કેરીમાં કુલ વેપારના ૧૦ ટકા કમિશનની પ્રથા સામે સરકારનાં પરિપત્રો અને હાઈકોર્ટના આદેશને ઘોળીને પી જતા દલાલોઃ રાજ્યમાં ૧૫૦૦ કરોડનો કેરીનો વેપારઃ વર્ષભર મહેનત કરી ૧૦ લાખનો બગીચો તૈયાર કરનાર ખેડૂતને લાખ રૃપિયા ફરજિયાત ચૂકવવું પડતું કમિશન
કેસર કેરીએ વિશ્વબજારમાં આગવી એક ઓળખ ઊભી કરી છે. કેરીનું રાજ્યમાં અંદાજે રૃપિયા ૧૫૦૦ કરોડનું બજાર છે. ૨૦૧૦-૧૧માં ૯.૧૧ લાખ ટન અને ૨૦૧૧-૧૨માં રાજ્યમાં ૯.૬૫ લાખ ટન કેરીના ઉત્પાદન સામે ચાલુ વર્ષે કેરીનું ઉત્પાદન ૧૦ લાખ ટનને આંબી જશે. કેરીમાં હવામાનને પગલે મોટાપાયે ફળખરણની સમસ્યા છતાં કેરીનો પાક સારો થવાનો અંદાજ છે. કેરીની ખેતીમાં પાકની સમસ્યા કરતાં ખેડૂતોને સતાવતી સૌથી મોટી સમસ્યા હોય તો યેનકેન પ્રકારે ગેરકાયદે રીતે કમિશનને નામે ખેડૂતો પાસેથી પડાવી લેવાતા રૃપિયાની છે. ખેડૂતોની કુલ આવકમાંથી દલાલી પેટે ઉઘરાવાતી રકમનો આંક અંદાજે ૧૫૦ કરોડે પહોંચ્યો છે. હાઈકોર્ટના આદેશ અને સરકારનાં પરિપત્રોને ઘોળીને પી જતા વેપારીઓ ચાલુ વર્ષે પણ ખેડૂતો પાસેથી કરોડો રૃપિયાની રકમ ખંખેરી લેશે. ગુજરાતમાં જ માત્ર કેસર કેરીના ઉત્પાદનનો જશ લેતું તંત્ર પણ આ બાબતે પગલાં નહીં ભરે તો આગામી સમય એવો આવશે કે ૧૦ ટકાનું કમિશન ૧૫ ટકાનું થશે અને ખેડૂતોને મૂંગા મોઢે આપવું પડશે.
ર૦ કિલોના રૃપિયામાં ખેડૂતો પાસેથી લેવાતી ર૧ કિલો કેરી
અનેક રીતે માર સહન કરતા ખેડૂતોને વજનમાં પણ માર પડે છે. સામાન્ય રીતે કેસર કેરીના પેકેટનું વજન ૧૦ કિલો હોય છે, પરંતુ વેપારીઓ ખેડૂતો પાસેથી કેટલાક યાર્ડમાં અડધો કિલો વધારે કેરી મેળવે છે. વેપારી ઘાટી આવતી હોવાના બહાના હેઠળ અડધો કિલો વધુ કેરી મેળવે છે. ર૦ કિલોના ભાવે ખેડૂતોને ર૧ કિલો કેરી આપવી પડે છે. પ્રતિ મણે ખેડૂતને ૧ કિલોની નુકસાની જાય છે. વેપારીઓ દલાલી અને ઘાટીના બહાના હેઠળ ખેડૂતોને ખુલ્લેઆમ લૂંટી લે છે. આમ છતાં ખેડૂતોને ફરજિયાતપણે વેપારીઓના નિયમના શરણે થવું પડે છે.
