કોંગ્રેસનો ભ્રષ્ટાચાર છતાં નફ્ફટ નેતાઓ

કોંગ્રેસને કાળી ટીલી

હળવદના કોંગ્રેસના ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની નાની સિંચાઈના કામો માટે કૌભાંડમાં લાંચ માંગવા મામલે પોલીસે કરેલી ધરપકડ ના વિરોધમાં આજે કોંગ્રેસના ધારાસભ્યો અને આગેવાનોએ પ્રતિક ઉપવાસ કર્યા હતા. કોંગ્રેસ બેશરમીની હદ વટાવી ગઈ છે. પોતાના ધારાસભ્યની ઓડિયો ક્લિપના પુરાવા સાથે જ્યારે ભ્રષ્ટાચાર કરતાં પકડાયા તેનો બચાવ કરવા માટે કોંગ્રેસના બીજા ધારાસભ્ય બ્રિજેશ મેરજા પોલીસ સ્ટેશન સામે ધરણાં પર બેઠા હતા. કોંગ્રેસ દેવાળું કાઢવાની તૈયારી કરી રહ્યું છે. જે ધારાસભ્યનું રાજીનામું લેવું જોઈએ તેને બચાવવા માટે કોંગ્રેસ બચાવવા માટે ધરણાં કરે છે. આવી નફ્ફટાઈ તો ગુજરાતના રાજકારણમાં બહુ ઓછી જોવા મળી છે. ધારાસભ્ય સાબરીયાની ટિકિટ અલેપેશ ઠાકોરે અપાવી હતી.

નફ્ફટ કોંગ્રેસ

ધારાસભ્ય પરષોતમભાઈ સાબરીયાની અટકાયતને પગલે મોરબી જીલ્લાના કોંગ્રેસના ત્રણ ધારાસભ્યો ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયા , તેમજ જીલ્લા પંચાયત પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા અને જીલ્લા કોંગ્રેસના આગેવાનો અને ઠાકોર સેના દ્વારા એ ડીવીઝન પોલીસ મથક સામે ધરણા કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની છબી ખરાબ કરવાના બદઈરાદાથી પોલીસને હાથો બનાવીને ભાજપે કોંગ્રેસના ધારાસભ્યની ધરપકડ કરાવી છે એવો કોંગ્રેસ બેશરમ બનીને બચાવ કરી રહી છે. આવું અધઃપતન તો ક્યારેય જોવા નથી મળ્યું. હજુ બે દિવસ પહેલાં જ મોરબીમાં કોંગ્રેસ દ્વારા ઘરેઘર જઈને ભાજપના કૌભાંડ તથા તેણે આપેલાં વચનો પૂરા નહીં કરવાની ઝુંબેશ શરૂ કરી હતી.

પોલીસ પાસે પુરાવા

મોરબી જિલ્લામાં નાની સિંચાઈ યોજના હેઠળ તળાવો ઉંડા કરવા મોરબી જિલ્લાના વિવિધ તાલુકામાં અંદાજિત રૂ.20 કરોડથી વધુ રકમના 334 કામો મંજૂર કર્યા હતા. સિંચાઇ યોજના કામમાં વ્યાપક ભ્રષ્ટાચારની ફરિયાદ બાદ પોલીસ મથક માં 46 કામોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 66.91 લાખની ફરિયાદ એ ડિવિઝન પોલીસ મથકમાં થઈ હતી. આનાથી મોટો પુરાવો બીજો કયો હોઈ શકે ? પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ 51 કામોમાં કુલ રૂા.1.12 કરોડનો ભ્રષ્ટાચાર તેમાં થયો હતો. કોંગ્રેસ આ ધરપકડ સંદર્ભે કાલથી પ્રતિક ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી.

વિધાનસભામાં પ્રશ્ન નહીં પૂછવાના રૂ.40 લાખ

હળવદના ધારાસભ્ય પરસોતમભાઈ સાબરિયાએ ગુજરાત વિધાનસભામાં તળાવ કૌભાંડનો પ્રશ્ર્ન નહીં ઉઠાવવા તેમના વચેટિયા એવા વકીલ ભરત ગણેશીયા મારફતે રૂ.40 લાખમાં ડીલ થઈ હતી. જે પેટે રૂા.10  લાખ ધારાસભ્યને ચૂકવાયા હતા. અને બાકીની રકમના ચેક સંડોવાયેલી મંડળીના હોદ્દેદારો દ્વારા આપવામાં આવ્યા હતા જેમાં મોરબી પોલીસે હાલમાં તળાવ કૌભાંડમાં પુરાવા મેળવી ધારાસભ્ય અને તેમના મિત્ર એવા વકીલની ધરપકડ કરી હતી.

