કોંગ્રેસમાંથી પક્ષાંતર કરીને ભાજપમાં આવી 4 કલાકમાં જ રૂપાણી સરકારમાં પ્રધાન બની ગયા બાદ પણ કુંવરજી બાવળીયા વિરોધનો સામનો કરી રહ્યાં છે. જસદણ વિધાનસભા બેઠક પર રાજીનામું આપીને હવે ચૂંટણી લડવાની તૈયારી કરી રહેલાં બાવળીયા સામે એક એવી વાત વહેતી થઈ હતી કે તેમને લોકસભાની ચૂંટણીમાં સુરેન્દ્રનગર બેઠક પર ઊભા રાખવામાં આવશે. જસદણમાં તેમના સ્થાને ભાજપના કોઈ નેતાને ટિકિટ આપવામાં આવશે. ત્રીજી જાન્યુઆરી સુધીમાં કુંવરજી બાળવિયાને મંત્રીપદ ટકાવવા ફરીથી ધારાસભ્ય તરીકે ચુંટાવું આવશ્યક છે, ત્યારે તેમના અંગે સમગ્ર સૌરાષ્ટ્રમાં અનેક વાતો વહેતી થઈ રહી છે.
ભઆજપમાંથી જ વહેતી થયેલી આ વાતથી કુંવરજી બાવળીયા હચમચી ગયા છે. તેમણે કહેવું પડ્યું હતું કે તેઓ વિધાનસભાની જસદણની બેઠક પરથી જ ચૂંટણી લડશે, સુરેન્દ્રનગરની બેઠક પરથી લોકસભાની ચૂંટણી નહીં લડે. પેટા ચૂંટણી જાહેર થવાની બાકી છે તે પૂર્વે જ ઉમેદવારીની ચર્ચા શરૂ થતાં રાજકીય પક્ષોમાં ઉત્તેજના ઊભી થઈ છે.
તેમણે પક્ષને કહી દીધું છે કે તે જસદણમાંથી જ ચૂંટણી લડશે. કોઈ તેના વિષે અફવા ફેલાવી રહ્યું છે. જસદણ મારો વર્ષોથી મત વિસ્તાર રહ્યો છે. જસદણમાં હું ચૂંટણી લડીશ અને જીતી બતાવીશ. મતદારોને મારા પર ભરોસો છે.
તેમના વિષે એવી પણ અફવા આવી રહી છે કે, છ માસ પુરા થાય તે પહેલા કુંવરજી બાવળિયા પાસેથી રાજીનામું લઇ લેવાશે. તેમને સુરેન્દ્રનગરની બેઠક કે અમરેલીની બેઠક પરથી લોકસભાની ચૂંટણી લડવાનું આદેશ આપવામાં આવશે. તે અંગે પક્ષમાં કોઈ ચર્ચા થઈ હશે તો પણ હવે તે વાતને કોઈ સ્થાન નથી. કારણ કે ભાજપ જાહેર કરે તે પહેલાં જ કુંવરજી બાવળીયાએ પોતે જ જાહેર કર્યું છે કે તે જસદણથી ચૂંટણી લડશે. જોકે, આવું ભાજપમાં કોઈ પણ વ્યક્તિ જાહેર કરી શકતું નથી. પણ કુંબરજી બાવળીયા ખાસ કિસ્સો છે.
આ વાત એટલા માટે શરૂ થઈ હતી કે, કુંવરજી બાવળિયાના વતન અને મત વિસ્તાર વિંછીયા તાલુકા પંચાયત બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપની 445 મતથી હાર થઇ છે. તેથી પક્ષ પણ ચોંકી ગયો છે કે જસદણમાં બાવળીયાએ પક્ષાંતર કર્યું તે પ્રજાને પસંદ પડ્યું નથી કે શું ? ઉમેદવારની પસંદગી પાણી પુરવઠા પ્રધાન કુંબરજીએ કરી હતી. ચૂંટણી વ્યવસ્થા બાવળિયાએ ગોઠવી હતી. તેમ છતાં કેમ હાર થઈ છે.
ભાજપના ઉમેદવારની હાર થતાં લોકો આંતરિક રીતે નારાજ હોવાનું સ્પષ્ટ થયું હતું. જો તેમ થાય તો લોકસભાની ચૂંટણી પહેલાં ભાજપ માટે ખરાબ સ્થિતી ઊભી થઈ શકે છે. તેથી તેમને જસદણથી પેટા ચૂંટણી લડાવવાના બદલે સુરેન્દ્રનગર કે અમરેલીની કોળી પટેલના જ્યાં વધું મતદારો છે ત્યાં ચૂંટણી લડાવવી. જોકે બાવળીયાના વિરોધીઓ હવે વધી ગયા છે તેથી તેમની સામે વિરોધ જ કરવો હોય તો ગમેત્યાં કરી શકે છે.
ભાજપના જસદણના નેતા ડો.ભરત બોઘરાએ જાહેરાત કરી છે કે કુંવરજી બાવળિયા જસદણ બેઠક ઉપર ભાજપના ઉમેદાવર તરીકે લડશે. તાલુકા પંચાયતની હાર માટે સ્થાનિક ઉમેદવાર જવાબદાર છે, કુંવરજી બાવળિયા કે પાર્ટી જવાબદાર નથી, એવું બોઘરાએ જાહેર કર્યું છે. દોષનો ટોપલો ઉમેદવાર પર ઢોળીને બાવળીયાનો બચાવ કર્યો હતો. જસદણ બેઠક પર ભાજપ માટે વરસોથી કામ કરતાં વરિષ્ઠ કાર્યકરો પહેલાંથી જ બાવળીયાનો વિરોધ કરી રહ્યાં છે. તે બાબત બાવળીયાએ અગાઉ કબૂલ કરી હતી. ભાજપની આ આંતરિક લડાઈમાં કોંગ્રેસને ચારેબાજુથી ફાયદો છે. જસદણ એ કોંગ્રેસનો ગઢ છે, કુંવરજી બાવળીયાનો નહીં એવું પ્રસ્થાપિત કરવા કોંગ્રેસ આગળ વધી રહી છે.