ઇબ્રાહિમ પટેલ
મુંબઈ તા. ૨૯: જી-૭ બેઠકના અંતે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પએ એક નિવેદનમાં “તમને ફૂલ દીધાની યાદ” એવું ચીનને કહ્યું, તે સાથે જ ઈરાન સાથે કુટનીતિક વાટાઘાટોના દ્વાર અમે ખુલ્લા રાખ્યા છે એમ પણ કહ્યું. આ ઘટનાએ આખા વિશ્વના નાણાબજારને આંચકો આપ્યો હતો. શુક્રવારે અમેરિકા અને ચીને સામસામાં ટ્રેડ વોર ટેરીફનાં દારૂગોળા ફોડ્યા, પછી કોમોડીટી કોમ્પ્લેક્સમાં ખાસ કરીને રૂ બજારમાં નકારાત્મકતા સર્જાઈ હતી. રૂની માંગ સાવ નબળી પડી ગઈ છે, ત્યારે રોકાણકારોનું સેન્ટીમેન્ટ પણ તળિયે બેસી ગયું છે. બજાર અત્યારે જી-૭ના અંતે વેપાર ક્ષેત્રે કેવાક વમળો સર્જાય છે, તેના પર નજર રાખીને બેઠી છે. યુએસ ચીન ટ્રેડ વોરને લીધે માંગ નબળી પડતા આ વર્ષે અત્યાર સુધીમાં રૂના ભાવ ૨૧ ટકા ઘટી ગયા છે.
સોમવારે આઈસીઈ ન્યુયોર્ક રૂ વાયદો ૧ ફેબ્રુઆરી ૨૦૧૬ના તળિયે ૫૬.૫૯ સેન્ટ પ્રતિ પાઉન્ડ (૪૫૪ ગ્રામ) બોલાયા પછી, મંદીવાળાએ થોડા શોર્ટ કવરીંગ સાથે નફો બુક કરતા, ભાવ બુધવારે વધી ૫૮.૮૨ સેન્ટ થયા હતા. જગતના સૌથી મોટા નિકાસકાર અમેરિકામાં રૂ પાક બાબતે થોડી ચિંતા નિર્માણ થઇ છે, સુકા હવામાનને લીધે સૌથી મોટા ઉત્પાદક રાજ્ય ટેક્સાસમાં વાવેતરનાં સંયોગો નબળા પડ્યા છે. અમેરિકન કૃષિ મંત્રાલયના ૨૫ ઓગસ્ટ સુધીના આંકડા કહે છે કે પાક, અગાઉના સપ્તાહની ૪૯ ટકાની તુલનાએ ૪૩ ટકા ગુડથી એક્સેલંટ હતો.