કોંગ્રેસના નેતાઓની આસપાસ ફરે તે આગળ આવે, કામ કરે તે નહીં – અતુલ પટેલે પક્ષ છોડ્યો

1985થી કોંગ્રેસમા હતા તેવા પૂર્વ અમદાવાદના સૌથી મજબૂત નેતા અતુલ પટેલે કોંગ્રેસના છોડીને ભાજપમાં જવાનું પસંદ કર્યું છે. તે કહે છે કે, પ્રજાનું ઘણું કામ કર્યું છે. પૂર્વ અમદાવાદમાં કોંગ્રેસ ઊભી કરી છે. આંદોલનો કરીને જેલમાં ગયો છું.  પક્ષના કપરા સમયમાં કોંગ્રેસની સાથે રહ્યો છું. પણ કોંગ્રેસના નેતાઓના ભાગીદારો અને તેમની આસપાસ ચક્કર મારતા લોકોને આગળ આવે છે. પટેલ સમાજને કોંગ્રેસમાં કોઈ મહત્વ આપવામાં આવતું નથી. કોંગ્રેસમાં હારી ગયેલા લોકોને હોદ્દા આપે છે. પણ કોંગ્રેસને જીતાડતાં લોકોની અવગણના કરે છે. અગાઉ અનેક વખત કોંગ્રેસના નેતાઓનું ધ્યાન આ તમામ મુદ્દે દોર્યું છે. પણ કોંગ્રેસ પક્ષ હવે મૃત પક્ષ કે લાગણી હીન પક્ષ બની ગયો છે. કોંગ્રેસ છોડવાના મારે અનેક કારણો છે.
કોંગ્રેસથી નિરાશ થઇ ભાજપમાં જોડાનારા લોકોમાં વટવાના કોંગી કોર્પોરેટર અતુલ પટેલનો પણ સમાવેશ થયો છે.
વટવામાંથી કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ચૂંટાઇ આવતાં અતુલભાઇ પટેલ ગત વિધાનસભા ચૂંટણી સમયે અપક્ષ ઉમેદવાર તરીકે ઊભા રહ્યા ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીએ તેમને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા. જોકે તેઓ કોર્પોરેટર તરીકે ચાલુ રહ્યા હોવા છતાં મ્યુનિ. કોંગ્રેસ કાર્યાલયમાં પ્રવેશવા-બેસવા ઉપર મનાઇ ફરમાવાઇ હતી અને મ્યુનિ. બોર્ડમાં પણ તેમને કોંગ્રેસનાં કોર્પોરેટરો સાથે બેસવા દેવાતા નહોતા. આ દરમિયાનમાં રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ તથા શહેર ભાજપ પ્રમુખ જગદીશભાઇ પંચાલે અતુલભાઇને કોંગ્રેસ છોડી ભાજપમાં સામેલ થવા આમંત્રણ અપાતા અતુલભાઇ પટેલ આજે તેમનાં કાર્યકરો સાથે મહાનુભાવોની ઉપસ્થિતિમાં ભાજપનો કેસરી ખેસ ધારણ કરી લીધો હતો. આ બાબતે શહેર કોંગ્રેસનાં સૂત્રોએ કહ્યું કે, આમ પણ અતુલભાઇ છેલ્લા કેટલાય વખતથી ભાજપના કાર્યકર તરીકે કામ કરતાં હોય તે રીતે વર્તતા હતા અને તેમનાં જવાથી કોંગ્રેસને બહુ ફેર
પડવાનો નથી.