કચ્છ જિલ્લામાં કપાસનું વાવેતર નિષ્ફળ, ખેડૂતો વધુ દેવાનાં ડૂંગરતળે દબાયાં

ગુજરાતમાં ચાલુ વર્ષે થયેલાં અપૂરતાં વરસાદનાં કારણે લગભગ અડધાં ગુજરાતમાં અછતની સ્થિતિ સર્જાઈ છે. આ સંજોગોમાં ઘણાં ઠેકાણે ચોમાસા દરમિયાન થયેલાં વરસાદનાં કારણે વાવણી કરી હતી, પરંતુ બાદમાં વરસાદ ખેંચાઈ ગયો અને હવે તો ચોમાસુ પણ પૂર્ણ થઈ ગયું છે ત્યારે વાવણી કરેલાં મોટાભાગનાં પાકો નિષ્ફળ ગયાં છે. આસમાનમાંથી તો પાણીનું ટીપું નથી પડી રહ્યું પણ જગતના તાતની આંખોમાંથી પાક નિષ્ફળ જવાનાં કારણે સતત પાણી વરસી રહ્યું છે અને તે પોતે પણ સરકાર કંઈક આપશે એવી આશ લગાવીને બેઠો છે.
જી હા, આ એકદમ સાચી વાત છે. સૌરાષ્ટ્રનાં ઘણાં જિલ્લાઓ ઉપરાંત કચ્છ જિલ્લામાં પણ અપૂરતાં વરસાદનાં કારણે આ વિસ્તારોમાં થતાં પાક નિષ્ફળ જવા માંડ્યા છે. કચ્છ જિલ્લામાં પૂરતાં પ્રમાણમાં વરસાદ આવશે એવી આશાએ આ વિસ્તારનાં ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું, પરંતુ ચોમાસું નબળું જતાં તેમનો કપાસનો પાક નિષ્ફળ ગયો છે. અને તેનાં કારણે તેમની હાલત દયનીય બની ગઈ છે. કચ્છ જિલ્લામાં 56, 341 હેક્ટર જમીન ઉપર કપાસનું વાવેતર કરવામાં આવ્યું છે. આ વર્ષે ચોમાસું સારું રહેવાની હવામાન વિભાગની આગાહીને ધ્યાનમાં રાખીને ખેડૂતોએ કપાસનું વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ જોઈએ એવો ન આવતાં આ તમામ પાક નિષ્ફળ ગયો છે અને કપાસનું વાવેતર કરનાર ખેડૂતો બેહાલીની ગર્તામાં ધકેલાઈ ગયાં છે.
ચાલુ વર્ષે સારા ચોમાસાની આશાએ દેવાનાં ડૂંગરતળે દબાયેલાં હોવા છતાં કચ્છ જિલ્લાનાં ખેડૂતોએ મોંઘાભાવે બિયારણની ખરીદી કરીને કપાસનું વાવેતર કર્યું હતું. કુદરત પણ જાણે ધરતીપુત્રોથી રિસાઈ હોય એમ આ વર્ષે આ જિલ્લામાં જોઈએ એવો વરસાદ આવ્યો જ નહિ. આમ ખેડૂતોને દાઝ્યા પર ડામ દેવાયા હોય એવી સ્થિતિ ઊભી થઈ છે. કપાસનો પાક નિષ્ફળ જવાનાં કારણે મોંઘાભાવે બિયારણ અને ખાતર લાવનાર ખેડૂત વધારે દેવાદાર બની ગયો છે.
અપૂરતાં વરસાદનાં કારણે ઘણાં પાકો નિષ્ફળ જઈ રહ્યાં છે ત્યારે ખેડૂતોની દયનીય સ્થિતિને જોતાં શું રાજ્ય સરકાર ઘોર નિંદ્રામાંથી જાગીને આ ખેડૂતોનાં દેવામાફી કરશે ખરી એ એક યક્ષ પ્રશ્ન છે