દેશમાં ફળપાકોનું ૬૮ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૭૭૭ લાખ ટને પહોંચ્યું છે. ફળોના ઉત્પાદનમાં કેરી, કેળાં અને પપૈયાંનો સૌથી મોટો હિસ્સો છે. કૃષિમાં અત્યાધુનિક ટેક્નોલોજી આવવાની સાથે ખેડૂતો પણ પ્રયોગશીલ બનતાં ટિશ્યૂકલ્ચર, ડ્રિપ, વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરી કેળાંમાં બમણું ઉત્પાદન લઇ રહ્યા છે. કેળાંનુંં ૨૦૦૧-૦૨માં ૪.૬૦ લાખ હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૧૪૨ લાખ ટન થયું હતું. ૨૦૧૧-૧૨માં ૮.૩૦ લાખ હેક્ટરમાં કેળાંનું વાવેતર પહોંચતાં ઉત્પાદન ૨૯૭ લાખ ટને પહોંચ્યું હતું, પરંતુ ૨૦૧૨-૧૩ અને ૨૦૧૩-૧૪ની સીઝનમાં કેળાંની પ્રગતિ રિવર્સમાં ગઇ છે.૨૦૧૧-૧૨માં કેળાંનું વાવેતર ૭.૯૭ લાખ હેક્ટરે પહોંચતાં ઉત્પાદન ૨૮૪ લાખ ટન થયું હતું. ચાલુ વર્ષે તો કેળાંના પાકમાં વરસાદે મોટું નુક્સાન સર્જતાં કેળાનું વાવેતર ૭.૨૧ લાખ હેક્ટર થતાં ઉત્પાદન ૨૪૮ લાખ ટન થવાની સંભાવના છે. આમ, એક જ વર્ષમાં કેળાંના ઉત્પાદનમાં ૩૬ લાખ ટનનો ઘટાડો જોવા મળ્યો છે. આ ઘટ ઉત્તરપ્રદેશ અને પશ્ચિમ બંગાળ રાજ્યના કુલ ઉત્પાદન જેટલી છે. ચાલુ ચોમાસામાં વરસાદે કેળાંના નવા પાકમાં પણ નુક્સાન સર્જતાં આગામી વર્ષોમાં પણ કેળાંનું ઉત્પાદન ઘટે તેવી સંભાવના છે. આમ, કેળાંની ખેતીમાં માઠી દશા બેઠી હોય તેમ પ્રગતિ હાલમાં રિવર્સમાં ચાલી રહી છે
કેળાંના વાવેતરમાં આજે તમિલનાડુ, મહારાષ્ટ્ર અને કર્ણાટક દેશભરમાં અગ્રેસર હોવા છતાં કેળાંના ઉત્પાદનમાં ગુજરાત એ દેશભરમાં દબદબો ધરાવે છે. દેશમાં કેળાંનું કુલ વાવેતર ૭થી ૮ લાખ હેક્ટરની આસપાસ થાય છે. ગુજરાતમાં ૨૦૧૩-૧૪માં કેળાંના વાવેતરનો આંક ૭૦ હજાર હેક્ટરે પહોંચતાં ઉત્પાદન ૪૫ લાખ ટન થવાનો બાગાયત વિભાગે અંદાજ લગાવ્યો છે.
૨૦૦૮-૦૯માં કેળાંનું ૬૦ હજાર હેક્ટરમાં વાવેતર થતાંં ઉત્પાદન ૩૫ લાખ ટન થયું હતું. ૨૦૧૦-૧૧માં ૬૫ હજાર હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૪૦ લાખ ટન થયું હતું. કેળાંની ખેતીમાં ખેડૂતો હવે ડ્રિપ, ટિશ્યૂકલ્ચર રોપા, મલ્ચિંગ અને વોટર સોલ્યુબલ ખાતરનો ઉપયોગ કરવા લાગતાં ગુજરાતમાં પ્રતિ હેક્ટરદીઠ ઉત્પાદકતામાં ઘણો વધારો થયો છે. આમ છતાં દેશમાં છેલ્લાં ત્રણ વર્ષથી કેળાંની પ્રગતિ રિવર્સમાં જવા લાગી છે. મહારાષ્ટ્રમાં કેળાનું ૮૨ હજાર હેક્ટરમાં વાવેતર થતાં ઉત્પાદન ૩૬ લાખ ટન થવાની શક્યતા છે. આ જ પ્રકારે કર્ણાટકમાં ૯૭ હજાર હેક્ટરમાં કેળાનું વાવેતર થતું હોવા છતાં ઉત્પાદન ૨૬ લાખ ટન થાય છે.
