ભારતમાંથી કાળું નાણું બહાર લાવવા તથા અર્થતંત્રને નવી દિશા આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નોટબંધી કરી હતી, પણ જમીની હકીકતમાં જૂની નોટ હજુ પણ ચોક્કસ મોડસ ઓપરેન્ડી હેઠળ માર્કેટમાં ફરી રહી છે. જેનો પુરાવો નવસારી પોલીસ દ્વારા જપ્ત કરાયેલી જૂની નોટ પરથી મળે છે.
કાળા નાણાંને બહાર લાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ૮ નવેમ્બર ૨૦૧૬ની સાંજે નોટ બંદી કરી હતી. જે વાતને આજે ત્રણ વર્ષ કરતાં વધુ સમય વિત્યો છે. છતાં જૂની રદ થયેલી ચલણી નોટને વટાવવાનો કાળો કારોબાર ધમધમી રહ્યો છે. અવાર નવાર જૂની રદ્દ નોટ પોલીસ દ્વારા પકડવાના અનેક બનાવો નોંધાયા છે.
ત્યારે ફરીવાર નવસારીના જલાલપોર પોલીસએ વાંસદાના ઉનાઇ ખાતે રહેતા દિવ્યેશ ગામીત નામના ઈસમ પાસેથી એક હજારના દરની ૪૯૩ તથા પાંચસોના દરની ૨૪૯ નોટ જેની કુલ કિંમત ૬ લાખ ૯૨ હજાર થાય છે. જે મુદ્દામાલ અબ્રામા અમલસાડ રોડ પરથી કબજે કરાયો હતો.હાલ જલાલપુર પોલીસએ પકડેલા ઈસમ દિવ્યેશ ગામીત નોટો કઈ રીતે વટાવવાનો હતો તથા સમગ્ર ઘટનામાં મુખ્ય સૂત્રધાર કોણ છે. તેની તપાસમાં જોતરાઇ છે. નોટબંધીના આટલા વર્ષો બાદ પણ જૂની રદ નોટ માર્કેટમાં કઈ મોડસ ઓપરેન્ડી હેઠળ ફરી રહી છે તે પોલીસ સહિત અર્થતંત્રના મંધાતા માટે તપાસનો વિષય બની રહ્યો છે.