કપાસનો પાક નિષ્ફળ જતાં ખેડૂતે આત્મહત્યા કરી, 17 લાખ ખેડૂતો દેવામાં ડૂબેલા

સાવરકુંડલા તાલુકાના પિયાવા ગામે રહેતા અને ખેતી કામ કરતા શંભુભાઈ વલ્‍લભભાઈ કાછડીયા નામના 6પ વર્ષીય વૃઘ્‍ધ ખેડૂત પોતાની ખેતી-વાડીની જમીનમાં કપાસનું વાવેતર કર્યું હોય, અને ગત ચોમાસામાં વરસાદ ખૂબ જ ઓછો થતાં કપાસનું ઉત્‍પાદન ખૂબ જ ઓછું થતાં પોતે મંડળીમાંથી પૈસા ઉપાડેલ હોય, તે પૈસા ભરી શકે તેટલું પણ વળતરનહીં મળતાં આ મંડળીના પૈસા કેમ ભરવા ? તથા પૈસા વગર ઘર પણ કેમ ચલાવવું ? તેવો પ્રશ્‍ન ઉભો થતાં પોતે ખરેખરી ચિંતામાં આવી જવાના કારણે ગત તા.31ના સવારે પોતાની મેળે પિયાવા ગામે અનાજમાં નાખવાના ઝેરી ટીકડા પી લેતાં આ વૃઘ્‍ધ ખેડૂતને સારવાર માટે અમરેલી દવાખાને ખસેડવામાં આવેલ. જયાં તેમનું સારવાર દરમિયાન મોત થયાનું મૃતક ખેડૂતના નાના ભાઈ નાગજીભાઈ કાછડીયાએ વંડા પોલીસમાં જાહેર કર્યું છે.

અત્રે ઉલ્‍લેખનીય છે કે અગાઉ પણ અમરેલી જિલ્‍લાના કેટલાક ખેડૂતોએ વરસાદ નહીવત પડતા અને ખેતરમાં ઉત્‍પાદન ઓછું આવવાના કારણે આપઘાત કર્યાના બનાવ બાદ વધુ એક વૃઘ્‍ધ ખેડૂતે આપઘાત કરતાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.

કેન્‍દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ ગુજરાતના ખેડૂતોની કફોડી સ્‍થિતિનો આપે છે ચિતારઃ નાના અને મધ્‍યમ ખેડૂતોની સ્‍થિતિ અત્‍યંત દયાજનક : ગુજરાતના ખેડૂતોની આવક હરીયાણા અને પંજાબના ખેડૂતો કરતા ત્રીજા ભાગનીઃ છેલ્લા ૩ મહિનામાં વિવિધ કારણોસર ૧૩ જેટલા ખેડૂતોએ ગુજરાતમાં મોતને વ્‍હાલુ કર્યુ છે

ગુજરાતમાં ખેડૂતોની માઠી દશા છે. છેલ્લા ૩ મહિનામાં નાણાકીય કટોકટી અને પાક નિષ્‍ફળ જવાના ભયથી ૧૩ જેટલા ખેડૂતોએ આપઘાત કર્યા છે ત્‍યારે કેન્‍દ્રીય કૃષિ મંત્રાલય દ્વારા ગુજરાતના ખેડૂતો અંગે બહાર પાડવામાં આવેલા આંકડાઓ ચોંકાવનારા છે. એગ્રીકલ્‍ચર સ્‍ટેસ્‍ટીકસ ૨૦૧૭ની પોકેટ બુકના ડેટા અનુસાર ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂા. ૩૫૭૩ છે. જ્‍યારે ખેડૂતોના ઘરનો સરેરાશ માસિક ખર્ચ રૂા. ૨૨૫૦ છે. જ્‍યારે સરેરાશ આવક રૂા. ૫૭૭૩ છે તેવુ પોકેટ બુકના આંકડાઓ જણાવે છે. આ આંકડાઓ જુન ૨૦૧૨ અને જૂન ૨૦૧૩ વચ્‍ચેના છે.

ગુજરાતના ખેડૂત પરિવારની સરેરાશ માસિક નેટ આવક રૂા. ૩૫૭૩ થવા જાય છે. જે હરીયાણા અને પંજાબના ખેડૂતોની આવક કરતા ત્રીજા ભાગની છે. મહારાષ્‍ટ્ર અને મધ્‍યપ્રદેશના ખેડૂતોની માસિક આવક કરતા પણ ઓછી છે. જ્‍યારે ૨૦૧૬ની આ પોકેટ બુકની આવૃતિ જણાવે છે કે, ખેતીવાળા ઘરની માસિક આવક રૂા. ૭૯૨૬ છે.

