેચ્યુ ઓફ યુનિટી’ નો મુદ્દો જાહેર જનતામાં રોજ ચર્ચામાં રહે તે માટે ભાજપ અને સરકાર દ્વારા ટીવી અને છાપાઓમાં અવનવા ગતકડાં કરીને રોજ સમાચારો જાહેરખબરથી આપીને જનતાને ગેરમાર્ગે કોરવામાં આવી રહી છે. મિડિયામાં ભાજપ પબ્લિસિટી માટે વારેવારે નોન ઈશ્યુને મોટા સમાચાર તરીકે બતાવ્યા કરવા છતાં લોકોમાં નફરત જોવા મળી રહી છે. અમદાવાદમાં ‘એકતા યાત્રા’નો ઠેરઠેર ફિયાસ્કો થઇ રહ્યો છે તો તેનો વિરોધ પણ શરુ થઇ ચુક્યો છે. નિકોલ અને વસ્ત્રાપુર વિસ્તારમાં એકતા યાત્રા રથનું ગૃહપ્રધાન પ્રદીપ જાડેજા અને મહેસૂલ પ્રધાન કૌશિક પટેલે પ્રસ્થાન કરાવ્યું હતું. જો કે અમદાવાદ શહેર ભાજપ પ્રમુખના વિસ્તારમાં જ આ એકતા યાત્રાના આયોજનમાં ખુરશીઓ ખાલી રહેતા ફિયાસ્કો થઇ હતો. ભાજપના કાર્યકરોએ આવવાનું ટાળ્યું હતું. ભાજપના અમદાવાદના બે સાંસદ પરેશ રાવલ અને કિરીટ સોલંકી ગેરહાજર રહ્યાં હતા. આમ એકતા યાત્રાની શરુઆત જ નીરસ રહી છે. આસપાસની શાળાઓના શિક્ષકો અને બાળકોને હાજર રાખવા માટે ખાસ સુચનાઓ આપવામાં આવી હોવા છતાં સંખ્યાતો સાવ ફીકી હતી. અમદાવાદમાં ફિયાસ્કો થઈ ગયો છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલ, આણંદનો અમૂલનો કાર્યક્રમ, રાજકોટનો ભભકાદાર કાર્યક્રમ ભાજપની સરકારે કર્યો હતો તેમાં તમામ સ્થળે ખૂરશીઓ ખાલી હતી. ધારાસભ્યો અને કોર્પોરેટરો વચ્ચે સંકલનનો અભાવ છે. મોટા ભાગની અમદાવાદની વિધાનસભામાં ધારાસભ્યો પણ એકતા યાત્રા જોડાયા નથી. જે જોડાઈ છે તેઓ હતાશ વાતાવરણ જોઈને અધવચ્ચે રવાના થઈ જાય છે.

જામનગરમાં વિરોધ

જામનગરમાં ભાજપની એકતા યાત્રાનો વિરોધ પણ થઇ ચુક્યો છે, પાટીદારો દ્વારા પણ એકતા યાત્રામાં ભાજપના નેતાઓના વિરોધની ચિમકી ઉચ્ચારવામાં આવી છે, તો સૌરાષ્ટ્રના ગામડાઓમાં એકતા યાત્રા જશે તો ખેડૂતો દ્વારા પણ વિરોધ કરીને ભાજપના નેતાઓને પ્રશ્નો કરવામાં આવે તેમ છે. આણંદ અને કચ્છમાં રાષ્ટ્રીય નેતાઓની સભામાં ભાજપ ભીડ ભેગી કરવામાં નિષ્ફળ રહ્યો હતો. ડભોઈનો નર્મદા રાષ્ટ્રને અર્પણ કરવા માટે પણ વિરોધ થયો હતો.

ભાજપે પોતાની અકતા માટે યાત્રા કાઢવી જોઈએ

કચ્છમાં એકતા રથ ફેરવવામાં આવી રહ્યો છે. ભાજપની રાજકીય યાત્રા હોવાનો આરોપ છે. ભાજપે જો સાચી એકતાયાત્રા કાઢવી હોય તો પ્રથમ ભાજપના નેતાઓની એકતાયાત્રા કાઢવી જોઇએ, તેવું કચ્છ જિલ્લા પંચાયત વિરોધ પક્ષના નેતા વી. કે. હુંબલે જાહેર કર્યું છે. પહેલાં પોતાની એકતા બતાવે પછી ગુજરાતની એકતા યાત્રા કાઢે. સિનિયર નેતાઓ લાલકૃષ્ણ અડવાણી, યશવંતસિંહા, મુરલી મનોહર જોષી, શત્રુઘ્નસિંહા, કીર્તિ આઝાદ અને જશવંતસિંહએ સાથે મળીને દેશમાં એકતાયાત્રા કાઢવી જોઇએ. ભાજપના નેતાઓ એકબીજાનું મોઢું પણ જોવા તૈયાર નથી. તેમના પોતાનામાં જ એકતા નથી, ત્યારે જનતા વચ્ચે સરદાર પટેલના નામે રથ ફેરવી અને રાજકીય રોટલા શેકી રહ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો. ભાજપની નીતિરીતિ રહી છે કે, ભાગલા પાડો અને રાજ કરો. ભાજપે હંમેશાં ભાઇ-ભાઇને લડાવ્યા, હિન્દુ-મુસ્લિમોને લડાવ્યા, સવર્ણો અને ઓ.બી.સી.ને લડાવ્યા અને સમાજ સમાજ વચ્ચે વર્ગવિગ્રહ થાય તેવા કાર્યો કર્યા છે અને છેલ્લે પ્રાંતવાદ પણ કરાવ્યો. ભાજપે હંમેશાં આ દેશમાં અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે, જેને એકતાયાત્રા કાઢવાનો નૈતિક અધિકાર નથી. એવું તેમણે કહ્યું હતું.

ભાજપે એકતા યાત્રાનો વિરોધ કર્યો

23 સિંહના મોત બાદ ધારી બંધનું એલાન આપી સરકારનો વિરોધ કરાતાં સરકારે ઈકોસેન્સેટીવ ઝોનને કડક બનાવવા પ્રજાને દંડ કરતાં આ બાબતને ધ્યાનમાં લઈને 22 ઓક્ટોબર 2018ના રોજ મોટી સંખ્યામાં વેપારીઓ અને ભાજપ તથા કોંગ્રેસ એવા તમામ રાજકીય પક્ષના આગેવાનોની બેઠક મળી હતી. જેમાં ધારીના લોકો એકતા યાત્રાનો બહિષ્કાર કરશે એવું નક્કી કરાયું હતું. ભાજપ પણ એકતા યાત્રાનો બહિષ્કાર કરશે એવું જાહેર કરાયું છે. જો ઇકોસેન્સેટીવ ઝોન વધુ કડક કરાશે તો ભાજપના આગેવાનો લોકસભાની ચૂંટણીનો પણ બહિષ્કાર કરશે. આંબરડી સફારી પાર્ક જ્યારથી શરૂ થયો છે તે બદનામ થાય અને તેનું વ્યવસ્થા તંત્ર પડી ભાંગે તે માટે અહીંના ખાનગી સફારી પાર્ક ધરાવતાં વગદાર લોકો પ્રયાસો કરી રહ્યાં છે.

(દિલીપ પટેલ)