આદ્યશક્તિના આરાધનાનું પર્વ એટલે નવરાત્રીનો તહેવાર. કચ્છમાં લખપતમાં બિરાજતા માતાનામઢ આશાપુરા માતાજીના દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. ત્યારે ચાલો આપણે પણ ઘરે બેઠા માતાનામઢ આશાપુરા માતાજીની દંતકથાથી પરિચિત થઈએ..
માતાનામઢમાં આવેલ આશાપુરા માતાજીની મૂર્તિનું સ્વયભું પ્રાગટ્ય થયું હતું. અંદાજિત ૨૦૦૦ વર્ષ પહેલા આશાપુરા માતાજી સ્વયંભુ પ્રગટ થયા હતા. મંદિરમાં રહેલી માતાજીની મૂર્તિ સ્થાપના લઈને એક દંતકથા મુજબ દેવચંદ શેઠ નામનો વાણિયો ધંધાર્થે અહીંથી પસાર થઇ રહ્યો હતો. તેને જંગલ વિસ્તારમાં રાત્રી રોકાણ કર્યું હતું. રાત્રે તેને આશાપુરા માતાજી સપનામાં આવ્યા અને વેરાન જંગલમાં માતાજીનું મંદિર બાંધવા જણાવ્યું. પરંતુ દેવચંદ વાણિયાએ આ સપના પર વિશ્વાસ કર્યો નહિ. ત્યારબાદ બીજા દિવસે બીજીવાર આશાપુરા માતાજી સપનામાં આવ્યા અને ફરીવાર મંદિર બનાવવા જણાવ્યું. માતાજીએ શ્રીફળ અને ચૂંદડી સાબિતી રૂપે મૂકી અને ત્યાર બાદ દેવચંદ વાણીયાએ અહિંયા મંદિર બંધાવ્યું. આ મંદિરનો દરવાજો ૬ મહિના સુધી ખોલવો નહિ તેવું માતા આશાપુરાએ કહ્યું હતું. આમ મંદિર બંધાવ્યાના ચાર પાંચ મહિના બાદ મંદિરમાંથી અચાનક નોબત તેમજ વાજિંત્રો વાજો આવવા માંડ્યા. દેવચંદ શેઠથી રહેવાયું નહિ એટલે તેમણે દરવાજો ખોલી નાંખ્યો. મંદિરમાં આશાપુરા માતાજીની અર્ધમૂર્તિ પ્રગટ થઈને અટકી ગઈ. આજે પણ માતાના મઢ આશાપુરા માતાજીની અર્ધમૂર્તિ આવેલી છે. ત્યારબાદ વાણિયાએ માતાને મનાવવા માટે અનેક પ્રયાસો કર્યા. અને માફી પણ માંગી. જો કે માતાએ વાણિયાને વરદાન માંગવાનું કહ્યું ત્યારે વાણિયાએ સંતાન પ્રાપ્તિના આશીર્વાદ માંગ્યા. અને ત્યારબાદ વાણિયાના ઘરે પારણું બંધાયું. અને ત્યારથી માતા આશાપુરાના નામે લોકોને દર્શન આપવા લાગ્યા.
અહીં નવરાત્રી દરમિયાન માતાનો મહિમા છે. લોકો દેશ વિદેશથી માતાના દર્શને આવે છે. અને તેમની તમામ આશાઓ માતા પૂર્ણ કરે છે. દર વર્ષે લાખ્ખોની સંખ્યામાં ભક્તો પગપાળા આવે છે. હજારો કિલો મીટરનો રસ્તો ચાલીને માતાના દર્શન કરે છે. પણ માના દર્શન કરીને તેમનો તમામ થાક પણ ઉતરી જાય છે.
માતાના મઢે પહોંચતા રસ્તામાં ઠેર ઠેર કેમ્પો લગાવવામાં આવે છે. યાત્રાળુઓની સંખ્યા બહોળી હોવાથી જિલ્લા તંત્ર દ્વારા યાત્રાળુઓને કોઈ તકલીફ ના થાય તેવા હેતુથી બસની સુવિધામાંપણ વધારો કરવામાં આવે છે. ત્યારે હાલ નવરાત્રીના પ્રથમ દિવસથી જ ભક્તો માતાના દર્શન કરવા પહોંચી રહ્યાં છે. રોજના હજારોની સંખ્યામાં ભક્તો માતાના દર્શન કરીને ધન્યતા અનૂભવે છે. અને તેમની તમામ આશાઓ માતા પૂર્ણ પણ કરે છે.
ગુજરાતી
English




