એલએનજી હબ ગુજરાતમાં હવે ચાર ટર્મિનલ કાર્યરત, નરેન્દ્ર મોદી

અંજારના સતાપર ખાતે વડાપ્રધાનના હસ્તે રૂ. ૬૨૧૬ કરોડના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે કચ્છના સતાપર ખાતેથી કચ્છને સાંકળતા રૂ.૬૨૧૬
કરોડના વિવિધ પ્રકલ્પો દેશને સમર્પિત કરી કહ્યું કે, હું ભાગ્યશાળી છું કે મને એક સાથે ત્રણ
એલએનજી ટર્મિનલનું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. જ્યારે ગુજરાતને પ્રથમ ટર્મિનલ મળ્યું
ત્યારે લોકોને ખૂબ આશ્ચર્ય થયું હતું. આજે આંકડો ચારનો થયો છે. જો આપણે ઊર્જા સ્ત્રોત નહીં
વધારીએ તો ગરીબી નહીં ઘટાડી શકીએ. માળખાગત સુવિધાને દ્રઢ બનાવવા અને ભવિષ્યના
વિકાસલક્ષી પ્રોજેકટ પર ધ્યાન કેન્દ્રિત કરવા ઊર્જા અતિ મૂલ્યવાન છે. ગુજરાત સમગ્ર દેશ માટે
એલએનજી અને ગેસ માટે ધબકતું કેન્દ્ર છે, જે સમગ્ર દેશ માટે ગૌરવની વાત છે.
મુઝા કચ્છી ભા ભેણો કીં અયો… ગરમી કેડી આય મડીં કે જજા-જજા રામ-રામ કચ્છી
ભાષામાં વિશાળ સંખ્યામાં ઉપસ્થિત જનમેદનીની પૃચ્છા કરી આગવા અંદાજમાં વડાપ્રધાનશ્રીએ કહ્યું
કે, આજે દેશને સમૃદ્ધ બનાવવા ગેસગ્રીડ-વોટરગ્રીડ, પાવરગ્રીડ અને ઓપ્ટીકલ ફાઇબર નેટવર્કથી
જોડી આધુનિક ભારતનું નિર્માણ કરવું છે અને આજના યુવાનના જીવનમાં મૂલ્યવર્ધિત પરિવર્તન
લાવવા માટે આધુનિક માળખાગત સુવિધા પુરી પાડવા અમે પ્રતિબદ્ધ છીએ.
આજે ગુજરાતનું ત્રીજું અને દેશને ચોથું ગેસ ટર્મીનલ રાષ્ટ્રને અર્પણ કરી વડાપ્રધાનશ્રીએ કહ્યું
કે, વિકાસના મૂળમાં ઊર્જા અનિવાર્ય છે. ઊર્જાની અછત દેશને ગરીબ રાખે છે. આથી દેશને
ગરીબીમુક્ત બનાવવા ઊર્જા પાયાની જરૂરીયાત છે તેને પૂરી કરવા અમે સંપૂર્ણ તાકાતથી કાર્યરત
છીએ. ઊર્જા વગર મોબાઇલ પણ ચાર્જ ન થઇ શકે, ઊર્જા રોજગારનું માધ્યમ બનશે તેમ શ્રી મોદીએ
ઉમેર્યું હતું.
દેશને ગેસ આધારિત આર્થિક વિકાસની જરૂરીયાત છે. તેમાં ગુજરાતનું આગવું સ્થાન છે અને
તેના માટે ગુજરાતનો વિશાળ સમુદ્ર તટ નિમિત્ત બની રહ્યો છે. આજે ગુજરાતના પાંચેય આંગળા
ઘીમાં છે. ગુજરાતનું કોઇ ક્ષેત્ર વિકાસથી વંચિત નહીં રહે તેમ વડાપ્રધાનશ્રીએ ઉમેર્યું હતું.
૧૯૫૫ થી ૨૦૧૪ સુધી દેશમાં માત્ર ૧૩ કરોડ પરિવારને ગેસ પહોંચતો હતો અને છેલ્લા ચાર વર્ષમાં વધુ ૧૦
કરોડ પરિવારોને આપણે ગેસ પહોંચાડી શક્યા છીએ. એટલું જ નહી આવતા દિવસોમાં કોઇ પરિવાર ગેસથી વંચિત ના રહે તે
આપણું લક્ષ્ય છે.
