લગ્નગીત, ફટાણા, ભવાઇ રાવણહત્થો ઉમેરાયા, નાગફણી ભૂલાયું

રાજ્ય સરકારના યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ દ્વારા રાજ્ય વ્યાપી સાંસ્કૃતિક કલાઓની સ્પર્ધાઓના સમૂહ કાર્યક્રમ તરીકે કલા મહાકૂંભમાં આ વર્ષે ભવાઇ, લગ્નગીત,  ફટાણા અને વિવિધ લોક સંગીતની સ્પર્ધાઓ ઉમેરવામાં આવી છે. રાજ્ય કલા મહાકુંભમાં ગાયન વિભાગમાં સમૂહ લગ્નગીત, લગ્નના ફટાણાની સ્પર્ધા ઉમેરાઇ છે. વાદન વિભાગમાં સરોદ (શાસ્ત્રીય રાગ), સારંગી (શાસ્ત્રીય રાગ), જોડિયાપાવા (લોક સંગીત), રાવણહથ્થો (લોક સંગીત)ની સ્પર્ધાઓ ઉમેરાઇ છે. જેમાં સરોદ અને સારંગીની સ્પર્ધા જિલ્લા કક્ષાએ તથા જોડિયા પાવા અને રાવણહથ્થાની સ્પર્ધા સીધી રાજ્યકક્ષાએ યોજાશે.

પણ સાંસ્કૃત્તિક વિભાગ નાગ જેવું દેખાતું અને મોઢેથી વાગતું કચ્છનું પ્રાચીન વાદ્ય નાગફણી ભલી ગયો છે. પિત્તળ ધાતુમાંથી બનતું આ વાદ્ય નાગના આકારનું જ હોવાથી એને નાગફણી કહેવામાં આવે છે. નાગફણી વાદ્ય હવે નામશેષ થઈ ગયું છે. ગુજરાતમાં 15 જેટલાં વાદ્યો લુપ્ત થવાના આરે છે.

અભિનય વિભાગમાં પણ ભવાઇની સ્પર્ધા ઉમેરવામાં આવી છે.

સ્પર્ધામાં ભાગ લેનાર કલાકારોની વય જૂથમાં ફકત વ્યક્તિગત કૃતિઓનો સામવેશ કરાશે. કચ્ચીપુડી અને ઓડીસી કલાનૃત્યોનો જિલ્લા, રીજીયન અને રાજ્યકક્ષાએ સમાવેશ કરાયો છે. જેમાંથી કુચિપુડી નૃત્યની સ્પર્ધાનું આયોજન જિલ્લાકક્ષાએ તથા મોહિની અટ્ટમ (કેરલ)ની શાસ્ત્રીય નૃત્ય શૈલી પ્રદેશ કક્ષાએ ઉમેરવામાં આવ્યું છે, તેમ યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગની યાદીમાં જણાવાયું છે.

લુપ્ત થઈ રહેલાં ગુજરાતના વાદ્યો

ગુજરાતમાં લોક વાદ્યોની વિશાળ શ્રેણી છે. ગુજરાતના આદિવાસીઓ અને પશુપાલકો અદભુત સંગીત સૂરો રેલાવતા વાદ્યો વગાડતા હતા. કેટલાક વાદ્યો લુપ્ત થવાના આરે છે.

પાવરી

ડાંગના આદિવાસીઓમાં આ લોકપ્રિય વાદ્ય છે. પહેલાના સમયમાં પાવરી બનાવવા માટે ગાય કે બળદના શિંગડાનો ઉપયોગ કરવામાં આવતો હતો. હવે પતેના માટે તાડપત્રીનો ઉપયોગ કરવામાં આવે છે. શિંગડા કે તાડપત્રી ઉપરાંત બે વાંસળી અને પાકીને સૂકાઈ ગયેલી દૂધીના એકીકરણથી પાવરી બને છે.

સુંદરી

સાતથી નવ છિદ્રોવાળું આ એક એવું નાનકડું વાદ્ય છે જે જાણકાર દ્વારા બહુ સરળતાથી વગાડી શકાય છે. જોકે હવે આ વાદ્ય બહુ પ્રચલિત નથી. સુંદરી એ કચ્છની લંગા જાતિનું પારંપારિક વાદ્ય છે.

સુરાંદો

સુરાંદો કચ્છનું એક પ્રાચીન તંતુવાદ્ય છે. સારંગી જેવું લાગતું આ વાદ્ય કચ્છના લોકસંગીતમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે. ગજથી વાગતું આ વાદ્ય સિંધ અને પાકિસ્તાનના સરિંદા નામના વાદ્ય સાથે મળતું આવે છે.

રાવણહથ્થો

રાવણહથ્થો પણ ગજ દ્વારા વાગતું એક તંતુવાદ્ય છે. રાજસ્થાન ઉપરાંત કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારમાં પણ રાવણહથ્થો વગાડવામાં આવે છે.

