કોંગ્રેસમાં કેમ રાજીનામાં પડી રહ્યાં છે, આણંદમાં 4 રાજીનામાં

આણંદ તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષનું શાસન છે. છેલ્લી કેટલીક ટર્મથી રાજકીય ખેંચતાણને લઈને તાલુકા પંચાયતના કોંગ્રેસના સભ્યોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. તેમાંય ખાસ કરીને હોદ્દાની રૂએ મહત્વની ગણાતી કેટલીક સમિતિમાં ઉચ્ચ પદ હાંસલ કરવા કેટલાક સભ્યો દ્વારા યેનકેન પ્રકારના રાજકીય દાવ રમાઈ રહ્યા હોવાની ચર્ચાઓએ જોર પકડયું હતું. આણંદ જિલ્લા કોંગ્રેસનો આંતરકલહ ચરમસીમાએ પહોંચ્યો છે. કોંગ્રેસની તાલીમ શિબિર સમયે તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 5 સભ્યોના રાજીનામા પડ્યા હતા.  પક્ષમાં અવગણના થતી હોવાના આક્ષેપ સાથે રાજીનામા ધર્યા હતા. તાલુકા પ્રમુખ અને TDOને રાજીનામા આપીને પક્ષના નારાજ નેતાઓ પક્ષ પાસેથી છેડો ફાડી રહ્યાં છે. કોંગ્રેસની કરમ કઠણાઈ બેઠી છે. એક સાંધે છે ત્યાં તેર જગ્યાએ તૂટે છે.

તાજેતરમાં તાલુકા પંચાયતમાં કારોબારી સમિતિના ચેરમેનપદે વલાસણ સીટના સભ્ય ભગવાનભાઈ ચૌહાણની નિમણુંક કરવામાં આવતા આણંદ તાલુકા પંચાયતના કેટલાક કોંગી સભ્યોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ હતી. આ નારાજગી સાથે આજે તાલુકા પંચાયતના પાંચ કોંગી સભ્યોએ તાલુકા પંચાયત સભ્ય ઠાકોરભાઈ પરમાર તથા તાલુકા વિકાસ અધિકારીને પોતાના રાજીનામા ધરી દેતાં કોંગ્રેસ પક્ષને આંચકો લાગ્યો છે. તાલુકા પંચાયતમાં થયેલી હીલચાલની સીધી અસર આણંદ જિલ્લા પંચાયતમાં પણ થઈ શકે છે.

જિલ્લા પંચાયતમાં અગાઉ શું થયું હતું

આણંદ જિલ્લા પંચાયતમાં સમિતિઓની રચનામાં કોંગ્રેસના જૂના નેતાઓની અવગણના કરાઇ હોવાની બાબતે અસંતોષના પગલે પંચાયતના ચાર સભ્યોએ રાજીનામાં આપી દીધા હતા. જિલ્લા પંચાયતની સિંહોલ બેઠક પરથી ચૂંટાઇ આવેલા વિજ્ઞાત્રીબેન પટેલ, વાસદ બેઠક પરથી ચૂંટાઇ આવેલા ગૌરાંગ પટેલ, નાપા બેઠક પરથી ચૂંટાઇ આવેલા શીતલબેન મહીડાએ સમિતિઓની રચના અંગે અસંતોષ વ્યક્ત કરી પોતાના રાજીનામા ધરી દીધા હતા.

અગાઉ 30 કાર્યકરોએ રાજીનામાં આપ્યા હતા

કોંગ્રેસના પૂર્વ પ્રદેશ પ્રમુખ ભરત સોલંકીના વિસ્તાર અને હાલના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાંના વિસ્તારોની નજીકના આણંદમાં કોંગ્રેસના 30 કાર્યકરોએ અગાઉ 26 ફેબ્રુઆરી 2018માં સામૂહિક રાજીનામાં આપી દીધા હતા.  EVM સમયસર ન આવતાં તેનો વિરોધ કોંગ્રેસના કાર્યકરોએ કર્યો હતો. જેમાં પોલીસે તેમની ધરપકડ કરવાની પેરવી કરતાં કાર્યકરોએ આગોતરા જામીન લીધા હતા. તેમ છતાં ભાજપના આણંદના નેતાઓએ સત્તાનો ગેર ઉપયોગ કરીને અને રાજ્ય ચૂંટણી પંચ ઉપર દબાણ લાવીને ધરપકડ કરાવી હતી. આ અંગે કોંગ્રેસના તમામ નેતાઓને વારંવાર ફોન કર્યાં હતા. ભરત સોલંકી સહિત ફોન ઉપાડ્યા ન હતા. તેથી કોંગ્રેસના કાર્યકરોને લોકઅપમાં જવું પડ્યું હતું. આણંદના MLA કાંતિ સોઢા પરમારને પણ કોંગ્રેસના કાર્યકરોએ મદદ કરવા માટે ફોન કર્યાં અને રૂબરૂ ગયા હતા તેમ છતાં તેમને મળવાનો સમય પણ ન હતો. તેથી 30 લોકોએ રાજીનામાં આપી દીધા છે. એક સામૂહિક પત્ર લખીને આવી વેદના પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજીનાામ આપનારાઓમાં સંજય સોલંકી, જગદીશ સોલંકી, કૃણાલ પટેલ, ઉમેશ પ. પટેલ, ભાઈલાલ શિ. પટેલનો સમાવેશ થતો હતો. કરમસદ શહેર કોંગ્રેસ મહામંત્રી જગદીશ સોલંકીએ પક્ષને જણાવી દીધું હતું  કે આવું વર્તન ચાલુ રહેશે તો બીજા લોકો પણ રાજીનામું આપી દેશે.

સમગ્ર ગુજરાતમાં આવી સ્થિતી

માત્ર આણંદમાં જ આવું થઈ રહ્યું છે એવું નથી સમગ્ર ગુજરાતમાં જ્યાં કોંગ્રેસના સભ્યો આફતમાં હોય તેમને ધમકી આપવામાં આવતી હોય કે સરકાર કે ભાજપના નેતાઓ ખોટી રીતે પરેશાન કરતાં હોય તો પણ મદદ કરવામાં આવતી નથી. તેથી કોંગ્રેસના નેતાઓ નિષ્ક્રિય થઈ જતાં જોવા મળી રહ્યાં છે. છેલ્લું ઉદાહરણ રાજકોટ જિલ્લા પંચાયત અને ગોંડલ તાલુકા પંચાયત છે. જ્યાં કોંગ્રેસના નેતાઓને રાજકીય ગુંડાઓએ ધમકી આપી હોવા છતાં તેમને પ્રદેશ કે જિલ્લા કક્ષાએથી કોઈ મદદ મળી ન હતી. જો અમિત ચાવડા આ  અંગે કોઈ પગલાં નહીં ભરે તો પક્ષ માટે કોઈ હિંમત દાખવશે નહીં અને નિષ્ક્રિય થતાં જશે. તે માટે પ્રદેશ કક્ષાએ કાયદા વીદ્દ અને બાહુબલીઓની એક સમિતિ રચવી જોઈએ તે અણીના સમયે કાયદામાં રહીને મદદ કરે. એવું રાજકોટના કોંગ્રેસના નેતાઓ કહી રહ્યાં છે.