બોટાદના એક ખેડૂત અજીતસિંહ વાવડી કહે છે કે, આજે એવા અનેક નાના અને મધ્‍યમ ખેડૂત પરિવારો છે જેની માસિક આવક રીપોર્ટમાં દર્શાવેલ સરેરાશ આવક કરતા પણ ઓછી છે. એવા અનેક પરિવારો છે જેઓ મહિને ૨૦૦૦થી ઓછું કમાઈ છે. અનેક એવા ખેડૂતો છે જેઓએ આ વર્ષે કપાસ વાવ્‍યો હતો પરંતુ તેમને પડતર પણ નીકળી નથી. તેઓ જણાવે છે કે, ચોમાસુ પાક માટે એક ખેડૂત ૧ વિઘા કપાસ માટે બીજ, ખાતર, મજુરી વગેરે થઈને રૂા. ૧૩૫૦૦નો સરેરાશ ખર્ચ કરતો હોય છે. સારા વર્ષમાં તેને ૪૦૦ કિલો પાક મળે છે. જેના રૂા. ૨૪૦૦૦ થાય છે. હવે એ ઘટીને ૧૦૦ કિલો થઈ ગયો છે અને ખેડૂતને નેટ આવક રૂા. ૫૦૦૦ની થાય છે.

બનાસકાંઠાના વાવ તાલુકાના નાંદોદના એક ખેડૂત શિવરામ છબાડીયા કે જેમની પાસે ૨૦ વિઘા જમીન છે તેઓ કહે છે કે, મોટા ભાગના ખેડૂત પરિવારોની માસિક આવક રૂા. ૩૦૦૦થી વધુ નથી. આ વર્ષ સૌથી વધુ ખરાબ છે કારણ કે વરસાદ પડયો નથી જેના કારણે ખેડૂતને પડતર એટલે કે કરેલા ખર્ચનુ વળતર મળવાનુ નથી.

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના પ્રોફેસર આર.એલ. સીયાણીનુ કહેવુ છે કે, સરકારના આંકડાઓ એવરેઝ કોસ્‍ટ પરના છે. ગુજરાતના અનેક નાના અને મધ્‍યમ ખેડૂતો છે કે જેમની આવક આપેલા આંકડાઓ કરતા પણ ઓછી હોય છે. મોટા ખેડૂતો ઘણુ કમાઈ લેતા હોય છે, પરંતુ નાના અને મધ્‍યમ ખેડૂતોની મુશ્‍કેલી વધુ હોય છે. ભારતીય કિસાન સંઘના ગુજરાત ચેપ્‍ટરના પ્રમુખ વિઠ્ઠલ દુધાત્રાનું કહેવુ છે કે, સૂચવાયેલ છે તેના કરતા પણ ખેડૂતોની આવક ઓછી હોય છે. ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે અને દુષ્‍કાળના કારણે ખેડૂતો મોતને પણ વ્‍હાલુ કરે છે. ખેડૂત એકટીવીસ્‍ટ સાગર રબારી કહે છે કે, સરકાર ૨૦૨૨ પહેલા ખેડૂતોની આવક ડબલ કરવા માગે છે પરંતુ સરકારે આ માટે પ્‍લાન નક્કી કરવો જોઈએ.

ગુજરાતમાં ૪૩ ટકા જેટલા ખેડૂત પરિવારો દેવામાં ડૂબેલા છે તેવુ આ આંકડાઓ જણાવે છે. ગુજરાતમાં ૫૮.૭૨ લાખ ગ્રામીણ મકાનો છે તેમાથી ૬૬.૯ ટકા કૃષિમાં સામેલ છે. કુલ ૩૯.૩૧ લાખ ગ્રામીણ પરિવારોમાથી ૧૬.૭૪ લાખ ગ્રામીણ પરિવારો દેવામા ડૂબેલા છે. રીપોર્ટ જણાવે છે કે, ૩૪.૯૪ લાખ પરિવારોએ પાક લોન લીધેલી છે જે ૫૪૨૭૭ કરોડની છે.

કૃષિ અર્થતંત્ર વર્ષે

રાજ્‍ય ગુજરાત

ખર્ચ ૨૨૫૦

આવક ૫૭૭૩

નેટ આવક ૩૫૨૩