કોંગ્રેસના સૌરાષ્ટ્રના ત્રણ ધારાસભ્યો પગાર વધારો નહીં લે, ભાજપના તમામ પગાર લેશે

182 ધારાસભ્યોનો પગાર વધીને રૂ.1.26 લાખ સુધી પહોંચ્યો છે. તો મંત્રીઓનો પગાર વધીને રૂ.1.32  લાખ થયો છે.  પગાર વધારો 22 ડિસેમ્બર 2017થી પાછલી અસરથી એટલે કે ગત ચૂંટણી બાદ રચાયેલી વિજય રૂપાણીની ભાજપ સરકારના પ્રથમ દિવસથી જ પગાર વધારો મળશે. છેલ્લા 8 મહિનાનું પાછળનો રૂ.10 લાખ પણ મળશે. પ્રજા પર વધારાનું રૂ.16.25 કરોડો બોજ પડશે આમ હવે અગાઉના રૂ.15 કરોડ સાથે કૂલ રૂ.31.25 કરોડનો વર્ષે બોજ પડશે. રાજ્યપાલ, વિધાનસભા, પ્રધાનો, સમિતિઓ મળીને સરકાર પ્રજાના પ્રતિનિધિઓ માટે પગારના રૂ.96 કરોડનું જંગી ખર્ચ કરી રહી છે. ત્યારે ત્રણ ધારાસભ્યો એવા નિકળ્યા છે કે જેમણે પગાર લેવાનો ઈન્કાર કરી દીધો છે. આ ત્રણેય ધારાસભ્યો કોંગ્રેસના છે. ત્રણેય ધારાસભ્યો સૌરાષ્ટ્રના છે. પણ ભારતનો સૌથી સમૃદ્ધ પક્ષ ભાજપના 99માંથી એક પણ ધારાસભ્યએ પગાર ન લેવાની વાત કરી નથી.

દિવસે ને દિવસે વધી રહેલી મોંઘવારી, પેટ્રોલ ડિઝલના વધતા ભાવોથી લઈને લોકોને પડતી સમસ્યાઓ સામે થયેલા ધારાસભ્યોના પગારવધારા પર પ્રજા રોષ વ્યક્ત કરી રહી છે ત્યારે કોંગ્રેસના સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાતે જાહેરાત કરી છે કે તેઓ પગારવધારો નહીં લે, તેમણે કહ્યું છે કે જ્યાં સુધી ખેડૂતોની દેવા – વ્યાજ માફી નહીં થાય ત્યાં સુધી તેઓ પગાર વધારો નહીં લે. આ ઉપરાંત તેમણે કોંગ્રેસ પક્ષના બીજા 74 સભ્યોને પણ અપીલ કરી છે કે તેઓ પણ પગારવધારો ના લે.

જે તે સમયે વિધેયક પસાર થઇ રહ્યું હતું ત્યારે તેઓ ગૃહમાં હાજર નહોતા, એટલે તેમણે કહ્યું છે કે જો હું ગૃહમાં હાજર હોત તો પગારવધારાનો વિરોધ પણ નોંધાવત.

નોંધનીય છે કે આ ઉપરાંત રાજુલાના કોંગ્રેસના ધારાસભ્ય અંબરીશ ડેર પણ ધારાસભ્ય તરીકેનો પગાર સીધેસીધો બાળકોના શિક્ષણ પાછળ અને સમાજસેવામાં દાન કરી દે છે, તેમણે પણ કહ્યું છે કે પગારવધારાથી એટલા વધારે બાળકોને શિક્ષણનો લાભ મળશે. તેઓ સ્વખર્ચ માટે તો એકપણ રૂપિયાનો પગાર નથી લેતા.

તો કોંગ્રેસના ધોરાજીના ધારાસભ્ય અને પાટીદાર અનામત આંદોલનના નેતા લલિત વસોયાએ પણ ધારાસભ્ય બન્યાના પ્રથમ દિવસથી જ પગાર લેવાની ના કહી દીધી હતી, તેમણે પણ પોતાનો પગાર સીધેસીધો સમાજ સેવા માટે આપી દેવાની જાહેરાત કરી હતી.