‘‘કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા’’ કેમ્પેઇન થકી ગુજરાતના તત્કાલિન મુખ્યમંત્રી અને
વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી કચ્છ પર હંમેશા વિશેષ વહાલ વરસાવતા રહ્યા છે, તેમના આ
વહાલરૂપે આજે ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ અને એલએનજી ટર્મીનલ મુન્દ્રા, એમએમટીપીએ
એલએનજી, મુન્દ્રા જીએસપીસી એલએનજી લીમીટેડ અને અંજાર-મુન્દ્રા ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ
ગુજરાત સ્ટેટ પેટ્રોનેટ લી. અને પાલનપુર-પાલી-બાડમેર ગેસ ટ્રાન્સમિશન પ્રોજેક્ટ સહિત કુલ
રૂ.૬૨૧૬ કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ/ખાતમુહૂર્ત કર્યું હતું. ઉપરાંત ૬૬ કે.વી. ડીસી – ૫ સબસ્ટેશન,
૬૬ કે.વી. ખારોઇ સબસ્ટેશન, ભચાઉ તથા નવી ગેટકો વર્તુળ કચેરી, અંજારની લોકાર્પણ વિધી તેમજ
૬૬ કે.વી. રાતાતળાવ(સાપેડા) સબસ્ટેશન, અંજારનું ભૂમિ પૂજન કર્યું હતું.
છેલ્લા ૨૦ વર્ષમાં કચ્છનો વિકાસ સૌ કોઇ પ્રત્યક્ષ જોઇ શકે છે. ટુરીઝમનાં વિકાસ સાથે આજે
કચ્છ દેશ અને દુનિયામાં આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે અને કચ્છી માડુઓ પ્રવાસનની તાકાત જાણે
છે. તેમના લોહીમાં પ્રવાસન ધબકે છે અને રણોત્સવ થકી કચ્છીમાડુઓ કરોડો રૂપિયા કમાતા થયા છે
જે પ્રવાસનની તાકાતનું શ્રેષ્ઠ દ્રષ્ટાંત છે.
કચ્છના સફેદ રણ અને રણોત્સવથી કચ્છને સમગ્ર જગતના ખૂણે-ખૂણે ગુંજતુ કરનાર
ગુજરાતના સપૂત વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ ૨૦૦૫માં રણોત્સવ શરૂ કરી કચ્છને વિશ્વના
પ્રવાસન નકશામાં અનોખુ સ્થાન અપાવ્યું છે. રણોત્સવ બાદ કચ્છમાં આજે દેશ-વિદેશના લાખો
પ્રવાસીઓ કચ્છના મહેમાન બને છે. જેનાથી કચ્છી શાલ અને કચ્છના નાના-નાના ગામડામાં
ધબકતી કચ્છી સંસ્કૃતિ-ચીજ વસ્તુઓ દેશ-વિદેશના લોકોના ઘરની શોભા બની છે.
ન્યુ ઇન્ડિયાનાં પ્રણેતા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ વધુમાં જણાવ્યું કે, ભારતની આર્થિક
વિકાસની ગતિ એટલી તેજ બની છે કે, વિકાસની દોડમાં આપણે બ્રિટનથી આગળ નીકળી જશું.
આપણે ૧૮૦૦૦ ગામડામાં વીજળી પહોંચાડી શક્યા છીએ અને સૌભાગ્ય યોજના થકી એક હજાર
દિવસમાં વીજળી વગરનાં ૪ કરોડ પરિવારોને પણ વીજળી મળતી થશે. તેમજ જનસામાન્યની
જીંદગી ઊર્જા થકી બદલવા સબ સ્ટેશનોની હારમાળા સર્જી અવિરત વીજ પૂરવઠો પુરો પાડવા
આપણે સક્ષમ બન્યા છીએ. બાળકોને શિક્ષણ, ખેતીને સિંચાઇ યુવાનોને રોજગાર અને વડિલોને દવા
એમ જીવનની બધી આવશ્યકતાની પરીપૂર્તિ થાય તે આપણું લક્ષ્ય છે.