ચાલુ વર્ષે કેળાના પાક પર ચોમાસા અને દક્ષિણ ભારતમાં ત્રાટકેલા વાવાઝોડાથી પણ ઉત્પાદનમાં ઘટાડો થયો છે. દેશ ફળોના ઉત્પાદનમાં પ્રગતિના પંથે જઇ રહ્યો છે ત્યારે કેળામાં ઉત્પાદનમાં ઘટાડો એ ચિંતા ઉપજાવે તેવો વિષય છે. ગુજરાતનાં કેળાંની ગુણવત્તા દેશમાં સૌથી સારી હોવાથી દેશમાંથી કેળાંની થતી નિકાસમાં ગુજરાતનો સિંહફાળો છે. રાજ્યમાંથી દર વર્ષે આરબ દેશોમાં ૬૦૦થી ૭૦૦ કન્ટેનર કેળાંની નિકાસ થાય છે, પરંતુ ચાલુ વર્ષે નર્મદામાં પૂર આવતાં ભરૃચ અને નર્મદા જિલ્લામાં ૬૦૦૦ હેક્ટરમાં કેળાંના પાકને નુક્સાન પહોંચતાં કેળાંની નિકાસ અને ઉત્પાદન પર આગામી વર્ષે અસર પડવાની સંભાવના છે. કેળાંનો પાક ૧૮ માસનો હોવાથી તેના ઉત્પાદન અને ઘટના ફેરફારની અસર બીજા વર્ષે જોવા મળે છે, પરંતુ દેશમાં સરેરાશ ઉત્પાદનમાં ઘટાડાની અસર ગુજરાતને પણ થશે. પરિણામે કેળાંની સીઝનમાં ભાવ ઊંચકાય તેવી પૂરતી શક્યતા છે.
કેળાંની ૨૦૧૧-૧૨માં રૃ. ૯૧૫૪ લાખની નિકાસ થઇ
કેળાંની ૨૦૦૭-૦૮માં નિકાસ ૧૬,૬૬૨ ટન થતાં રૃ. ૨૬૦૭ લાખ રૃપિયાની આવક થઇ હતી. કેળાંની સૌથી વધુ નિકાસ યુએઇમાં થાય છે. ત્યારબાદ કેળાં સાઉદી અરેબિયા અને નેપાલમાં નિકાસ થાય છે. ૨૦૦૮-૦૯માં કેળાંની ૩૦ હજાર ટન નિકાસ થતાંં દેશને ૫,૫૪૫ લાખ રૃપિયાની આવક થઇ હતી. ૨૦૦૯-૧૦માં ૫૪ હજાર ટન કેળાંની નિકાસ થતાં કેળાંના સારા ભાવને પગલે કેળાંની આવક ૧૩,૦૨૫ લાખ રૃપિયા થઇ હતી, પરંતુ ૨૦૧૧-૧૨માં ૪૫ હજાર ટન કેળાંની નિકાસ થતાં આવક રૃપિયા ૯,૧૫૪ લાખ રૃપિયા થઇ હતી. આમ, ૨૦૦૯-૧૦ બાદ કેળાંની નિકાસમાં ઉત્તરોત્તર ઘટાડો જોવા મળી રહ્યો છે. વિશ્વમાં કેળાંના ઉત્પાદનમાંં ભારત એ અગ્રેસર દેશ ગણાય છે. દેશમાં એકમાત્ર મહારાષ્ટ્ર અને
ગુજરાતમાં જ કુલ ઉત્પાદનના ૩૦ ટકા કેળાંનું ઉત્પાદન થાય છે.
કેળાંનું દેશમાં વર્ષ પ્રમાણેનું સરવૈયું
વર્ષ વાવેતર ઉત્પાદન
૨૦૦૫-૦૬ ૫.૬૯ ૧૮૮
૨૦૦૬-૦૭ ૬.૦૪ ૨૦૯
૨૦૦૭-૦૮ ૬.૫૮ ૨૩૮
૨૦૦૮-૦૯ ૭.૦૯ ૨૬૨ ૨૦૦૯-૧૦ ૭.૭૦ ૨૬૪
૨૦૧૦-૧૧ ૮.૩૦ ૨૯૭
૨૦૧૧-૧૨ ૭.૯૭ ૨૮૪
૨૦૧૨-૧૩ ૭.૨૧ ૨૪૮
નોંધઃ વાવેતર લાખ હેક્ટરમાં અને ઉત્પાદન લાખ ટનમાં છે. – કરણ રાજપુત