કમિશન પ્રથા સામે સરકાર હસ્તક્ષેપ કરે
ખેડૂતોના બીલમાં યેનકેન પ્રકારના ખર્ચ ઉધારી દસ ટકા લેવાતું કમિશન ખેડૂતોની શોષણખોરી છે. વર્ષોથી આ પ્રકારે કમિશન લેવાતું હોવા છતાં સરકાર આ બાબતે ગંભીર પગલાં ઉઠાવતી નથી. નિયમો ઘડાયા છે, પરંતુ અમલવારી ન કરાતાં ખેડૂતોના મજૂરીના પૈસા દલાલોનાં ખિસ્સાંમાં જાય છે. દસ લાખનો બગીચો ધરાવતા ખેડૂતને એક લાખ રૃપિયા તો કમિશન પેટે જ આપવા પડે છે. કેરી સંગ્રહ કરી ન શકાતો પાક હોવાથી ખેડૂતોએ ફરજિયાત માલ વેચવા માટે માર્કેટયાર્ડમાં જવું પડતું હોવાનો ફાયદો વેપારીઓ ઉઠાવી રહ્યા છે. ગત વર્ષે તલાલા માર્કટયાર્ડે કમિશન પ્રથા સામે વિરોધ નોંધાવી એક મહિના સુધી માર્કેટયાર્ડ બંધ રાખી ખેડૂતોનો સાથ આપ્યો હતો. જે સામે માર્કેટયાર્ડે આવક ગુમાવી હતી, પરંતુ ખેડૂતો અન્ય માર્કેટયાર્ડમાં કમિશન આપી કેરીનો માલ વેચી આવ્યા હોવાનું તલાલાના પ્રગતિશીલ ખેડૂત મોહનભાઈ દલસાણિયાએ જણાવ્યું હતું. સરકાર આ બાબતે જાગૃત બની ખેડૂતો માટે બજારવ્યવસ્થા ઊભી કરે તો જ આ કમિશન પ્રથા નાબૂદ કરી શકાય છે, પરંતુ આ બાબત સરકાર ક્ષુલ્લક ગણતી હોવાનો બળાપો ખેડૂત અગ્રણીએ ઠાલવ્યો હતો.
સરકારી તંત્રની બેદરકારીથી આવક ગુમાવતા ખેડૂતો
તલાલા માર્કેટયાર્ડના અગ્રણી હરસુખભાઈ જારસાણિયાએ કમિશન પ્રથા અંગે જણાવ્યું હતું કે ગત વર્ષે તલાલા માર્કેટયાર્ડે કમિશન પ્રથાનો વિરોધ કરી ખેડૂતોનો પક્ષ લેવાનો પ્રયત્ન કર્યો હતો. કેરી એ બાર મહિનાનો પાક છે. જેમાં હવામાન અને પાણી મોટો ભાગ ભજવતાં હોય છે. ખેડૂત મજૂરી કરી મહામૂલો પાક બજારમાં લઇને આવે ત્યારે તેના મજૂરીના પૈસામાંથી ૧૦ ટકા કમિશન કાપી લેવાય એ ખેડૂતો સાથે અન્યાય છે. ગુજરાત હાઈકોર્ટનો આદેશ, સરકારનો પરિપત્ર હોવા છતાં પણ વેપારીઓ ખુલ્લેઆમ યેનકેન પ્રકારે પૈસા લેતા હોવા છતાં સરકારી તંત્રએ કમિશનને સ્વીકારી લીધું હોય તેવી સ્થિતિ હાલની કેરીના બજારની છે. સરકારી તંત્રની બેદરકારીથી ખેડૂતો વર્ષોથી આવક ગુમાવી રહ્યા હોવા છતાં પણ સરકારી તંત્ર ‘તેરી ભી ચૂપ મેરી ભી ચૂપની નીતિ’ અપનાવી રહ્યું છે.
કેરી બજારમાં મોકલતાં પહેલાં ખેડૂતોએ કરવો પડતો ખર્ચ
વિગત ૨૦૦૮-૦૯ ૨૦૧૨-૧૩
પૂઠાંનું બોક્સ ૫થી ૬ રૃપિયા ૮થી ૯ રૃપિયા
ટ્રાન્સપોર્ટેશન ખર્ચ ૩થી ૪ રૃપિયા ૬થી ૮ રૃપિયા
આંબા પરથી કેરી ઉતારવાનો ખર્ચ પ્રતિમણ ૪થી ૬ રૃપિયા ૭થી ૮ રૃપિયા
વાહનમાં ચઢાવવાની મજૂરી બોક્સના પ૦ પૈસા ૧.૫૦ રૃપિયો
યાર્ડમાં બોક્સ ઉતારવાનો ખર્ચ પ૦ પૈસા ૧ રૃપિયો
દલાલી ૧૦ રૃપિયા ૧૦ રૃપિયા
નોંધઃ ઉપરોક્ત ખર્ચ કેરીમાં મણદીઠ જ્યારે દલાલી ટકાવારીને આધારે હોય છે. – કેતનરાજપુત
ગુજરાતી
English



