એક મતદાર દીઠ એક રૂપિયાનો દારુ પકડાયો

લોકસભાની ચૂંટણીની જાહેરાત થતાની સાથે આદર્શ આચાર સંહિતા લાગુ થઇ જાય છે. ત્યારે 2019ની ચૂંટણીની જાહેરાત થતાની સાથે 10 માર્ચના રોજ દેશમાં આચાર સંહિતા લાગુ કરવામાં આવી હતી. આચાર સંહિતાને લઇને રોકડ રકમમાં મોટા-મોટા ટ્રાન્જેક્શન પર પ્રતિબંધ મુકવામાં આવે છે અને જો કોઈ પાર્ટીનો કાર્યકર્તા કે, સામાન્ય નાગરિક મોટી રોકડ રકમ સાથે પકડાય તો તેની સામે કાયદેસરની કાર્યવાહી ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવે છે. ત્યારે ગઈકાલે ચૂંટણી પંચ દ્બારા એક માહિતી આપવામાં આવી હતી. આ મહિતીમાં આચાર સંહિતા ભંગ કરવા બદલ અલગ-અલગ રાજ્યો અને શહેરોમાંથી રોકડ રકમ અને દારૂનો જે મુદ્દામાલ ચૂંટણી પંચ દ્વારા કબજે કરવામાં આવ્યો હોય છે, તે વિગતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.

ત્યારે ગુજરાતની માહિતી આપતા ચૂંટણી પંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, 10 માર્ચથી લઇને 25 માર્ચ સુધીમાં ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાંથી 1.23 કરોડ રૂપિયા જમા લેવામાં આવ્યા છે અને ગુજરાતમાં અલગ-અલગ જગ્યા પરથી 1 લાખ 74 હજાર લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે. આ દારૂની કિંમત 4.77 કરોડ રૂપિયા થાય છે. ત્યારે રોકડ અને દારૂ સાથે ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાંથી 6 કરોડથી વધુની રકમનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો ચૂસ્તપણે અમલ કરવામાં આવે છે. ત્યારે પોલીસના બંદોબસ્ત વચ્ચે આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી આવ્યો હશે. આચાર સંહિતા વચ્ચે લાખો લીટર દારૂ ચૂંટણી પંચ દ્વારા ગુજરાતમાંથી જપ્ત કરાતા ગુજરાતમાં ક્યાંકને ક્યાંક પોલીસની કામગીરી પર પણ સવાલો ઉઠી રહ્યા છે.