ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા પ્રસિદ્ધ થયેલ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની ૪૩ ટકા જેટલી જગ્યાઓ ખાલી હોઇ ૧૦ વર્ષ બાદ ગત જુલાઇ માસમાં ૨૮૦ જેટલી બેઠકો ભરવામાં આવશે તેવી રાજ્ય સરકારે જાહેરાત કરી હતી. પરંતુ ૧૫મી ઓગસ્ટના રોજ પ્રસિદ્ધ થયેલ જાહેરાતમાં માત્ર ૪૦ જ તબીબોની ભરતી કરાશે તેવું પ્રસિદ્ધ થતાં વિદ્યાર્થીઓએ સરકારની આ નીતિનો વિરોધ કરી આણંદ જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપ્યું હતું.
આવેદનપત્રમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં પશુ ચિકિત્સા અધિકારીની ૪૩ ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. જેમાં કુલ ૧૧૫૧ જગ્યાઓનો સમાવેશ થાય છે. ડો.સ્વામીનાથનના અધ્યક્ષસ્થાને રચાયેલા કમિશનના ધોરણો મુજબ તથા ભારત સરકાર, પશુપાલન વિભાગ, ડેરી અને મત્સ્યોદ્યોગ દ્વારા બનાવવામાં આવેલ વેટરનરી અભ્યાસ માટેની નિષ્ણાત કમિટી દ્વારા સૂચવવામાં આવ્યું હતું કે, દર પાંચ હજાર પશુએ એક પશુ દવાખાનું હોવું જોઇએ. જેની સામે ગુજરાત રાજ્યના પશુપાલન વિભાગના લેખમાં જણાવ્યા અનુસાર દર ૨૭ હજાર પશુએ એક પશુ દવાખાનું છે. ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વખતોવખત આવનાર સમયમાં લેવામાં આવતી વિવિધ ભરતી બાબતે ગત ૨૫મી મે,૨૦૧૮ના રોજ જાહેર કરેલા કાર્યક્રમ મુજબ પશુચિકિત્સા અધિકારી વર્ગ-૨ની કુલ બેઠક ૨૮૦ જણાવવામાં આવી હતી. ત્યારબાદ સુધારેલી જાહેરાત ૨૭મી જુલાઇના રોજમાં પણ કુલ ૨૮૦ બેઠક જણાવાઇ હતી. ૧૦ વર્ષ બાદ આ વાત પશુચિકિત્સક તથા પશુપાલન સાથે સંકળાયેલા પરિવારો માટે ખુશીના મોટા સમાચાર હતા. તેમ છતાં જીપીએસસી દ્વારા સ્વતંત્રતા દિને પ્રસિદ્ધ કરાયેલી જાહેરાતમાં માત્ર ૪૦ જ જગ્યાઓ પર આવેદનપત્ર મંગાવવામાં આવ્યા છે. જેથી (B.V.Sc. A.H.)ની ડિગ્રી ધરાવતા પશુચિકિત્સકને નિરાશા સાંપડી છે. જે અગાઉની જાહેરાતના ૨૮૦ જગ્યાના માત્ર ૧૫ ટકા બરાબર છે. ગુજરાત કૃષિ અને પશુપાલન આધારિત રાજ્ય હોવા છતાં પશુ ચિકિત્સા અધિકારીની ભરતીમાં ૮૫ ટકા જેટલો બેઠકોનો કાપ મૂકેલો છે. જે પશુપાલન માટે આઘાતજનક છે.
આણંદ જિલ્લામાં ૭ લાખ જેટલું પશુધન છે. જેમાં ૨૦ પશુદવાખાનાઓમાં માત્ર ૧૨ જ તબીબો કાર્યરત છે બાકીની જગ્યાઓ ખાલી છે. જેથી પૂરતા પ્રમાણમાં પશુ તબીબોની ભરતી કરવામાં આવે તેવી માંગણી આ ડિગ્રીધારકોએ કરી છે અને જિલ્લા કલેક્ટર સહિત મુખ્યમંત્રી, કૃષિમંત્રી, રાજ્યપાલ અને પશુપાલન મંત્રીને પણ આવેદનપત્ર મોકલી આપવામાં આવ્યું છે.