કચેરીમાં હેલ્મેટ પહેરીને આવતા રાજકીય નેતાઓ

રાજ્ય સરકારે ઈ-નગર બનાવવા સોફ્ટવેર આપવાનો નિર્ણય કર્યો હોવા છતાં વલસાડ પાલિકાએ ટેન્ડર બહાર પાડીને એક જ કંપનીના બે ટેન્ડરોમાંથી હિન્દુસ કંપનીનું રૂ.73 લાખનું ટેન્ડર મંજૂર કરી દીધું હતું. તે માટે અસાધારણ ઉતાવળ કરવામાં આવી હતી. જે અંગે શહેરી વિકાસ વિભાગને ફરિયાદ કરવામાં આવી છે. તેથી વલસાડ નગરપાલિકામાં ભાજપના ચૂંટાયેલા સભ્યો વિરોધ પક્ષની ભૂમિકામાં આવી ગયા છે. બાંધકામ સમિતિના અધ્યક્ષ ઉજેશ પટેલે માહિતી માંગી હતી કે 15 વર્ષથી એક જ જગ્યાએ અધિકારીઓ ફરજ બજાવી રહ્યાં હોવાની માહિતી માંગી હોવા છતાં અધિકારીઓ માહિતી આપતાં ન હોવાથી તેઓ પોતાના પક્ષની સામે જ નિશાન તાકી રહ્યાં છે. વલસાડ પાલિકાના પ્રમુખ પંકજ આહીરની હાજરમાં સોફટવેરની ખરીદીમાં થયેલાં ભ્રષ્ટાચાર અંગે સવાલો ઉઠાવવામાં આવ્યા હતા. ભાજપના નેતા સોનલબેન સોલંકીએ ટકોર કરતા અપક્ષો તેમનો વિરોધ કરીને જમીન પર વેલમાં બેસીને ઉગ્ર વિરોધ કર્યો હતો.

છત તૂટી કે ભ્રષ્ટાચાર દેખાયો

વલસાડ પાલિકાના કારોબારી અધ્યક્ષની કચેરીની છતમાં લગાવેલી સિમેન્ટ સીટો 29 ઓક્ટોબરના રોજ તૂટી પડ્યા બાદ સભ્યો હેલ્મેટ પહેરીને આવે છે. તેમને ભય છે કે છત તૂટી ત્યારે કોર્પોરેટરોની ઉપર પડી પણ તેઓ બચી ગયા હતા. આ ઘટના બાદ હવે ચૂંટાયેલા સભ્યો કચેરીની અંદર પેલ્મેટ પહેરીને આવી રહ્યાં છે. તેઓ નવા બિલ્ડિંગની ગુણવત્તા સામે પ્રશ્નાર્થો ઉઠાવી ભ્રષ્ટાચાર થયો હોવાનું જાહેર કરી રહ્યાં છે. અપક્ષ સભ્યો નિતેશ વશી, ઝાકીર પઠાણ, રમેશ ડેની, ઉર્વશી પટેલ, સોનલ પટેલ સહિતના સભ્યોએ કોન્ટ્રાકટરની નબળી કામગીરીનો વિરોધ કરવા હેલ્મેટ પહેરીને સભામાં આવ્યા હતા.

2.91 કરોડના ખર્ચે બનેલી કચેરીમાં ભ્રષ્ટાચાર

વલસાડ નગરપાલિકામાં ભ્રષ્ટાચારની ફરિયાદો વધી રહી છે. રૂ.2 કરોડની રકમ નક્કી કરાઈ હતી અને પછી બારોબાર વધારીને રૂ.2.91 કરોડના નવા બનેલી કચેરીમાં એક કચેરી કારોબારી સમિતિના અધ્યક્ષની છે જેની છત અચાનક ધડાકાભેર તૂટી પડી હતી. સિમેન્ટ સીટની આ છત તૂટતાં પાલિકાના 2 સભ્ય સહિત ૩ વ્યક્તિઓ બચી ગયી હતી. કચેરીમાં ભાજપના સભ્ય હિતેશ રાણા, અપક્ષ સભ્ય યશેષ માલી અને અગ્રણી કૈલાસનાથ પાંડે પર છત તૂટી પડી હતી. જે ભ્રષ્ટાચારની પોલ ખોલી નાંખી હતી. કોન્ટ્રાક્ટર ભરત અડોદરા, અધિકારીઓ અને પદાધિકારીઓના મેળાપીપણામાં નર્યો ભ્રષ્ટાચાર આચર્યો હોવાની પ્રતિતિ થઇ રહી છે. અટલ બિહારી બાજપાઇ સભાખંડમાં પણ થોડો ભાગ તૂટી ગયો છે. હવે આખી કચેરીની તપાસ હાથ ધરાવા નક્કી કરાયું હતું.