કોંગ્રેસના પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર હુમલો થયો છે. પાટણના ભાજપના આગેવાનો દ્વારા કિરીટ પટેલ પર હુમલો કરાવાયો હોવાની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. હુમલા બાદ ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારી પણ થતી હતી. કિરીટ પટેલના સમર્થક અને ભાજપના આગેવાનો વચ્ચે થયેલી મારામારીના દૃશ્યો CCTV કેમેરામાં કેદ થયા છે. તેમણે ઉત્તર ગુજરાતના કુલપતિને હમણાં જ સત્તા પરથી ઉથલાવી દેવાની સફળતા મેળવી છે.
એક રીપોર્ટ અનુસાર કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિ પર ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા હતા, જેને લઇને ભાજપના કેટલાક સભ્યોએ કિરીટ પટેલની ઓફિસ પર પહોંચીને મારામારી શરૂ કરી હતી.
કિરીટ પટેલે આ બાબતે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીના કુલપતિને ગઈકાલે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યારે ગઈકાલે હું જ્યારે મારી ઓફિસની બહાર ઊભો હતો તે સમયે ભાજપના શૈલેશ પટેલ અને મનોજ પટેલે મારી ઓફિસમાં આવી મને કહ્યું કે, તમે કુલપતિ પર આવા આક્ષેપો કેમ કરો છો. તમે કુલપતિને હટાવવા માટે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા છે એટલે અમે તમને છોડીશું નહીં. આવું કહીને તે બંનેએ મારા પર હુમલો કર્યો હતો.
કિરીટ પટેલે વધુમાં કહ્યું હતું કે, હું આ બાબતે પોલીસ ફરિયાદ કરવાનો છું. જ્યારે મનોજ પટેલ અને શૈલેશ પટેલ મને મળવા આવ્યા ત્યારે મેં તેમને કહ્યું હતુ કે, કુલપતિને મેં નથી હટાવ્યા સરકારે હટાવ્યા છે, મુખ્યમંત્રીએ હટાવ્યા છે અને એ પણ ભ્રષ્ટાચારનો આક્ષેપ સાબિત થયો એટલા માટે હટાવ્યા છે, ત્યારે તમારે મારી સાથે ઝઘડો કરવાનો શું અર્થ.