કોંગ્રેસની આક્રોશ રેલીમાં પોલીસનો આકરો રોષ

રાજ્ય સરકારે મોટા ઉપાડે ફી નિયમન કાયદો રાજ્યની ખાનગી શાળાઓમાં લાગુ કર્યો છે, પરંતુ હજુ સુધી તેનો કોઈ નિવેડો આવ્યો નથી. હાલમાં આ મામલે સુપ્રીમ કોર્ટમાં શાળા સંચાલકો દ્વારા કરાયેલી પીટીશનનો ચુકાદો આવ્યો નથી, ત્યારે આજે ગાંધીનગરમાં યોજાયેલી કોંગ્રેસની આક્રોશ રેલીમાં અમદાવાદ પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું. આજે સવારથી જ ગાંધીનગર ખાતેની સેક્ટર છ ખાતેની સત્યાગ્રહ છાવણી ઉપર રાજ્યભરનાં કોંગ્રેસનાં નેતાઓ, કાર્યકરો અને ખેડૂતોની સાથે સાથે અમદાવાદના વાલીઓ પણ જોડાયા હતા. સત્યાગ્રહ છાવણીથી આ આક્રોશ રેલી ગુજરાત વિધાનસભા તરફ કૂચ કરી રહી હતી ત્યારે પોલીસે કોંગ્રેસનાં આગેવાનો સહિત કોંગ્રેસનાં કાર્યકરોની પણ અટકાયત કરી હતી. આ અટકાયતની કામગીરી દરમિયાન ફી નિયમન કાયદાનાં કડક અમલ માટે અમદાવાદ વાલી મંડળનાં સભ્યો પણ હતાં અને તેઓ પણ પોતાનાં બેનર સાથે આક્રોશ રેલીમાં આગળ વધી રહ્યાં હતાં. પરંતુ, તેઓ આગળ વધે તે પહેલાં જ પોલીસે અમદાવાદ વાલી મંડળનાં કેટલાંક સભ્યોની અટકાયત કરી હોવાનો મામલો સામે આવ્યો છે.
આ અંગે અમદાવાદ પેરેન્ટસ એસોસિએશનનાં અગ્રણી સંજય વોરા સાથે વાત કરતાં તેમણે આક્રોશ સાથે કહ્યું હતું કે, છેલ્લાં દોઢ વર્ષથી રાજ્ય સરકાર ખાનગી શાળાઓમાં ફી નિયમન ધારો કડકપણે અમલ કરાવી શકી નથી અને તેનાં વિરોધમાં અમે શાંતિપૂર્ણ રીતે કોંગ્રેસ દ્વારા આયોજિત આક્રોશ રેલીમાં સમર્થન આપીને જોડાયાં હતાં, પરંતુ તઘલખી શાસનમાં માનતી ભાજપ સરકારે આક્રોશ રેલીમાં જોડાયેલાં તમામ લોકોની અટકાયત કરીને અમારો અવાજ રૂંધવાનો પ્રયાસ કર્યો છે.
તેમણે વધુમાં એવું પણ કહ્યું કે, અમારી અટકાયત કરીને રાજ્ય સરકાર અને પોલીસે ભૂલ કરી છે અને તેનો પરચો આગામી દિવસોમાં મોટા પાયે પડશે.
ધારાસભ્યો અને લોકોએ રેલાના સ્થળે આવવાનું શરૂ કર્યું
