ઇબ્રાહિમ પટેલ
મુંબઈ, તા. ૧૬: હાજર (ફીઝીકલ) બજારમાં ઘટી રહેલા એલ્યુમીનીયમ પ્રીમીયમ આપણને દિશાનિર્દેશ આપે છે કે એલએમઈ ભાવ કઈ તરફ જઈ રહ્યા છે. એલ્યુમીનીયમનો વપરાશ ઘટી રહ્યો છે, તે નીચા ભાવની આગાહી કરનારાઓને નવા ઈનપુટ પ્રદાન કરી રહ્યા છે. જપાનમાં ચોથા ત્રિમાસિકનાં શિપમેન્ટ માટેના હાજર પ્રીમીયમમાં ઝડપી ઘટાડો સૂચવે છે કે સર્વાંગી ઔદ્યોગિક ધાતુ બજારને પણ માંગ નબળાઈનો ચેપ લાગ્યો છે. ટ્રેડ વોરને લીધે સમસ્યા વ્યાપક બની છે, તે આપણને અમેરિકામાં વધુ ઘટેલા હાજર (સ્પોટ) પ્રીમીયમને આધારે જણાય છે.
એસએન્ડપી ગ્લોબલ પ્લાત્સ ઇન્ડેક્સને ધ્યાનમાં રાખીને કરાયેલા લોકલ બજારોના સર્વેક્ષણમાં જણાયું હતું કે સીએમઈ મીડવેસ્ટ હાજર પ્રીમીયમ મે મહિનામાં પ્રતિ પાઉન્ડ ૧૯ સેન્ટ (ટન દીઠ ૪૨૦ ડોલર) હતું, તે હાલમાં ઘટીને ૧૮ સેન્ટ (૩૯૬ ડોલર) થઇ ગયું છે. જયારે ચીન દ્વારા થતી એલ્યુમીનીયમ નિકાસ વેગથી ઘટી રહી છે, તે છતાં જપાન માટેના ચોથા ત્રિમાસિક શિપમેન્ટનાં હાજર પ્રીમીયમ, ત્રીજા ત્રિમાસિકના ૧૦૮ ડોલરથી ઘટીને ૯૭ ડોલર રહી ગયા છે. ગતવર્ષે ચીનથી સેમી ફેબ્રિકેટેડ એલ્યુમીનીયમ પ્રોડક્ટ નિકાસ ૨૦ ટકા વધી હતી, આ વર્ષે પ્રથમ સાત મહિનામાં તે ૬ ટકા કરતા પણ ઓછી હતી.
એલએમઈ ખાતે દુર ડીલીવરી (ફોરવર્ડ) સામે નજીકની ડીલીવરીમાં સારા એવા ડિસ્કાઉન્ટ બોલાવા લાગ્યા છે. શુક્રવારે એલએમઈ ત્રિમાસિક વાયદો (ફ્યુચર્સ) ૧૮૧૦ ડોલર હતો, ત્યારે હાજર પ્રીમીયમ ઘટીને ૩૦ ડોલર જ રહી ગયા હતા. ફોરવર્ડ સામે આવા સીધા બદલાનું માળખું પોતે જ કહે છે કે બે ભાવ વચ્ચેના તફાવતને લીધે બદલા (માલમાં રોકેલા નાણા) ફાયનાન્સરોને અત્યારે સારો એવો નફો રળવા મળી રહ્યો છે. હકીકતમાં, જુલાઈમાં દસ વર્ષ પછી અમેરિકન ફેડરલ રીઝર્વે પહેલી વખત વ્યાજદર ઘટાડ્યા પછી તો આવા બદલા ફાયનાન્સરો માટે નફો વધુ સરળ બની ગયો છે. એલએમઈ ખાતે પણ સ્ટોક ઘટી રહ્યો હોવાનું હાલમાં ભલે દેખાતું ન હોય છતાં ઘટી રહેલા સીધા બદલા, બજારમાં એલ્યુમિનીયમની ઉપલબ્ધીનું પ્રતિબિંબ પાડે છે. ઓગસ્ટ આરંભથી એલએમઈ વેરહાઉસમાં સ્ટોક ૧૦ ટકા ઘટ્યો છે, વર્તમાનમાં એલએમઈ ખાતે નજીવો ભાવ વધારો થયો તે આ સ્ટોક ઘટાડાનું પરિણામ છે.
એક્સ્ચેન્જમાનો એલ્યુમીનીયમ સ્ટોક, અલબત્ત, બજારના લાંબાગાળાના ફંડામેન્ટલ કેવા રહેવાના છે, તેના ઉપયોગી સંકેતો પણ આપી રહ્યા છે. એલએમઈ હાજર અને વાયદાના ભાવ તફાવત સાથે સ્ટોરેજ મીકેનીઝમની પ્રણાલી કેવી રહેશે, તેના સૂચિતાર્થો પણ આપી રહ્યા છે. રીસર્ચ હાઉસ સીઆરયુએ એપ્રિલમાં જ એવા સંકેત આપી દીધા હતા કે આ વર્ષે એલ્યુમીનીયમ વપરાશવૃદ્ધિ ૨૦૧૮ની ૩ ટકાથી ઘટીને ૧.૭ ટકા રહેશે. જે ૨૦૧૬ અને ૨૦૧૭ બન્ને વર્ષમા ૬ ટકા જેટલી હતી. આ આગાહી જરા વધુ આશાવાદી ગણાવાઈ રહી છે, જ્યારે રશિયન ઉત્પાદક રુસોલએ તેના બીજા છમાસિકનાં પરિણામો જાહેર કર્યા તે વખતે કહ્યું હતું કે વૈશ્વિક એલ્યુમીનીયમ માંગ પ્રથમ છમમાસિકમાં માંગ માત્ર ૧ ટકો જ વધી હતી, ગતવર્ષની તુલનાએ ચીનની માંગ ૧.૪ ટકા વધી હતી પણ બાકીના વિશ્વની માંગ સ્થિર રહી હતી.
ગોલ્ડમેન સાસના એનાલિસ્ટે નબળી માંગનો હવાલો આપીને તેમની આગામી ત્રિમાસિક અને છમાસિક ભાવ આગાહી અનુક્રમે ૧૯૫૦ ડોલર અને ૨૦૦૦ ડોલરથી ઘટાડીને, હવે ૧૮૫૦ ડોલર અને ૧૯૦૦ ડોલર કરી છે. હાલમાં એલએમઈ એલ્યુમીનીયમ વાયદો ૧૮૦૦ ડોલર આસપાસ છે, ૨૮ ઓગસ્ટે ભાવ અઢી વર્ષની બોટમે ૧૭૨૫.૭૫ ડોલર થયા હતા. આગાઉ પણ માંગની આવી નબળાઈએ બજારને મુશ્કેલીમાં મૂકી છે, જ્યારે ભાવ વેગથી ઘટ્યા હતા. અહી એ કહેવું વાજબી ગણાશે કે ઓટોમોબાઈલ ઉદ્યોગને પગલે એલ્યુમીનીયમને તેજીવાળાઓનો પ્રેમ મળ્યો હતો, પણ હવે કાર ઉદ્યોગ સામે સમાસ્યાઓ પહાડ બનીને સામે આવી છે, ત્યારે મંદીવાળા પણ કચકચાવીને બદલો લેવા તૈયાર થઈને બેઠા છે.