એકતારો

એકતારો પણ એક તંતુવાદ્ય છે પરંતુ એ હાથની પહેલી આંગળી વડે જ વગાડવામાં આવે છે. કૃષ્ણભક્ત મીરાં ભજન ગાતા સમયે એકતારો વગાડતાં હતાં. હવે એનો ઉપયોગ ભાગ્યે જ કરવામાં આવે છે.

પકાની-પનાર

પકાની-પનાર નામે ઓળખાતું વાદ્ય બેથી ત્રણ ફૂટ લાંબુ હોય છે. જેના છેડે ચાર છિદ્રો હોય છે. તેને મોઢેથી વગાડવામાં આવે છે. તે વાંસળીને મળતું આવે છે. આ વાદ્ય કચ્છ ઉપરાંત બલૂચિસ્તાન, ઈરાન અને તુર્કિસ્તાનમાં પણ પ્રચલિત છે.

નાગફણી

નાગ જેવું દેખાતું અને મોઢેથી વાગતું કચ્છનું પ્રાચીન વાદ્ય નાગફણી છે. પિત્તળ ધાતુમાંથી બનતું આ વાદ્ય નાગના આકારનું જ હોવાથી એને નાગફણી કહેવામાં આવે છે. જોકે આ વાદ્ય હવે નામશેષ થઈ ગયું છે.

મોરચંગ

મોરચંગને તંતુવાદ્ય કહી શકાય. આ વાદ્ય ખિસ્સામાં મૂકી શકાય એવું હોય છે. જો કે તેનો ધ્વનિ ખૂબ મોટો અને મનમોહક હોય છે. લોખંડ અને પિત્તળમાંથી બનાવાયેલા આ મોરચંગનો ઉપયોગ ભરવાડ કે વણઝારા કરે છે. કચ્છી લોકસંગીતમાં લંગાગાયકો દ્વારા આ વાદ્યનો સૌથી વધુ ઉપયોગ કરવામાં આવે છે.

જોડિયા પાવા

જોડિયા પાવા એ બે વાંસળીની જોડને સામાન્ય વાંસળીની જેમ મોઢેથી ફૂંક મારીને વગાડવામાં આવે છે. આ બે વાંસળીમાં એક નર અને એક માદા હોય છે. જે વીસથી બાવીસ ઈંચ લાંબા હોય છે. રણપ્રદેશમાં ઘેટાં ચરાવનારા ભરવાડો ખૂબ તન્મયતાથી જોડિયા પાવા વગાડે છે.

ભૂંગળ

ભવાઇમાં તે મુખ્ય વાદ્ય ગણવામાં આવે છે. ભુંગળ અંદાજે 4થી 5 ફૂટ લાંબુ હોય છે.

થાળી વાદ્ય

મધ્યમ આકારની કાંસાની થાળીમાં ખાસ પ્રકારનું મીણ લગાડેલી એક પાતળી સળી ઊભી રાખવામાં આવે છે. સરબાહ કે ભાંગાર નામની વનસ્પતિની સળીને સર કહેવામાં આવે છે. અઢીથી ત્રણ ફૂટનો સર હોય તો થાળી સારી વાગે છે.

કહાળી

શરણાઇ જેવું લાગતું આ વાદ્ય જંગલમાં ગાયો ચરાવવા જતા ગોવાળિયા અને માલધારીઓ દ્વારા વગાડવામાં આવે છે.

માદળ

મૃદંગ જેવું દેખાતું આ વાદ્ય બીયાના કે સાગના લાકડામાંથી બનાવવામાં આવે છે. અંદાજે ચાલીસ ઈંચ લાંબા માદળના મુખ પરના ચામડાને ડાંગી લોકો ‘ઘોદ’ કહે છે. ઘોદ પર વચ્ચે મીણ લગાડવામાં આવે છે. મૃદંગની જેમ માદળનું મુખ એક બાજુથી નાનું અને બીજી બાજુથી મોટું નથી હોતું. માદળનો આકાર સળંગ એકસરખો જ હોય છે. માદળનો અવાજ ભારે હોવાથી એ લગ્નપ્રસંગે દેવગીતો ગાતી વેળાએ વગાડવામાં આવે છે.

ઢાંક-ઢાંકા

ડમરું જેવા આકારનું આ વાદ્ય નવથી દસ ઈંચ લંબાઈનું હોય છે. ઢાંકની જમણી બાજુને ‘કુડપી’ અને ડાબી બાજુને ‘થાપ’ કહેવાય છે. કુડપીને વાંસમાંથી બનાવાય છે અને શણની દોરીથી તેને ધનુષ જેવો આકાર આપવામાં આવે છે. ઢાંકની વિશેષતા એ છે કે એને પગની પીંડી પર બાંધીને વગાડવામાં આવે છે. પગમાં ઢાંક સાથે ઘૂઘરા બાંધી તાલ આપવામાં આવે છે.

નાલ

આ ઢોલક જેવું દેખાતું એક બાજુથી સાંકડું અને બીજી બાજુથી પહોળું વાદ્ય છે. ઢોલકની તુલનામાં નાલનો અવાજ થોડો તીણો પણ મધુર હોય છે. કોઈ પણ પ્રકારના નૃત્ય કે ગીત ગાતી વેળાએ નાલ વગાડવામાં આવે છે.