18 સપ્ટેમ્બર 2018થી ગુજરાત વિધાનસભાનું બે દિવસનું ચોમાસું સત્ર શરૂ થયું છે. કોંગ્રેસે સવારથી જ ભાજપ સરકારને ઘેરવા માટે આક્રમકતા દેખાડવાનું શરૂ કરી દીધું છે. કોંગ્રેસ દ્વારા ખેડૂતોના દેવાં માફી, બેરોજગારી અને મોંઘવારી મુદ્દે વિધાનસભા બહાર 2000 ખુરશી નાંખી મૂકીને સવારે 9 વાગ્યાથી ધરણાં અને રેલાની તૈયારી શરૂ કરી છે. ગાંધીનગરના સત્યાગ્રહ છાવણી ખાતે સવારે 9.30 કલાકે ધારાસભ્ય નારણ રાઠવા, શિવાભાઈ ભૂરિયા, ચંદ્રિકાબેન બારીયા, બળદેવજી ઠાકોર તથા ગેમીબેન ઠાકોર આવી ગયા હતા. આ ધારાસભ્યો કોંગ્રેસમાં સૌથી વધું આક્રમક રહેતાં રહ્યાં છે.
ખેડૂતો અહીં ધીમેધીમે એકઠા થઈ રહ્યાં છે. જોકે સવારનો સમય હોવાથી ખેડૂતો અને કોંગ્રેસના કાર્યકરોની ચૂસ્તી હજુ ઉઠી નથી. પણ વાતાવરણમાં એક પ્રકારની ગમગીની દેખાઈ રહી છે. હવે કોંગ્રેસના નેતાઓ આવે ત્યારે ઉત્તેજના ભર્યું વાતાવરણ બની શકે છે. વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની કાર્યકરો રાહ જોઈ રહ્યાં છે. સવારનો માહોલ આમ તો ઠંડો જોવા મળી રહ્યો છે. જેમ લોકો આવશે તેમ સૂત્રોચ્ચારો અને દેખાવો વધતા જશે.
પહેલાં સભા થશે. જેમાં ખેડૂતોના પ્રશ્નો રજૂ કરાશે. પછી રેલી સ્વરૂપે વિધાનસભાને ઘેરાવ કરવામાં આવશે. કોંગ્રેસ સહિત રાજ્યના ખેડૂતોને પોતાના પડતર પ્રશ્નો અને દેવામાફી માટે ખેડૂત સંમેલનને મંજૂરી પોલીસે આપી છે. ભાજપ
સરકારે પણ સંજોગોમાં કોંગ્રેસ પ્રેરિત ખેડૂત સંમેલન પછીની રેલી વિધાનસભા સુધી ન પહોંચે તે માટે પોલીસ ખડકી દીધી છે. ચારેબાજું પોલીસ ફોર્સ જોવા મળી રહ્યો છે. આસપાસના જિલ્લામાંથી પણ પોલીસ દરેક ચાર રસ્તે ગોઠવી દીધી છે. પોલીસ ફોર્સમાં SP, 5 DySP, 10 PI, 35 PSI અને 80 મહિલા હાલ જોવા મળી રહ્યાં છે. થોડે દૂર SRPની 2 કંપનીઓ પણ ગાંધીનગરના SRP કેમ્પમાંથી બોલાવી લેવામાં આવી છે. પોલીસ ફોર્સની હિલચાલ પરથી લાગી રહ્યું છે કે, ગમે ત્યારે લાઠી ચાર્જ કરવાની તૈયારી જોવા મળે છે. આમ થશે તો સરકાર અને વિરોધ પક્ષ વચ્ચે તનાવભરી સ્થિતીનું નિર્માણ થઈ શકે છે.
વિરોધ પક્ષના ધારાસભ્યોની ધરપકડ કરી લેવામાં આવે તેવું હાલ વાતાવરણ દેખાય રહ્યું છે.

