કાંકરિયા લેક ખાતે આવેલી સુપરસ્ટાર એમ્યૂઝમેન્ટ પ્રાઈવેટ લિમિટેડની રાઈડમાં જુલાઈ 14ને રવિવારે પેંડુલમ રાઈડ તૂટી જવાની ગોઝારી ઘટનામાં લોકોએ જીવ ગુમાવ્યા તેને આ સપ્તાહમાં એક મહિનો થશે. આ ઘટના બની ત્યારથી લઈને આજ સુધી કાંકરિયા ફરતે આવેલી તમામ રાઈડને બંધ કરી દેવામાં આવી છે. સત્તાધીશો કહે છે કે, જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા તમામ રાઈડનું ઈન્સ્પેક્શન નહિ થાય ત્યાં સુધી અને પોલીસ ક્લિયરન્સ નહિ મળે ત્યાં સુધી કોઈ રાઈડ ચાલુ કરાશે નહિ. પરંતુ પોલીસ કહે છે અમારી પાસે તો તપાસ ચાલે છે અમારે કેવી રીતે ક્લિયરન્સ આપવાનું? દરમિયાન, પોલીસ રાઈડને ડિસમેન્ટલ કરવામાં આવે તેની રાહ જોઈ રહી છે, જેથી તપાસ આગળ ઘપાવી શકાય.
કાંકરિયા ખાતે જે ઘટના બની તેનું ઉક્ત ખાતાના યાંત્રિક વિભાગ દ્વારા જ લાઈસન્સ ઈસ્યૂ કરવામાં આવ્યું હતું અને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું હતું કે ઓપરેટર દ્વારા રાઈડની કાળજી રાખવાની રહેશે. તો બીજી બાજુ ધનશ્યામભાઈ પટેલ કે જેઓ સુપરસ્ટાર એમ્યૂઝમેન્ટના માલિક છે તેમણે જુલાઈ મહિનામાં જ એક સર્ટિફિકેટ અમદાવાદ મહાનગરપાલિકા (અમપા)માં રજૂ કર્યું હતું. જેમાં તેમણે તમામ રાઈડનું ઈન્સ્પેક્શન કરીને તે યોગ્ય હોવાનું જણાવ્યું હતું.
પોલીસ ક્લિયસન્સની રાહ જોઈએ છીએ
આ અંગે જ્યારે સ્ટેંન્ડિંગ કમિટીના ચેરમેન અમૂલ ભટ્ટને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે, જો રાજ્ય સરકાર અમને કહેશે તો અમે એક પોલિસી બનાવીશું. હજુ સુધી અમને કોઈ પણ રાઈડ અંગે સરકારે કઈં કહ્યું નથી. અત્યારે તો રાજ્ય સરકારનું આર એન્ડ બી વિભાગ જ આમાં કામ કરી રહ્યું છે.
જ્યારે પૂછવામાં આવ્યું કે રાઈડ ક્યારે ચાલુ થશે ત્યારે અમૂલ ભટ્ટે કહ્યું કે, જ્યાં સુધી કેસનો નિવેડો નહીં આવે ત્યાં સુધી તે રાઈડ બંધ રહેશે. પોલીસ ક્લિયરન્સ મળે ત્યાર બાદ જ રાઈડ ચાલુ કરાશે. અમારે એમાં કઈં લેવા દેવા નહીં. અમારે જ્યાં સુધી રોડ એન્ડ બિલ્ડિંગ ના કહે ત્યાં સુધી કંઈ કરવાનું રહે નહીં. જ્યારે એ લોકોને ચલાવવી હશે ત્યારે ચકાસણી કરશે.
પોલીસ કહે છે શાનું ક્લિયરન્સ
બીજી બાજુ પોલીસ કહે છે કે અમને તો કોઈ ક્લિયરન્સની વાતની ખબર જ નથી. અમે તો હજુ તપાસ કરી રહ્યા છીએ. હવે, એફએસએલ નમુના લઈને તેની તપાસ કરશે પછી તેમાં આગળ વધાશે.
જે ડિવિઝનના એસીપી રાણાએ જણાવ્યું કે, ઘટનાની તપાસ ચાલુ છે. અમે રાઈડને ડિસમેન્ટલ કરવા માટેના સાધનોની રાહ જોઈ રહ્યા છીએ. એક વાર નમુનાનો રીપોર્ટ આવે પછી જ કઈં કહી શકાય. બીજી રાઈડ સાથે અમારે કઈં લેવા દેવા નથી.
રાઈડની માહિતી નહિ
તો બીજી બાજુ આરટીઆઈના કાયદા હેઠળ અમ્યુકોએ પોતાની વેબસાઈટ પર કઈ સુપરસ્ટાર એમ્યૂઝમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ દ્વારા કઈ કઈ રાઈડ ચલાવવામા આવે છે અને શાના કેટલા પૈસા છે અને તેને લગતી તમામ માહિતી મુકવાની રહે છે જે નથી. પ્રોએક્ટિવ ડિસ્ક્લોઝરના ભાગરૂપે આપવાની થતી માહિતીમાં ફક્ત બે જ રાઈડની માહિતી મુકવામાં આવી છે અને તે પણ અઘૂરી છે.