ભારતનાં રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદે આજે (15 ડિસેમ્બર, 2018) ગુજરાતનાં નર્મદા જિલ્લામાં કેવડિયા રેલવે સ્ટેશનનો શિલાન્યાસ કર્યો હતો. સવારે રાષ્ટ્રપતિએ સ્ટેચ્યૂ ઑફ યુનિટીની મુલાકાત લીધી હતી અને સરદાર વલ્લભભાઈ પટેલની પુણ્યતિથિ નિમિત્તે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતાં.
કેવડિયા રેલવે સ્ટેશનના શિલાન્યાસ કર્યા બાદ જનસભાને સંબોધન કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આ સ્ટેશન કાર્યરત થવાથી વિસ્તારનો વિકાસ ઝડપથી થશે. વળી દેશભરમાંથી પ્રવાસીઓનાં પ્રવાહમાં પણ વધારો થશે અને ‘સ્ટેચ્યુ ઑફ યુનિટી’નો પ્રવાસ ઝડપથી અને સુવિધાજનક રીતે કરી શકાશે. તેમણે જણાવ્યું હતું કે, કેવડિયા રેલવે સ્ટેશનનું નિર્માણ સરદાર પટેલનાં સન્માનમાં ભારતીય રેલવે દ્વારા શ્રદ્ધાંજલિ છે.
રાષ્ટ્રપતિએ નોંધ્યું હતું કે, પરિવહનનાં માધ્યમ ઉપરાંત રેલવે આર્થિક વિકાસ માટે મહત્ત્વપૂર્ણ છે. ભારતીય રેલવે દેશનાં વિવિધ ભાગો અને વિસ્તારોને જોડવાની સાથે, લોકોનાં હૃદયને પણ જોડે છે. તેમણે આનંદ સાથે નોંધ્યું હતું કે, કેવડિયા રેલવે સ્ટેશનનું નિર્માણ આ રેલવે લાઇનનું પ્રથમ ગ્રીન બિલ્ડિંગ હશે. આ આધુનિક સુવિધાઓ સાથે જળ વ્યવસ્થાપનની અસરકારક પદ્ધતિઓ ધરાવશે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, કેવડિયા રેલવે સ્ટેશન વિકાસ અને પર્યાવરણલક્ષી સંરક્ષણનાં લક્ષ્યાંકોનાં સંતુલનનું ઉત્કૃષ્ટ ઉદાહરણ બનશે.
સરદાર વલ્લભભાઈ પટેલને એમની પુણ્યતિથિ પર યાદ કરતાં રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમે એમને આઇકોન ગણીએ છીએ. ગુજરાતનાં મુખ્યમંત્રી તરીકે શ્રી નરેન્દ્ર મોદીએ સરદારનાં માનમાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું નિર્માણ કરવાનો નિર્ધાર કર્યો હતો. 182 મીટર ઊંચી સરદાર પટેલની ઊંચી પ્રતિમાનાં નિર્માણ સાથે આ નિર્ધાર સાકાર થયો છે. આ પ્રતિમામાં ઉપયોગ થયેલા લોખંડનું દાન દેશભરમાં ખેડૂતો અને સામાન્ય નાગરિકોએ કર્યું હતું. આ પ્રદાન એમનાં હૃદયમાં સરદાર પટેલ પ્રત્યેનાં સન્માનનું પ્રતીક છે.
જ્યારે સરદાર સરોવર ડેમ પ્રોજેક્ટની સફળતાનાં સંદર્ભમાં રાષ્ટ્રપતિએ ગુજરાત સરકાર અને એની જનતાનાં જળ સંસાધનનાં અસરકાર વ્યવસ્થાપનનાં પ્રયાસોની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ પ્રયાસોને પગલે સૌરાષ્ટ્ર અને કચ્છ જેવા રાજ્યનાં પાણીની તંગી ધરાવતાં વિસ્તારોનાં લોકો સુધી પાણી પહોંચી શક્યું છે.