પ્રદેશ કોંગ્રેસ પણ મેદાને

પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જાહેર નિવેદન કરીને પોતાના ભ્રષ્ટ નેતાને બચાવવા કહ્યું હતું કે, ભાજપ શાસનમાં ખેત-તલાવડી, બોરીબંધ, તળાવ ઉંડા કરવાના કામોમાં કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. જમીન વિકાસ નિગમની કચેરીમાં સ્થળ પરથી જ 55 લાખ રૂપિયા જેટલી માતબર રકમ પકડાય તે જ બતાવે છે કે, છેલ્લાં પંદર વર્ષમાં જમીન વિકાસ નિગમ મારફત ભાજપ સરકાર અને તેમના મળતીયાઓએ કરોડો રૂપિયાની લૂંટ ચલાવી છે. મોરબી જીલ્લામાં જીલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને તમામ વિધાનસભા બેઠક પર કોંગ્રેસ પક્ષનો વિજય થયો છે અને મોરબી જીલ્લામાંથી ભાજપનો સફાયો થતાં બેબાકળી બનેલી ભાજપા યેનકેન પ્રકારે રાજકીય કિન્નાખોરીથી કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોને અજાણી વ્યક્તિ સાથેની ઓડિયો વાતચીતના આધારે ધરપકડ કરી છે. જેને કોંગ્રેસ પક્ષ સખત શબ્દોમાં વખોડે છે.

કોંગ્રેસના નેતાઓની નૈતિકતા કેટલી હદે કથળી છે તે આ નિવેદનથી સ્પષ્ટ થાય છે.

રાજ્યભરમાં કોંગ્રેસના આવા ભ્રષ્ટાચારો પણ અગાઉ બહાર આવ્યા છે.

મોરબીમાં કોંગ્રેસના નેતાએ જ કોંગ્રેસના કૌભાંડો જાહેર કરાયા હતા

19 સપ્ટેમ્બર 2017માં કોંગ્રેસ શાસિત મોરબી જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના કેટલાંક નારાજ સભ્યોએ બંડ પોકાર્યો હતો. કોંગ્રેસના સભ્યોએ જ ભ્રષ્ટાચાર જાહેર કર્યો હતો. તેમણે જાહેરાત કરી પછી ભાજપે પણ તેને ટેકો આપીને કોંગ્રેસના પારાવાર ભ્રષ્ટાચાર જાહેર કર્યા હતા. હવે કોંગ્રેસ કયા મોઢે પોતાના ભ્રષ્ટ ધારાસભ્યનો બચાવ કરી રહી છે.

કોંગ્રેસની કૌભાંડમાં ભાગીદારી

26 ડેસેમ્બર 2016માં અમદાવાદમાં કોર્પોરેટર અને AMC અધિકારીઓની મિલિભગત સામે આવી છે,  એક યુવાને મહિલા કોર્પોરેટર આફરિન પઠાણ, તેમના સસરા અને અન્ય એક યુવાન મળીને કેવી રીતે આમ નાગરિકો પાસેથી સીલ ખોલાવવાના નામે રૂપિયા પડાવે છે તેનો ભાંડો ફોડ્યો હતો.

કોંગ્રેસે ભાજપ સાથે ભાગીદારી કરી

7 ઓગસ્ટ 2018માં એક બાબત બહાર આવી હતી કે, અમદાવાદના રખિયાલની ગૃહ નિર્માણ બોર્ડની 132 ફુટના રીંગ રોડ પરની 1600 વાર જમીન કે જે સર્વે નંબર 102 જમીન છે. તેના પર ભાજપના પૂર્વ મંત્રી અને હાલના ધારાસભ્ય વલ્લભ કાકડિયા તથા કોંગ્રેસના શહેર ઉપપ્રમુખ મદન જયસ્વાલે સહિયારી રીતે ભ્રષ્ટાચાર કરી જમીન પચાવી પાડી છે. આ જમીનમાં 7 માળની કર્મશિયલ બિલ્ડીંગ બનાવી દીધી છે. પહેલાં કોંગ્રેસના નેતાએ તે પચાવી પાડી અને પછી તેમાં ભાજપના MLAને ભાગીદાર બનાવ્યા હતા. આ વાત દિલ્હી સુધી ગઈ છતાં આજ સુધી કોઈની સામે પગલાં ભરાયા નથી. રખિયાલ સર્વે નંબર 102 ધરાવતા નિલમ પાર્કના રહીશોએ જે તે વખતે જ મદન જયસ્વાલ વિરૂદ્ધ ખોટા દસ્તાવેજો સામે કબજો મેળવવા કોર્ટ કેસ કર્યો હતો. પરંતુ પોતાની ગુંડાગીરી અને વગથી ખોટા દસ્તાવેજ ઉભા કર્યા. કોર્પોરેશન, હાઉંસિગ, અરૂણ મીલ, નિલમ પાર્કના રહિશો સહિત આ જમીન પર 7 કેસ ચાલે છે.