.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સગૌરવ જાહેર કર્યું હતું કે, ઊર્જા ક્ષેત્રે ગુજરાત સ્વનિર્ભર
રાજ્ય બન્યું છે. વડાપ્રધાનશ્રીના હસ્તે આજે નેચરલ ગેસ ટર્મિનલનો શુભારંભ થયો જે ગુજરાતના
વિકાસમાં નવા અધ્યાયનો આરંભકર્તા બનશે એવો આશાવાદ પણ મુખ્યમંત્રીશ્રીએ વ્યક્ત કર્યો હતો.
વડાપ્રધાનશ્રીના દૂરંદેશી આયોજનથી ગુજરાત બેસ્ટ ઇન્વેસ્ટમેન્ટ હબ, લેન્ડ ઓફ ઓપર્ચ્યુનિટીઝ
તથા નેચરલ ગેસ કેપિટલ બની શક્યું છે.
કુદરતી વાયુ થકી ગુજરાતનો વિકાસ નેત્રદિપક બન્યો છે, તેમ જણાવી મુખ્યમંત્રીશ્રીએ કહ્યું
કે, દેશના કુલ નેચરલ ગેસના ૭૫ ટકાના આયાત, દેશના કુલ કુદરતી વાયુના વપરાશના ત્રીજા
ભાગનો વપરાશ, ૯૦૦ ગામડાંને ૨૫ હજાર કિ.મી.ની પાઇપલાઇન દ્વારા સીએનજી વિતરણ, ૪૭૫ થી
વધુ સીએનજી સ્ટેશન, ૪૦ ટકા શહેરોમાં થઇ રહેલો સીએનજીનો વપરાશ વગેરે જેવી આંકડાકીય
હકિકતો રજૂ કરી હતી.
કાર્યક્રમના પ્રારંભે નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઇ પટેલે સૌનુ સ્વાગત કરી જણાવ્યું હતું કે,
કચ્છ આજે સમગ્ર વિશ્વમાં ઔદ્યોગિક અને પ્રવાસન વિસ્તાર તરીકે જાણીતુ થયું છે. કચ્છના આ
વિકાસમાં દિર્ઘદ્રષ્ટા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની આગવી કુનેહ અને દ્રઢઇચ્છા શક્તિથી શક્ય
બન્યું છે.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ કલ્યાણ રાજ્ય મંત્રી શ્રી વાસણભાઇ આહિરે કચ્છને
તમામ ક્ષેત્રના વિકાસનું રોલ મોડેલ ગણાવતાં ઉમેર્યું હતું કે, કચ્છનું હીર પારખીને વડાપ્રધાનશ્રીએ
કચ્છને વૈશ્વિક ફલક પર મૂકી આપ્યું છે, તે બદલ સમગ્ર કચ્છ વડાપ્રધાનનું આજીવન ઋણી રહેશે.
વડાપ્રધાનશ્રી મોદીનું ફૂલોના મહાકાય હાર, કચ્છી પાઘડી-શાલ-કોટી, સ્મૃતિચિહ્ન વગેરેથી
ઉમળકાપૂર્વકનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રીશ્રી તથા અન્ય આમંત્રિતોના પણ આવી જ રીતે
ઓવારણાં લઇ કચ્છીઓએ તેમની આગવી આતિથ્ય ભાવના ઉજાગર કરી હતી.
આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રી મનસુખભાઇ માંડવિયા રાજ્યના મંત્રીશ્રીઓ સર્વશ્રી
સૌરભભાઇ પટેલ, પરબતભાઇ પટેલ તથા દિલીપભાઇ ઠાકોર, કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી
લક્ષ્મણસિંહ સોઢા, જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કે.સી.પટેલ, સાંસદ શ્રી વિનોદભાઇ ચાવડા, ધારાસભ્યો
સર્વશ્રી નિમાબેન આચાર્ય, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, જિલ્લા કલેક્ટર શ્રી રેમ્યા મોહન,
જિલ્લા વિકાસ અધિકારી શ્રી પ્રભવ જોશી, પશ્ચિમ કચ્છના એસ.પી. પરીક્ષિતા રાઠોડ, અંજાર પ્રાંત
અધિકારી શ્રી વિજય રબારી, ઉચ્ચ અધિકારીઓ, પદાધિકારીઓ તથા વિશાળ સંખ્યામાં કચ્છીઓ
ઉપસ્થિત રહ્યા હતા.