કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટેની સ્થિતિ, ગીર સોમનાથમાં ભંગાણનાં એંધાણ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસમાં એક સાંધો ત્યાં તેર તૂટે જેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હજુ સંગઠન માટેની યાદી જાહેર કર્યાંનાં થોડાં દિવસો બાદ જ કોંગ્રેસ સંગઠનમાં તડાં પડ્યાં હોવાનું બહાર આવ્યું છે. સોમવારે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયની બહાર જ ગોંડલ કોંગ્રેસ સંગઠનનાં બે નેતાઓ વચ્ચે છૂટ્ટાહાથની મારામારીની શ્યાહી સૂકાઈ નથી ત્યાં ગીર સોમનાથ પંથકનાં સામાજિક કાર્યકર અને કોંગ્રેસનાં નેતા જગમાલભાઈ વાળાએ સોમનાથનાં ધારાસભ્ય વિમલ ચૂડાસમા વિરૂદ્ધ પત્ર લખ્યો છે જેનાં કારણે પ્રદેશ નેતાગીરી ચોંકી ઉઠી છે. વાળાએ આક્ષેપ કર્યો છે કે, સોમનાથનાં ધારાસભ્ય ચૂડાસમા અસામાજિક તત્વો અને તેમની પ્રવૃત્તિ સાથે ઘરોબો ધરાવે છે.
પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા રાજ્યનાં સંગઠનનું માળખું એક સપ્તાહ પહેલાં જાહેર કરવામાં આવ્યું છે. તેમાં પ્રદેશ મંત્રી તરીકે ગીર સોમનાથનાં સામાજિક કાર્યકર અને કોંગ્રેસનાં નેતા જગમલ વાળાનું નામ પ્રદેશ મંત્રીમાં સામેલ કરવામાં આવ્યું છે. પ્રદેશ મંત્રી તરીકે સમાવેશ કરવામાં આવ્યો હોવા છતાં તેમણે મંગળવારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાને સંબોધીને એક પત્ર લખ્યો છે. જેમાં તેમણે આ પદ સ્વીકારવાનો ઈનકાર કરી દીધો છે. સાથે સાથે કોંગ્રેસનાં સ્થાનિક ધારાસભ્ય વિમલ ચૂડાસમા વિરૂદ્ધ ઘણાં આક્ષેપો પણ કર્યાં છે. વાળાએ પત્રમાં લખ્યું છે કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી સમયે તેમની પસંદગી સોમનાથ વિધાનસભાની બેઠક માટે સોમનાથનાં લોકો અને તેમનાં સમર્થકોની ઈચ્છા પ્રમાણે અપક્ષ ઉમેદવાર તરીકે ફોર્મ ભર્યું હતું. એ સમયે કોંગ્રેસ ત્રીજા નંબર પર હતું. કેમ કે અપક્ષ ઉમેદવાર તરીકે મેં ફોર્મ ભર્યું ત્યારે મારી સામાજિક કાર્યકર તરીકેની છાપને કારણે મારું જીતવું સરળ હતું. પરંતુ, તત્કાલિન પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ મારી સાથે મુલાકાત કરી હતી અને તેમણે એ સમયે કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે અન્ય કોઈ નેતાનું નામ જાહેર કરવાની બાંહેધરી આપી હતી, જેનાં કારણે મેં ઉમેદવારી પાછી ખેંચી હતી. તત્કાલિન પ્રદેશ પ્રમુખે આપેલી ખાતરી બાદ પણ વિમલ ચૂડાસમાનાં સ્થાને અન્ય ઉમેદવારને પસંદ ન કરી વિમલ ચૂડાસમાને જ કોંગ્રેસનાં ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતાં.
વાળાએ Khabarchhe.com સાથે વાતચીતમાં કહ્યું કે, વિમલ ચૂડાસમા વર્ષોથી આ વિસ્તારમાં અસામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલાં છે અને આ અંગે પ્રદેશ કોંગ્રેસ નેતાગીરીને માહિતી હોવા છતાં તેમને ઉમેદવાર તરીકે જાહેર કર્યાં હતાં. જેનું દુઃખ છે. પરંતુ, તાજેતરમાં જ્યારે મને પ્રદેશ કોંગ્રેસનાં મંત્રી તરીકે પસંદ કર્યો છે ત્યારે એવું લાગે છે કે, સ્થાનિક ધારાસભ્યને છાવરવાનો સીધો પ્રયાસ કરવામાં આવ્યો છે. તેમણે એવું પણ જણાવ્યું કે, મેં કોંગ્રેસ મજબૂત થાય એ દિશામાં કામ કર્યું છે, પરંતુ સ્થાનિક ધારાસભ્ય ચૂડાસમા દ્વારા જે પ્રકારે ગીર સોમનાથમાં અસામાજિક તત્વો અને પ્રવૃત્તિઓ ખૂલ્લેઆમ આચરી રહ્યાં છે. તેમ જ તેમનાં કારણે આ વિસ્તારનો વિકાસ પણ અટવાયો છે અને તેમનાં કારણે કોંગ્રેસને પણ નુકશાન થઈ રહ્યું છે. ત્યારે આ પદ સ્વીકારી શકાય નહિ. તેમણે એવું ઉમેર્યું હતું કે, હું કોંગ્રેસને માનું છું અને હંમેશા કોંગ્રેસને વધુ મજબૂત કરવાની દિશામાં કામ કરતો રહીશ, પણ આવા ભ્રષ્ટાચારી ધારાસભ્યની સાથે કામ કરી શકાય એમ ન હોવાથી પ્રદેશ કોંગ્રેસનું મંત્રીપદનો અસ્વીકાર કરું છું.
વાળાનાં આ પત્રને કારણે પ્રદેશ કોંગ્રેસની નેતાગીરી ચોંકી ઉઠી છે અને હવે જ્યારે ગુજરાત કોંગ્રેસનાં પ્રભારી રાજીવ સાતવ જસદણની પેટાચૂંટણી માટે ગુજરાતમાં ડેરાતંબૂ તાણીને બેઠાં છે ત્યારે હવે જોવું એ રહ્યું કે, પ્રદેશ નેતાગીરીની સાથે તેઓ કોંગ્રેસનું ડેમેજ કન્ટ્રોલ કેવી રીતે કરે છે.