વધતાં જતાં પેટ્રોલ ડીઝલના ભાવનાં કારણે વાહન ચાલકો પરેશાન થઈ રહ્યાં છે. ત્યારે કોઈ તમને એવી સાઈકલ તૈયાર કરી આપે કે જેમાં પેટ્રોલ એન્જીન હોય અને તે પણ ૧૩૦ કિલોમીટર પ્રતિ લિટર એવરેજ આપે. તો કદાચ તમે તમારી કાર મૂકીને આ સાઈકલ લઈને ઓફિસે જાઓ તો નવાઈ નહિ. કોને બનાવી છે આ અનોખી સાયકલ ? આવો જાણીએ આ ખાસ અહેવાલમાં
મોંઘવારીના જમાનામાં મોંઘાદાટ પેટ્રોલથી ચાલતા વાહનો જાણે લોકોને માટે હવે ઘર આગળ પાળેલા સફેદ હાથી સમાન બની ગયા છે. ત્યારે મહેસાણાના ઊંઝા નજીકના ટુંડાવ ગામના ધવલ પટેલ નામના યુવકે ૧૩૦ કિમી પ્રતિ લિટર એવરેજ આપતી અનોખી સાઈકલે સૌ કોઈનું ધ્યાન આકર્ષિત કર્યું છે. સામાન્ય લોકોની જેમ ધવલે પણ વધતાં જતાં પેટ્રોલનાં ભાવ પોષતા નહોતા. અને આ ખેડૂત પુત્રએ બનાવી દીધી ૧૩૦ કિમીની એવરેજ આપતી પેટ્રોલથી ચાલતી આ અનોખી સાઈકલ. ધવલનું સપનું હતું કે, તે સૌથી વધુ એવરેજ આપતી સાઈકલ, બાઈક, અને કાર બનાવે. જેમાંથી છેલ્લા ત્રણેક મહિનાની મહેનત બાદ આ સાઈકલ બનાવવામાં તેને સફળતા મળી છે.
આ સાઈકલ બનાવવા તેને પાર્ટ્સ ચાઈનાથી મંગાવ્યા છે. તો હજુ પણ આ સાઈકલમાં કેટલાક સુધારા વધારા કરીને મોડીફાઈ કરીને આકર્ષિત બનાવવા તે પ્રયત્ન કરી રહ્યો છે. આ પ્રોજેક્ટ બનાવવા તે પોતાનો પગાર આ પ્રોજેક્ટ પાછળ વાપરી નાંખે છે. જેને કારણે શરૂઆતમાં તો ઘરમાંથી કોઈનો સહકાર ના મળ્યો. પરંતુ, તેની સફળતાથી આજે તેના પરિવારજનો અને તેના મિત્રો ખુશ છે. અને હવે ધવલ ગ્રેવિટીને માત આપતી સ્ટેન્ડ વગર પણ ઊભી રહેતી બાઈક બનાવવાના પ્રોજેક્ટ પાછળ મહેનત કરી રહ્યો છે. તો ૧૩૦ કિમી એવરેજ આપતી સાઈકલની જેમ ૪૫ કિમીની એવરેજ આપતી ટુ સીટર કાર કે જે, પેટ્રોલ, CNG અને બેટરીથી ચાલશે તેના પ્રોજેક્ટ પાછળ પણ દિવસ રાત કામ કરી રહ્યો છે. હવે જોવાનું રહ્યું કે ધવલ પટેલ અન્ય પ્રોજેક્ટ માં કેટલો સફળ થાય છે.