મગફળી કૌભાંડમાં કોંગ્રેસની ભૂંડી ભૂમિકા

1200 કરોડના મગફળી કૌભાંડમાં ડેપ્યુટી સીએમ નીતિન પટેલે કોંગ્રેસને ઘેરી હતી. તેમણે કહ્યું હતું કે,  ટેકાના ભાવે મગફળી ખરીદીનું કામ નાફેડ દ્વારા થયું હતું અને નાફેડના ચેરમેન વાઘજીભાઈ બોડા કે જે કોંગ્રેસમાં વર્ષો સુધી રહ્યાં અને તેમની સંડોવણી છે. નાફેડની જવાબદારી મગફળીની ખરીદીથી માંડીને તમામ છે. છતાં કોંગ્રેસ લાજવાને બદલે ગાજી રહી છે. મગફળી કૌભાંડમાં વાઘજી બોડાના ભત્રીજાના નામ આવ્યું છે. મુદ્દે વાઘજી બોડા મૌન છે. ત્યારે કોંગ્રેસે તેમને સસ્પેન્ડ કરવામાં જોઈએ તેવી માંગ ભાજપે કરી હતી. તેમાં કંઈ થયું ન હતું. મગફળી કૌભાંડમાં પરેશ ધાનાણી પણ હવે એકાએક મૌન બની ગયા છે.

સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસે ભાજપ સાથે ભાગીદારી કરી

સહકારી ક્ષેત્ર પર જ્યારથી રાજકારણીઓએ કબજો કર્યો છે ત્યારથી ભાજપ અને કોંગ્રેસ લૂંટનો માલ ઘરભેગો કરી રહ્યાં છે. ભ્રષ્ટાચારી ધારાસભ્ય અને ધારાસભ્યના કુટુંબ તથા કોંગ્રેસના નેતાઓને ગાંધીનગરના સહકારી વિભાગે નોટિસ ફટકારી છે. ભ્રષ્ટાચાર સાબિત કરીને નાણાં વસૂલવા માટે નોટિસ ફટકારી છે. આણંદ જિલ્લાના તારાપુર ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં રૂ.93.43 લાખની ગોલમાલ કરી હતી તે કેસમાં તપાસ પૂરી થતાં ભાજપના પૂર્વ ધારાસભ્ય અંબાલાલ રોહિતના ભાઈ રણછોડ રોહિત અને કોંગ્રેસના સૌજીત્રાના ધારાસભ્ય પુનમ પરમાર સહિત અનેક રાજકીય લોકો રંગે હાથ ભ્રષ્ટાચાર કરતાં પુરાવા સાથે પકડાઈ ગયા છે. આવા 25 લોકોને રાજ્યના સહકાર વિભાગના ખેત બજાર ઉત્પન્ન નિયામક અને ગ્રામ અર્થતંત્રના અધિકારીએ નોટિસ ફટકારી છે. આમ કોંગ્રેસ પણ ભાજપ સાથે મળીને ભ્રષ્ટાચાર કરી રહી છે.

રાજકોટમાં કોંગ્રેસનો ભ્રષ્ટાચાર

રાજકોટ જિલ્લા પંચાયતનો સત્તાધારી પક્ષ કોંગ્રેસમાં જૂથવાદ સાથે હવે ભ્રષ્ટાચાર પણ માઝા મૂકી રહ્યો છે. કોંગ્રેસ જૂથના સભ્ય ચંદુ શીંગાળાએ મોટા પાયે કાળો કારોબાર થયાના આક્ષેપો કર્યો હતો. 50 કામો થયા અને ડીડીઓને આ અંગે ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમ છતાં જમીનોના કામ મંજૂર કરી દેવામાં આવ્યા હતા. રાજકોટના ઔદ્યોગિક વિસ્તાર શાપરની મોકાની જમીન કે જે રાજુભાઇ દોશીની છે તેમણે જમીનને બિનખેતી કરવા માટે દરખાસ્ત કરી હતી. પહેલાં તે મંજૂર ન કરી પણ પછી એકાએક 71 એકર જમીનને બિન ખેતી કરી દેવાની મંજૂર આપવામાં આવી હતી. સરકારને તેની રૂ.5 કરોડની આવક થવી જોઈતી હતી પણ હવે તે માત્ર રૂ.25 લાખમાં કામ પતી ગયું છે.

