ગુજરાત કોંગ્રેસ દ્વારા શુક્રવારે પ્રદેશ કાર્યાલયે લોક સરકાર મોબાઈલ એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. સમાંતર સરકાર ચલાવવાના આશયે આ એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. લોકો લોક સરકાર વેબસાઈટ પર પોતાની ફરિયાદ રજૂ કરી શકશે, જેના આધારે ફરિયાદનું નિરાકરણ કરવા સરકાર સમક્ષ રજૂઆત કરાશે અને ફરિયાદનો ઉકેલ આવે તે માટે પ્રયાસ કરાશે. જોકે હાલ તો કોંગ્રેસે લોક સરકારમાં તેના ધારાસભ્યોને મુખ્યમંત્રી-મંત્રી બનાવવાનું માંડી વાળ્યું છે. વેબસાઈટના લોન્ચિંગ વખતે કોંગ્રેસના પ્રદેશ નેતાઓએ જણાવ્યું હતું કે, લોકોનો અવાજ મજબૂતાઈથી રજૂ કરી શકાય તે માટે લોક સરકાર બનાવવામાં આવી છે. જિલ્લા અને તાલુકા સમિતિના માધ્યમથી દરેક જગ્યાએ લોક સેવા કેન્દ્રો પણ ઊભા કરાશે, જ્યાં લોકોની ફરિયાદ રજિસ્ટર કરાશે. ગુજરાત સરકારે અમલમાં મૂકેલો નાગરિક અધિકાર પત્ર આજે શોભાના ગાંઠિયા સમાન બન્યો છે. ફરિયાદ કરનારાને એક પાવતી આપવામાં આવશે. વેબસાઈટ ઉપરાંત સ્થળ પર ૮ ઝોનમાં લોક પ્રચાર સમિતિ અને લોક સેવા કેન્દ્ર પર ફરિયાદ સાંભળવામાં આવશે. કાનૂની સેવા કેન્દ્ર, લગ્ન સહાયતા કેન્દ્ર પણ શરૂ કરાશે.