રાજયસભાની ગુજરાતમાં ચૂંટણી થઈ તેમાં એહમદ પટેલની જીતને પડકારનો એક ગુનો વડી અદાલતમાં ચાલી રહ્યો છે. જેમાં એક હકીકત બહાર આવી છે કે, કોંગ્રેસના 43 ધારાસભ્યોને અમદાવાદથી બેંગ્લુરુ વિમાનમાં લઈ જવાયા હતા. કારણ કે ભાજપ દ્વારા ધારાસભ્યોની ખરીદી શરૂ કરવામાં આવી હતી. આ ટિકિટનું આરક્ષણ ટ્રાવેલ એજન્ટ ઉત્સવ ઠક્કરે કર્યું હતું. જેના નાણાં અહેમદ પટેલે કોંગ્રેસ તરફથી આપ્યા હતા.
ઉત્સવ ઠક્કરે ઉલટ તપાસમાં કહ્યું હતું કે, અમદાવાદથી બેંગ્લોરની ટિકિટ બુક કરાવવાનું કામ કોંગ્રેસના હિસાબી અધિકારી પરસોતમ પટેલ (દાસકાકા)એ મને આપ્યું હતું. તેની રકમ રૂ.10,84,260 કોંગ્રેસે મને ચૂકવી હતી. નિવૃત્ત ડી.વાયએસપી વાઘેલા તેમને સાક્ષી તરીકે રહેવાનું કહેવા આવ્યા હતા. પરંતુ સોંગદનામું મેં મારી અંગત જાણકારી પ્રમાણે જ આપ્યું છે. આવું કહેતા અદાલતે કહ્યું હતું કે તમારે ડરવાની જરૂર નથી. કાંઇપણ પ્રશ્ન હોય તો અદાલતનો સંપર્ક કરી શકો છો.
એહમદભાઇની ઉમેદવારીના સંદર્ભમાં આ બુકીંગ કરાવ્યું હતું. આ ટિકિટોની રકમ આરટીજીએસથી બેંક ખાતામાં સીધી જમા કરાવી હતી. આ સંબંધના જરુરી દસ્તાવેજો કોર્ટમાં ઠક્કરે રજૂ કર્યા હતા. અહેમદ પટેલ અને ધારાસભ્ય શૈલેષ પરમારની ટિકિટો તેણે કરી નહોતી.