કૃષ્ણ સાગર તળાવમાં પાણી છોડાયું

બોટાદના કૃષ્ણસાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામા આવ્યું છે. તળાવમાં પાણી છોડાતાં આજુબાજુના 15 જેટલાં ગામડાઓનાં ખેડૂતોને પાણીનો લાભ મળશે. તો સાથે જ પાણી આવતાંની સાથે પંથકનાં તમામ ખેડૂતોમાં હરખની હેલી જોવા મળી હતી.
દેશના વડાપ્રધાન દ્વારા એપ્રિલ ૨૦૧૭માં લાખો રૂપિયાના ખર્ચે બોટાદના એકમાત્ર કૃષ્ણ સાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત ૪૦૦ કિલોમીટર દૂરથી નર્મદાનું પાણી લાવી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. અને નર્મદાના નીરના વધામણા કરેલાં. ત્યારે સમગ્ર વાતાવરણ નર્મદે સર્વદેના નાદ સાથે ગૂંજી ઉઠ્યું હતું. ત્યારે વર્ષો બાદ બોટાદનું કૃષ્ણસાગર તળાવ ભરતા લોકોમાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો. પણ લોકોને ખ્યાલ ન હતો કે આ આનંદ માત્ર ઘડી ભરનો જ હતો.
કુષ્ણ સાગર તળાવમાં ત્યાર બાદ પાણી છોડવામાં આવેલું નહી. જોકે આ વર્ષે ઓછા વરસાદના કારણે સમગ્ર રાજ્યના મોટા ભાગના ગામડાઓમાં દુષ્કાળ જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. ખેડૂતોના પાકને પાણી ન મળતાં કપાસ સૂકાઈ ગયો છે. પાણી માટે ખેડૂતો દ્વારા આંદોલન કરવામાં આવ્યાં અને આવેદનપત્ર પણ આપવામાં આવ્યા.
ત્યારે બોટાદ કુષ્ણ સાગર તળાવમાં પણ સૌની યોજના અતર્ગત પાણી છોડવામાં આવે તેવી માંગ સાથે મોટી સખ્યામાં ખેડૂતો દ્વારા કલેકટરને આવેદનપત્ર આપેલું અને ઊર્જા મંત્રી સૌરભ પટેલને રજૂઆત કરેલી. ખેડૂતોની માંગને લઈ આખરે બોટાદ કુષ્ણ સાગર તળાવમાં સૌની યોજના અંતર્ગત પાણી છોડવામાં આવતાં ખેડૂતોમાં આનંદ જોવા મળી રહ્યો છે.
કુષ્ણ સાગર તળાવમાં પાણી આવતા આજુબાજુનાં ૧૫ જેટલાં ગામોનાં ૪ હજાર જેટલાં  ખેડૂતોને લાભ થશે. તેમજ ખેડૂતો જે રવિ પાક કરશે તેના માટે સિંચાઈનું પાણી મળી રહેશે. ત્યારે ખેડૂતોના જણાવ્યા મુજબ પાચ દિવસ સુધી કુષ્ણ સાગર તળાવમાં પાણી છોડાશે. હાલ તો પાણી છોડતા ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે