કચ્છમાં અપૂરતા વરસાદનાં કારણે સ્થિતિ દિવસે દિવસે બની રહી છે વિકટ

કચ્છ જિલ્લામાં અપૂરતાં વરસાદનાં કારણે અહીંનાં માલધારીઓની માંગણી છે કે સરકાર દ્વારા પ્રતિબંધિત બોર્ડર વિસ્તાર ઘાસ માટે મંજૂરી આપવામાં આવે તો પશુઓનો નિભાવ થઇ શકે તેમ છે. નહિતર માલધારીઓ પશુઓ સાથે હિજરત કરવી પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે
કચ્છ જિલ્લામાં ચાલુ વર્ષે ચોમાસું સારું ન રહેતાં અછતની સ્થિતિ ઊભી થઈ છે. અપૂરતાં વરસાદનાં કારણે અછતની સ્થિતિ દિવસેને દિવસે વિકટ બની રહી છે. કચ્છના ખાવડા વિસ્તારમાં પાણી અને ઘાસની તંગીને લઈને માલધારીઓ પરેશાન છે. પશુઓ ઘાસ માટે અને પાણી માટે વલખાં મારી રહ્યા છે.
ખાવડાનાં કોટડા ગામનો મુખ્ય વ્યવસાય પશુપાલન અને ખેતીવાડી છે આ વર્ષે કચ્છમાં ચોમાસું નબળું રહેતા માલધારીઓની મુશ્કેલીમાં વધારો થઇ રહ્યો છે. પાણી અને ઘાસની તંગીના કારણે પશુધનની હાલત વધુ કફોડી બની છે. સીમાડામાં ઘાસનું તણખલું પણ નથી ઉગ્યું. એવા સમયે પશુધનનો નિભાવ કરવો ખૂબ જ મુશ્કેલીજનક બન્યું છે. ઘાસ અને પાણીની સમસ્યા એટલી હદે વિકટ બની છે કે અહીંના માલધારીઓ પાસે હિજરત કરવા સિવાય કોઈ વિકલ્પ રહ્યો નથી
સુકીભઠ્ઠ જમીન ઘાસનાં તણખલા માટે વલખાં મારતા પશુઓ સીમાડા ખુંદીને થાકી ગયેલા માલધારીઓનું આ દ્રશ્ય ધણું બધું કહી જાય છે. રાજય સરકાર અછત સ્થિતિ માત્ર કાગળ પર કરી રહી હોય તેવું લાગી રહ્યું છે. ઘાસ અને પીવાના પાણીની વિકટ સમસ્યાનો સામનો કરવા માટે કોટડા ગામના માલધારી મજબૂર બન્યાં છે. અહીંના માલધારીઓને ઉનાળો કેવી રીતે જશે તેની ચિંતા તો બાજુ પર પણ આવતીકાલ કેવી રીતે જશે તેની ચિંતા સતાવી રહી છે.