કમ્પ્યુટરથી પાણી આપવાની પદ્ધતિ

કમ્પ્યુટર સિસ્ટમથી ખેતરમાં પાકને પાણી અને ખાતર આપવાનું દેશના સૌ પ્રથમ ખેડૂતનું બહુમાન કરજણના કાસમપુરાના પ્રગતિશીલ ખેડૂતને ફાળેઃ સાત વર્ષ પૂર્વે ખેડૂતે દસ લાખના ખર્ચે મશીન વિકસાવ્યું હતું – કરણ રાજપુત

દેશ ના કોઇ પણ ખૂણે બેસી ઇન્ટરનેટની મદદથી ખેતરમાં વાવેતર કરેલા પાકમાં પાણી અને ખાતર આપવું એ સાંભળીને થોડંુ અચરજ લાગે કે ખેતરમાં ગયા વિના આ શક્ય કેવી રીતે બને. પણ અશક્યને શક્ય કરી બતાવ્યું છે કરજણ તાલુકાના કાસમપુરાના એક પ્રગતિશીલ ખેડૂતે. જેની ટેકનોલોજી જોવા માટે આજે પણ રાજ્યભરમાંથી ખેડૂતો ઉમટી રહ્યા છે. ઇઝરાયેલના ટેકનિશિયનો પણ આ ખેડૂતની મુલાકાત લઇ અત્યાધુનિક ટેકનોલોજી અંગે ખેડૂતને જાણકારી આપી રહ્યા છે. આજથી સાત વર્ષ પૂર્વે જ્યારે ખેડૂતે રૃપિયા દસ લાખના મશીનની ખરીદી કરી ત્યારે તમામ ખેડૂતો દંગ રહી ગયા હતા.
દેશમાં આ પ્રકારની ટેકનોલોજીવાળી મશીનરી ખરીદવામાં સૌ પ્રથમ હોવાનું ખેડૂતે જણાવ્યું હતું. આ મશીનની ખરીદી બાદ આજે તેના મીઠાં ફળ તેઓ ચાખી રહ્યા છે. પાકમાં ઓછું પાણી આપો તો મૂરઝાઇ જાય કે વધારે પાણી આપવાથી કોહવાવાનો ભય રહે. ખેડૂતો પિયત સમયે આડેધડ ખાતર અને પાણી આજની તારીખે પણ ખેતરમાં આપે છે. પાણી કે ખાતર વધુ આપવાથી પણ ફાયદો નથી કે ઓછુ આપવાથી. પાકનો એક રેશિયો હોય છે. જેને નિભાવવામાં આવે તો પાકમાં મબલક ઉત્પાદન મળી શકે.
આ જ સિદ્ધાંતને આધારે વડોદરા જિલ્લાના કરજણના પટેલ ગોપાળભાઇ શામળભાઇ પટેલે ઇન્ટરનેટ પર આ પ્રકારના મશીનની શોધખોળ હાથ ધરી હતી. જેમાં તેમણે એક ખાનગી કંપની આ પ્રકારનાં મશીનનું વેચાણ કરતી હોવાનું ધ્યાને આવતાં તેમણે સાડા સાતથી દસ લાખના ખર્ચે મળતા આ મશીનની ખરીદી કરી પોતાની ૧૦૦ વીઘા જમીનનમાં ડ્રિપ પદ્ધતિનો ઉપયોગ શરૃ કર્યો હતો. ગોપાળભાઇએ જણાવ્યું હતું કે, દેશના કોઇ પણ ખૂણે બેઠા હોવા છતાં ઇન્ટરનેટના માધ્યમથી આ મશીન દ્વારા ખેતરમાં પાક અને પાણી આપી શકાય છે. તેઓ ૫૦ ટકા જમીનમાં શેરડીની, ૩૦ ટકામાં કપાસ અને બાકીની ૨૦ ટકા જમીનમાં શાકભાજીની ખેતી કરે છે. જેમાં આ મશીનના ઉપયોગ બાદ ઉત્પાદકતામાં ઘણો વધારો મેળવ્યો છે. જ્યારે પાણી અને ખાતર સમયસર મળવાથી તેમના ફળોની ગુણવત્તા પણ ઉચ્ચ ક્વોલિટીની હોવાનું ગોપાલભાઇએ જણાવ્યું હતું.
તેમની આ પ્રકારની સિદ્ધિ જોઇ રાજ્ય સરકારે પણ તેમણે સરદાર કૃષિ રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા.

પ્રગતિશીલ ખેડૂત હોવાને પગલે આણંદ કૃષિ યુનિના. વૈજ્ઞાાનિકો દ્વારા પણ તેમને યોગ્ય માહિતી મળી રહેતી હોવાનું જણાવ્યું હતું. ગોપાલભાઇ ખાનગી કંપનીના પણ બ્રાન્ડ એમ્બેસેડર છે. બ્રાન્ડએમ્બેસેડર હોવાથી કંપની પણ શક્ય તેટલી માહિતી ખેડૂતને પૂરી પાડી તેઓ મબલક ઉત્પાદન મેળવે તેવા પ્રયાસો કરી રહી છે. આમ એક ખેડૂતે ખેતીમાં કમ્પ્યુટર ટેકનોલોજીનો ઉપયોગ કરી રાજ્યમાં ખેતીને એક નવી દિશા ચીંધી છે. સંપર્ક : ૯૯૨૪૩ ૭૩૯૧૩