કોંગ્રેસના રાજકોટના કોર્પોરેટરે ભાજપ પ્રમુખને આવકારવા બેનર લગાવ્યા, ભાજપમાં જશે

રાજકોટ શહેરના વોર્ડ નં.૧3ના કોંગ્રેસના નગરસેવક ભાજપ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને આવકારતું જાહેર બેનર મૂકતાં હવે તે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાશે એવું સ્પષ્ટ થઈ ગયું છે. સફાઈ અભિયાન વેળાએ નિતીન રામાણીએ ભાજપ પ્રદેશ પ્રમુખ વાઘાણી સાથે જાહેરમાં જ કાનમાં મોં રાખીને વાતો કરી હતી. રાજકોટ શહેરમાં કોંગ્રેસમાં ચાલતા આંતરિક વિવાદથી કંટાળીને પક્ષથી વિમૂખ થઈ ગયા છે. આ કાર્યક્રમ દરમિયાન જીતુ વાઘાણી સાથે નિતીન રામાણીએ તક મળતા વાતચીત કરી હતી. મુખ્ય મંત્રી વિજય રૂપાણીના શહેરમાં કોંગ્રેસમાં અત્યંત ખરાબ હાલત થઈ રહી છે.

મૂળ ભાજપના

રામાણી મૂળ ભાજપમાં હતા અને મહાપાલિકાની ગત ચૂંટણીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા, તેમને વોર્ડ નં.૧૩માં ટિકીટ અપાઈ અને તે ભાજપના ઉમેદવાર સામે લડીને ચૂંટાઈ આવ્યા હતા. વોર્ડ નં.૧૩ ભાજપનો ગઢ ગણાતો પણ ગત ચૂંટણીમાં આ ગઢ તૂટયો હતો અને ૪માંથી માત્ર એક કોર્પોરેટર જ ભાજપના ચૂંટાયા હતા. વોર્ડના ભાજપના કોર્પોરેટર અને કાર્યકરો તેમને પુનઃ ભાજપમાં કેટલા આવકારે છે તે પણ એક સવાલ છે. હાલ તે સ્થાયી સમિતિમાં સભ્ય તરીકે પણ નિમાયેલા છે. જો તે ભાજપમાં ભળે તો પક્ષાંતર ધારા હેઠળ તેમણે રાજીનામું આપવું પડે તેમ છે. ભાજપમાં ભળી જવા માટે ભાજપના સ્થાનિક નેતાઓ અને પ્રદેશ નાતાઓ સાથે બેઠક કરી લીધી હતી.

પ્રદેશ પ્રમુખને પત્ર લખી પક્ષની જૂથબંધી વર્ણવી

તેમણે ઓગસ્ટમાં જ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખને લખેલા પત્રમાં કહ્યું હતું કે, કોંગ્રેસમાં તેમનું માન જળવાતું નથી.  મૅયર, ડેપ્યુટી મૅયર ચૂંટાઈ ગયા અને તેની સાથે વિપક્ષી નેતા પણ નક્કી થવા જોઈએ તેના બદલે કોંગ્રેસ પક્ષે લાંબો સમય સુધી વિપક્ષી નેતા પદે કોને મૂકવા તે નક્કી કરી શકી ન હતી.  રાજકોટ શહેર કોંગ્રેસમાં જૂથબંધી હદ બહાર વધી ચૂકી છે. શહેર કોંગ્રેસ પ્રમુખની નિમણુકને લઈ કોર્પોરેટરોમાં ભાગલા પડી ચૂકયા છે. જેના કારણે કોર્પોરેશનમાં વિપક્ષ અત્યંત નબળો પડી રહ્યો છે. કોર્પોરેટરો નિષ્ક્રીય થઈ રહ્યા છે. વિપક્ષી નેતાની નિમણુકમાં ઢીલ થઈ રહી હોવાથી દિવસેને દિવસે કોંગ્રેસની હાલત સેનાપતિ વગરની સેના એટલે કે દિશાવિહિન થઈ ગઈ છે. ભાજપ સામે એક બનીને લડીને મજબૂત વિરોધ પક્ષ તરીકે કામ કરી શકતો નથી.

ભાજપને હરાવ્યો છતાં, કોંગ્રેસ મને ભાજપનો ગણે છે

વર્ષ 2015માં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચુંટણીમાં હું ભાજપને છોડી કોંગ્રેસની વિચારધારાને અનુસર્યો છું અને વોર્ડ નં.૧૩માં કોંગ્રેસના કોર્પોરેટર તરીકે ભારે બહુમતીથી ચુંટાઈ આવ્યો છું આમ છતાં મારી સાથે ભેદભાવભર્યું વર્તન થઈ રહ્યું છે. મને વિકાસ કામોમાં પણ કોઈ સાથ દેતું નથી. શહેર કોંગ્રેસની આવી નબળી હાલતથી મારું હૃદય દ્રવી ઉઠયું છે. હું ભાર વ્યથિત છું. કોંગ્રેસમાં અંદરો અંદર જ એટલા પ્રશ્નો છે કે આ પ્રશ્ર્ન ઉકેલવામાં જ સમય જાય છે. તો જનતાના કાર્યો કોંગ્રેસ કયારે કરી શકશે.

નોટિસનો વિવાદ

2 ઓગસ્ટ 2018માં રાજકોટ મનપાના કોંગ્રેસના 12 કોર્પોરેટરોને મૅયર-ડેપ્યુટી મૅયરની ચૂંટણી માટે યોજાયેલા જનરલબોર્ડમાં પક્ષવિરોધી વલણ બદલ નોટિસો અપાઈ હતી. પક્ષ તરફથી વ્હીપ ન મળ્યો છતાં નોટિસ આપવામાં આવી હતી. આમ કોંગ્રેસનો આંતરિક ગજગ્રાહ બહાર આવ્યો હતો.

એકલા જ બેસી રહ્યાં

13 ઓગસ્ટ 2018માં ભાજપની તાનાશાહીનો વિરોધ કરવા કોંગ્રેસના તમામ કોર્પોરેટરો પ્રેક્ષક ગેલેરીમાં બેઠા હતા અને કોંગ્રેસના સભ્ય નીતિન રામણી બોર્ડની બેઠકમાં બેઠા હતા. આંતરિક મામલો પક્ષ દ્વારા ઉકેલાતો ન હોવાથી તેઓ પક્ષ છોડી રાજીનામું આપી દેશે એવું પક્ષ પ્રમુખને કહી દીધું હતું. કોંગ્રેસના કોર્પોરેટરોએ ભાજપને કહ્યું હતું કે નીતિન રામાણી તમારા ભાજપના જ છે, તમે હવે લઈ જાવ એમને.