જિલ્લા પંચાયતોમાં ભ્રષ્ટાચાર

ગુજરાતની મોટાભાગની જિલ્લા પંચાયતો અને તાલુકા પંચાયતો કોંગ્રેસ સંચાલીત છે. જ્યાં વ્યાપક ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે. એક મીટર જમીનનો બિનખેતી કરવાનો ભાવ રૂ.200 ચાલે છે. તમામ જમીનોને બિનખેતી કરવા માટેના કામ જિલ્લા પંચાયતમાં આવતાં હોય છે. અમદાવાદમાં પણ જમીનો મંજૂર કરાવવા માટે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થયો હોવાના આરોપો કોંગ્રેસ પર લાગી ચૂક્યા છે. આટલા મોટા પ્રમાણમાં જમીન ખેતી માંથી બિન ખેતીની બનાવી દેવામાં આવી રહી છે. જેમાં કરોડો રૂપિયાનો કાળો કારોબાર થયો હોવાનો આરોપ કોંગ્રેસ પર લગાવવામાં આવે છે.

રહ્યાં છે.

સુરતમાં કોંગ્રેસના કોર્પોરેટરો પણ સંડોવાયા

ભાજપના સુરતના લિંબાયતના કોર્પોરેટર મીના રાઠોડના પતિ બાંધકામ મુદ્દે પાંચ લાખ રૂપિયાની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા હતા. આવા કેસમાં કોંગ્રેસના કોર્પોરેટરના પતિ પણ સામેલ હોવાનું બહાર આવ્યું હતું. વરાછા, કતારગામ, લિંબાયત અને રાંદેર ઝોનમાં મહિલા કોર્પોરટરના પતિઓના ત્રાસ વધી ગયો છે. વરાછામાં મહિલા કોર્પોરેટરના પતિએ મ્યુનિ. સ્ટાફ પર હુમલો કરવો કે ગેરકાયદે બાંધકામ અંગે ફરિયાદ કે ભલામણ કરવી તેવા અનેક કિસ્સા છે. મોટા ભાગના કિસ્સામાં ભાજપ- કોંગ્રેસ બન્ને પક્ષના મહિલા કોર્પોરેટરના પતિઓ ગેરકાયદે બાંધકામ મુદ્દે તોડબાજી કરતાં હોવાથી લોકો ત્રાસી ગયાં છે. જુથબંધી કામ કરતી હોવાથી નેતાઓ પગલાં ભરવા માટે લાચાર છે.

અમરેલી કોંગ્રેસમાં ભ્રષ્ટાચાર

અમરેલી જિલ્લા પંચાયતની પોતાની જ  કોંગ્રેસ શાસિત નગરપાલિકામાં લાખોનો ભષ્ટાચાર કરીને સરકારની વિવિધ ગ્રાંટોના દુરપયોગનો પર્દાફાશ આર.ટી.આઈ.ની માહિતીમાં થયો છે. રૂ.25 લાખનો બગીચો અને રૂ.19 લાખની માટી મોરમ નાખીને પૈસા લીધા હતા. પણ ખરેખર તો આ કામ થયા જ નથી. માત્ર કાગળ પર બતાવવામાં આવી રહ્યાં છે. ભય ભૂખ ભષ્ટાચાર કોંગ્રેસ શાષિત પાલિકામાં થતા રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

આમ કોંગ્રેસ રાજ્યની સત્તા ભોગવતી નથી તેમ છતાં વ્યાપક ભ્રષ્ટાચાર થાય છે. જો સરકારમાં હોય તો કોંગ્રેસ કેવો ભ્રષ્ટાચાર કરે તે અગાઉ લોકોએ અનુભવ્યું છે. તેથી લોકોને કોંગ્રેસ પર ભરોસો બેસતો નથી. જો કોંગ્રેસ પ્રજાનો વિશ્વાસ જીતવા માંગતી હોય તો તેમણે તુરંત પોતાના ધારાસભ્ય સામે અને જ્યાં પણ ભ્રષ્ટાચાર થયા છે ત્યાં તુરંત પગલાં લેવા જોઈએ. લોકો પણ આવું ઈચ્છી રહ્યાં છે.

(દિલીપ પટેલ)