કોંગ્રેસમાં ફરી જૂથવાદ, મોરબી જીલ્લા પંચાયતના 16 બાગીને ગેરલાયક ઠેરવો

મોરબી જીલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં ત્રણ મહિના પહેલાં કોંગ્રેસનો જૂથવાદ જીતી ગયો હતો. પક્ષે આપેલાં આદેશ બાદ 16 બળવાખોર સભ્યો સામે હજુ સુધી આકરા પગલાં લેવાયાં નથી. માત્ર કારણદર્શક નોટિસ આપવામાં આવી છે. ત્યારબાદ કોઈક અગમ્ય કારણોસર તેમને પક્ષમાંથી દૂર કરાયા નથી કે વિકાસ કમિશનર સમક્ષ તેમને પદ પરથી ગેરલાયક ઠેરવવા માટે કોઈ કાર્યવાહી કરવામાં પ્રદેશ પ્રમુખ અમિત ચાલડા ધ્યાન આપી શક્યા નથી.

મોરબી જીલ્લા પંચાયતના કોંગ્રેસના સભ્ય હેમાંગ રાવલે પ્રદેશ કોંગ્રેસ સમક્ષ જે માંગણી કરી હતી તે અંગે કોઈ જ પગલાં ભરાયા નથી. પક્ષ સામે ધાર્યું કરીને પક્ષના જ ઉમેદવારને હરાવી પોતાના ઉમેદવારને જીતાડવા માટે આ કારસ્તાન કર્યું હતું. તેથી તમામ 16 સભ્યોની સામે કાર્યવાહી કરીને તેમને પક્ષમાંથી હાંકી કાઢી સભ્ય પદે ગેરલાયક ઠેરવવા માંગણી કરી તેને પાંચ દિવસ થયા છતાં તેમની સામે અમદાવાદ પ્રદેશ કચેરીએથી કોઈ જ નિર્ણય લેવાયો નથી.

16 સભ્યોની યાદી

1- સોનલ જાકાસણીયા 2- પ્રભુ ઝીઝુવાડીયા, ૩- નિર્મલા મઠીયા 4-  અમુ હુબલ, 5- શારદા માલકિયા, 6- મનીષા સરાવડીયા, 7- ધર્મેન્દ્ર પટેલ, 8- હીના ચાડમિયા , 9- જમાન મેઘાણી, 10- ગીતા દુબરિયા, 11- કિશોર ચીખલીયા , 12- મહેશ રાજકોટિયા, 13- હરદેવ જાડેજા, 14- કુલસુમ બાદી, 15- ગુલામ અમી પરાસરા તથા 16- પીન્કુ ચૌહાણનો સમાવેશ થાય છે.