સ્વર્ણિમ સંકુલ માં મીડિયા ઉપર આવી પ્રવેશ પાબંધી…….*

રાજ્યમાં ખેડૂતોના દેવામાફી બેકારી જેવા વિવિધ મુદ્દે સી.એમ. ને  રજુઆત કરવા જતી કોંગ્રેસને મીડિયાની  પ્રસિદ્ધિ ન મળે અને મુખ્યમંત્રી નું ખરાબ ન દેખાય તેમાટે આજે પત્રકારો ને મુખ્યમંત્રી ની કચેરી થી દુર રાખવાના આદેશ કરવામાં આવ્યા છે.

રાજ્યમાં ખેડૂતોના દેવામાફી , મગફળી કાંડ , ટેકાના ભાવ જેવા વિવિધ મુદ્દે મુખ્યમંત્રી  પાસે વિપક્ષ કોંગ્રેસ તમામ  ધારાસભ્યો સાથે આજે રજુઆત કરવા જવાના હોવાથી મીડિયા ને દૂર રાખવાના આદેશ અચાનક કરવામાં આવતા અનેક તર્ક વહેતા થયા છે. તો બીજી તરફ કોંગ્રેસના તમામ ધારાસભ્યો ના આગમન અને રજૂઆત સમયે સચિવાલય કેમ્પસમાં અઘટિત ઘટના ન બને તે માટે ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સાંજે 4 કલાકે કોંગ્રેસના તમામ ધારાસભ્યો મુખ્યમંત્રી ને વિવિધ મુદ્દે રજુઆત કરવા જવાના છે.ત્યારે મુખ્યમંત્રી ના અગ્ર સચિવ એમ.કે.દાસ દ્વારા સ્વર્ણિમ સંકુલ  કે જ્યાં  મુખ્યમંત્રી  નાયબ મુખ્યમંત્રી  અને કેબિનેટ પ્રધાનોની  ચેમ્બરો આવેલી છે  ત્યાં  દરરોજ  સચિવાલય નું કવરેજ કરતાં મીડિયા પ્રતિનિધિ ઓ પર પ્રવેશ પાબંધી લગાવી દેવામાં આવી છે.

મનાઈ રહ્યું છે કે મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ કે દાસ દ્વારા અચાનક આ પ્રકારનો આદેશ કેમ કરવામાં આવ્યો ? તે યક્ષ પ્રશ્ન છે.

તો બીજી તરફ સુત્રોનું માનીએ તો મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા આવી રહેલ્ કોંગી ધારાસભ્યો સામે સી.એમ .નું ખરાબ દેખાય નહીં. અને રજુઆત સમયે મીડિયા ની હાજરીથી સરકાર અસમંજસમાં ન આવી જાય. તે હેતુથી આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.જોકે રજુઆત કરવા આવી રહેલ અરજદારો માટે કોઈ પાબંધી લગાડવામાં આવી નથી. પરંતુ  આજે મીડિયા પર જે રીતે પ્રવેશ પાબંધી ના આદેશ કરવામાં આવ્યા છે.ત્યારે આ આદેશ કરવા પાછળ ખરેખર શું કારણ છે.? તે યક્ષ પ્રશ્ન છે.

તો બીજી તરફ સચિવાલય કેમ્પસમાં નિરાંતની પળો માણી રહેલા કેટલાક અધિકારીઓ અને કર્મચારીઓ આ મુદ્દાને લઈને ચર્ચાના એરણે ચઢયા છે. જેમાં એવી ચર્ચાઓ વહેતી થઈ છે. કે ખેડૂતોના મુદ્દે ભરાઈ ગયેલી સરકાર હવે મીડિયાથી પણ દૂર ભાગી રહી છે. માટે જ વિપક્ષ કોંગ્રેસે કરેલી રજૂઆતો નું સત્ય સામે આવે નહીં તે માટે જ ભાજપ સરકારે આ પેતરો રચ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પરંતુ આ પ્રકારના આદેશ પાછળ ખરેખર કોનું ભેજું કામ કરે છે પ?  તે પણ ચર્ચાનો વિષય છે .તો બીજી તરફ મુખ્યમંત્રીના અગ્ર સચિવ એમ.કે.દાસે કોના કહેવાથી આ નિર્ણય કર્યો છે. તે કહેવું ઉચિત નથી .પરંતુ પારદર્શક વહીવટ ની  બંડ  પોકારતી સરકારને મીડિયાની હાજરી કેમ ખૂંચે છે તે સમજાતું નથી.