કન્સ્ટ્રશન સાઈટ ઉપર સાત મજૂરોને કરંટ લાગ્યો, સગીરાનું મોત

અમદાવાદ, જીવરાજપાર્ક વિસ્તારમાં હોસ્પિટલ સ્ટાફ કોલોનીમાં સાલોમ રેસીડેન્સી નામની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર કોંક્રિટ મિક્સર મશીન ખસેડતી વખતે સાત મજૂરોને કરંટ લાગતા એક સગીરાનું મોત થયું છે. આજે બપોરે ચારેક વાગે બનેલી આ ઘટનાને રફેદફે કરવા બિલ્ડરે તમામ પ્રયત્નો કર્યા હતા. સાલોમ રેસીડેન્સી નામની કન્સ્ટ્રકશન સાઈટ ઉપર મજૂરો મિકસર મશીન ખસેડતા હતા તે સમયે લટકી રહેલા વીજ વાયરોમાંથી તૂટી ગયેલો વાયર મશીનના સંપર્કમાં આવતા કરંટ મશીનમાંથી પસાર થયો હતો. પાણીમાં ઉભી રહેલી પ્રિયંકા (ઉ.16 વર્ષ)ને કરંટની વધુ અસર થતા તેનું મોત નિપજયું હતું. જયારે ત્રણેક મજૂરોને અન્ય મજૂરોએ લાકડાના ટુકડા વડે ફટકા મારી મશીનથી છુટા પાડયા હતા. બેભાન થઈ ગયેલા બે મજૂરોની સ્થિતિ સામાન્ય થઈ ગઈ હતી. આ મામલાની જાણ થતા વાસણા પોલીસે અકસ્માત મોત નોંધી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે.