અમરેલી જિલ્લામાં અપુરતા વરસાદથી ખેતીપાકોને મોટું નુકસાન થયું છે. તેથી ખેડૂતો માંગણી કરી રહ્યાં છે કે અમરેલી જિલ્લાને તાત્કાલિક અછતગ્રસ્ત જાહેર કરવામાં આવે અને રાહત કામ શરૂ કરવામાં આવે. આ અંગે લાઠીના ખેડૂતોએ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપેલું છે. અનેક આગેવાનોએ જિલ્લા માટે રોજગારી, પાણી, ઘાસચારાની તાકીદે વ્યવસ્થા કરવા માંગણી કરી છે. જિલ્લાનાં ભાજપના નેતાઓ ખેડૂતોનાં હિતેચ્છુ હોવાનું કહે છે પણ તેઓ ખેડૂતની મદદમાં આવતા નથી. કેન્દ્રમાં કૃષિમંત્રી પરસોત્તમ રૂપાલા અમરેલીનાં હોવા છતાં જિલ્લાનાં ખેડૂતોની હાલત કસોટીરૂપ બની ગઈ છે. રૂપાલાએ આ અંગે ભારત સરકાર કે ગુજરાત સરકારમાં કોઈ પ્રયાસ કર્યા નથી. અમરેલી રાજકારણીઓ અને અધિકારીઓ માટે ઓરમાયો વિસ્તાર હોય તેમ બધા વરતી રહ્યાં છે.
ઊર્જા પ્રધાન સૌરભ પટેલે 10 કલાક વીજળી મળતી હોવાનું ખેડૂતોને કહ્યું છે પણ અહીં 5 કલાક પણ વીજળી મળતી નથી. તેથી ખેડૂતોએ પીજીવીસીએલની કચેરીએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જાફરાબાદ તાલુકાનાં 3 ગામોનાં ઘણાં વધુ ખેડૂતોએ રાજુલા રૂરલ પીજીવીસીએલ કચેરીમાં પહોંચી વિરોધ કર્યો હતો. અમરેલી જિલ્લામાં ધારી, ખાંભા અને જાફરાબાદ તાલુકામાં અનેક ગામમાં વીજળી 5 કલાક મળતી નથી. તેથી પાક સુકાઈ રહ્યો છે. પૂરતો વીજ પુરવઠો નહીં આપવામાં આવે તો આસપાસના તમામ ખેડૂતો ઘ્વારા મામલતદાર કચેરીનો ઘેરાવ કરી અને આત્મવિલોપન કરવા ફરજ પડશે એવી જાહેરાત કરી છે.
5 લાખથી વધુ હેકટરમાં થયેલ વાવેતરમાં સૌથી વધુ વાવેતર કપાસનું 375179, મગફળીનું 126273, બાજરીનું 2708, તલનું 4411, શાકભાજીનું 4394 અને ઘાસચારો 33477 હેકટરમાં વાવેતર થયેલ છે. પરંતુ પાણીના અભાવે સૌથી વધુ નુકશાન કપાસના પાકને થઈ રહૃયું છે.
કપાસનું વાવેતર સાવરકુંડલામાં 8ર,350, રાજુલામાં 46,146, લાઠીમાં 53570, ધારીમાં 69657માં થયું છે જે હવે સાવ નિષ્ફળ જાય તેમ છે.
ચાલુ વર્ષે 4 થી 10 ઇંચ જેટલો વરસાદ થયેલ છે. તેવા સંજોગોમાં હાલ દુષ્કાળ જેવી પરિસ્થિતી નિર્માણ થઈ છે. ખાતર, બીયારણ, જંતુનાશક દવા, ખેડ ખર્ચ, મજૂરી પાછળ જે ખર્ચ કરેલા છે તે નકામા ગયા છે. હીં પાકનું ઉત્પાદન મળતું નથી. ખેડૂતોનાં મોઢામાં આવેલો કોળીયો ઝૂંટવાઈ ગયો છે. આર્થીક મુશ્કેલીમાં મુકાય ગયેલા ખેડૂતોમાં આત્મહત્યાના બનાવો બનવા લાગ્યા છે. ત્રણ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.
ખેડૂત તેમજ માલધારી માટે અગાઉથી જ ઘાસચારાની વ્યવસ્થા કરવી જોઈએ. બધાજ ડેમો ખાલી છે. પાણી નથી તો પીવાનાં પાણીની અગાઉથી વ્યવસ્થા કરવી જરૂરી બની છે. તેમજ સૌની યોજના મારફતે સૌરાષ્ટ્રનાં ખાલી ડેમો પાણીથી ભરવામાં આવે, મજૂર તેમજ ખેતી ઉપર નિર્ભર દરેક લોકો માટે તેમના નિર્વાહ માટે રાહત કામ શરૂ કરવા જોઈએ એવી માંગણી ઉઠી છે.
ખેડૂતોએ લીધેલ દરેક બેંકો માંથી પાક ધીરાણ તેમજ ખેતી માંથી લીધેલ દરેક પ્રકારની લોન માફી આપવાની માંગણી કરવામાં આવી છે. ખેત ઓજાર તેમજ બીયારણ, જંતુનાશક દવા, ખાતર તેમજ ખેતીમાં વપરાતા ટ્રેકટર, ટે્રઈલર વગેરે પરથી વેરો દૂર કરી દેવો જોઈએ. જે ખેડૂતોને કુવા દારમાં પાણી છે ત્યારે પાક બચાવવા સળંગ એક ધારી 10 કલાક વિજળી આપવી. નબળુ વર્ષ છે ત્યારે દુષ્કાળ જેવી પરિસ્થિતીમાં ખેતી વીજ જોડાણ જે ખેડૂતોને છે તેને થ્રીફેઝ વીજ કનેશનમાં એક વર્ષ માટે વીજ બીલ માફી આપવી જોઈએ.
ડ્રીપ સિંચાઈમાં 100 ટકા સબસીડી આપવા તથા ખેડૂતોએ સબસીડીમાં ખેત ઉપયોગમાં વપરાતા મોટાટ્રેકટરનાં ઓજારો, મીની ટ્રેકટર, ખેતરમાં પાઈપ લાઈન બેસાડવાની તેમજ ગોડાઉન વિગેરે વિગેરેની સબસીડી ગ્રાન્ટનાં અભાવે અટકેલ છે તે તાત્કાલીક ખેડૂતનાં ખાતામાં જમા કરવી દેવા માંગણી કરી છે. . ખેડૂતો માથે જે પી.જી.વી.સી.એલ. નાં 13પ જેવી કલમનાં કેસ તેમજ પી.ડી.સી. કનેકશન કેસ અન્ય કોઈ કેસ છે તે પડતા મૂકવામાં આવે.
જે કોઈ ખેડૂત તેની બાજુની લાગુ સરકારી જમીન પડતર જમીનમાં દાર અથવા કુવો કરવા માંગણી કરે તો ખેડૂતને ખેતી કરવા તેમજ પાક બચાવવા માટે સરકારે યોગ્ય નિર્ણય કરી નીયમ અનુસાર જમીન ફાળવવામાં આવે. ખેડૂતોનાં ખેતરમાં હજુ પાક ઉભો છે ત્યાં ખેડૂતોનાં અતી મહત્વ પાક વિમામાં ઉપયોગી પાણી પત્રક તલાટી મારફત અગાઉથી વહેલી તકે કરવામાં આવે જેથી એકપણ ખેડૂત વીમા માંથી વંચીત રહે નહી.