કપાસ, મગફળીમાં ભાવ ઘટ્યા, ઘઉંના ભાવ વધશે

એગ્રી કોમોડિટી બજારો માટે વિતેલું સપ્તાહ વોલેટાલિટી વાળું રહ્યું હતું. અમેરિકા-ચીન વચ્ચે ચાલી રહેલી ટ્રેડ વોરની અસરે વૈશ્વિક એગ્રી કોમોડિટી બજારો તુટ્યાં હતાં. ઘઉંનાં ભાવ ક્વિન્ટલનાં મિલ ક્વલિટીમાં રૂ.૨૧૫૦ જેવા બોલાય રહ્યાં છે, જે હજી વધીને રૂ.૨૩૦૦ સુધી પહોંચવાની ધારણાં છે. માર્કેટિંગ યાર્ડમાં મિલબર ક્વોલિટીનાં ભાવ રૂ.૪૦૦ પ્રતિ ૨૦ કિલો પહોંચી ગયાં છે. સરકાર દ્વારા ઘઉંનાં વેચાણ ભાવ ઊંચા રાખવામાં આવ્યાં હોવાથી સ્થાનિક બજારો પણ વધી ગઈ છે.

કપાસની બજારમાં મંદી અટકીને ભાવ સ્થિર થવા મથી રહ્યાં છે, પરંતુ બીજી તરફ આયાતકારોને મોટી મુશ્કેલીઓ આવવા લાગી છે. વૈશ્વિક રૂનાં ભાવ મહિનામાં ૧૫ ટકાથી પણ વધુ તુટી ગયાં છે અને ઘરઆંગણે પણ ભાવ ઘટીને ખાંડીનાં રૂ.૪૪૦૦૦ સુધી પહોંચી ગયાં હતાં. કપાસનાં ભાવ રૂ.૧૨૦૦ની અંદર આવી ગયાં છે. આવીસ્થિતિમાં આયાતકારોને મોટું નુકસાન જઈ રહ્યું હોવાથી સોદા કેન્સલ થવા લાગ્યાં છે. આશરે ૧૦થી ૧૨ લાખ ગાંસડી રૂ આગામી બેથી અઢી મહિનામાં ભારતમાં આવવાનું છે, જેના સોદા ઘોંચમાં પડી શકે છે.

મગફળી-સિંગદાણાની બજારમાં તેજીને બ્રેક લાગીને ભાવ હવે ઘટવા લાગ્યાં છે. સરકારી મગફળીનું વેચાણ વધવાની સાથે ઉનાળુ મગફળી પણ સૌરાષ્ટ્રમાં ચાલુ થઈ ગઈ છે. જેને પગલે મગફળીનાં ભાવ ઘટવા લાગ્યાં છે. ખાંડી (૪૦૦ કિલો)એ રૂ.૨૦૦થી ૪૦૦ ઘટીને હાલ રૂ.૨૦૦૦૦ આસપાસ ક્વોલિટી પ્રમાણે ભાવ છે. સિંગતેલમાં ભાવ સ્થિર છે, પરંતુ હવે ઘટી શકે છે.