એકતા યાત્રાનો પ્રારંભ

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્ટેચ્યુ ઓફ યુનિટી અંતર્ગત એકતા રથ યાત્રાનો સરદાર સાહેબની
કર્મભૂમિ ઐતિહાસિક બારડોલી નગરથી પ્રારંભ કરાવતાં સ્પષ્ટપણે જણાવ્યું કે, સરદાર સાહેબે દેશને એક કર્યો છે ત્યારે
એ એકતા અખંડિતતાનો ભાવ ૧૦ હજાર ગામોમાં જન-જનમાં આ એકતા યાત્રા જાગૃત કરશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આ એકતા યાત્રા ગામે-ગામ હરેક નાગરિકમાં દેશની એકતાના ભોગે કાંઇ નહિ નો
સંકલ્પ સાકાર કરી દેશ હિત-રાષ્ટ્ર હિત ને જ સર્વોપરિ બનાવશે તેવો વિશ્વાસ વ્યકત કરતાં એકતા યાત્રા ‘લાર્જર
ઇન્ટરેસ્ટ ઓફ ધ નેશન’ની પ્રેરક બનશે એમ ઉમેર્યુ હતું.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આગામી ૩૧ ઓકટોબર સરદાર જ્યંતિએ સરદાર સાહેબની વિશ્વની સૌથી ઊંચી
પ્રતિમાનો લોકાર્પણ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી કરવાના છે તે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા બની રહેશે.
તેમણે આ વિરાટ પ્રતિમાથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીએ સરદાર સાહેબના રાષ્ટ્ર એકતાના યોગદાનને
વિશ્વભરમાં પ્રચલિત કર્યુ છે તેનો ગૌરવ સહ ઉલ્લેખ કર્યો હતો.
શ્રી વિજયભાઇ રૂપાણીએ સરદાર સાહેબે પ૬ર રજવાડાઓને એક કરીને અખંડ રાષ્ટ્રનું નિર્માણ કર્યુ તેનું
સ્મરણ વંદન કરતાં જણાવ્યું કે જો સરદાર સાહેબ ન હોત તો આજે દેશનો નકશો જ જુદો હોત. રજવાડાઓ જો એક
ન થયા હોત તો જૂનાગઢ કે હૈદરાબાદ જવા આજે પણ વીઝા લેવા પડતા હોત.
સરદાર સાહેબની કૂનેહ-મક્કમ મનોબળ અને સમજાવટથી બધા રજવાડાઓ ભારતમાં વિલીન થયા અને
કચ્છથી ગૌહતી કાશ્મીરથી કન્યાકુમારી એક-અખંડ રાષ્ટ્ર ભારત બન્યું છે તેમ પણ સરદાર સાહેબને આદરાંજલિ
આપતાં તેમણે જણાવ્યું હતું.
મુખ્યમંત્રીશ્રીએ આ સંદર્ભમાં કહ્યું કે, આજે સૌ કોઇમાં જાતિ-પાતિ-કોમ-ધર્મના ભેદથી ઉપર ઉઠી પહેલાં
ભારતીયતાનો અને મા-ભારતીનો જયકાર કરીને રાષ્ટ્ર હિત સર્વોપરિના ભાવ સાથે આ એકતા યાત્રાના ૬૦ રથ
ગામોમાં ફરશે. એકતાના સૌ સામૂહિક શપથ લેશે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ કહ્યું કે સરદાર સાહેબનું જીવન-ઇતિહાસ દુનિયા જાણે સમજે તથા આજની પેઢી
સરદાર સાહેબના જીવન આદર્શોથી પરિચિત થાય તે માટે આ યાત્રા સક્ષમ માધ્યમ બનશે.