લોકસભાની ચૂંટણીમાં આ વખતે કોંગ્રેસ બીજા બધા પક્ષો કરતાં ઉમેદવારો પસંદ કરવામાં આગળ છે. કોંગ્રેસે પ્રથમ યાદી જાહેર કરી તેમાં 15 ઉમેદવારોમાં ગુજરાતના લોકસભા 4 ઉમેદવારોના નામ છે. ગુજરાતના બીજા 22 બેઠકના ઉમેદવારોના નામ નક્કી કરી દેવાયા છે. જે 12 માર્ચ 2019 પછી જાહેર કરી દેવાશે. આમ કોંગ્રેસ નવી નેતાગીરીમાં આત્મ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે જે યોજના બનાવી છે તે પ્રમાણે કામ કરે છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાજીવ સાવતેમાં ભરપુર આત્મ વિશ્વાસ જોવા મળી રહ્યો છે. સામાન્ય રીતે એવું બનતું આવ્યું છે કે, ભાજપ હંમેશ આગળ હોય છે પણ હવે તે ચિત્ર ઉલટુ જોવા મળી રહ્યું છે. યાદી તૈયાર છે. કોંગ્રેસની યાદી ભાજપ પ્રમુખ અમિત શાહ પાસે પહોંચી ગઈ હશે. કારણ કે કોંગ્રેસમાં ટોચના નેતા ભાજપના જાસૂસ તરીકે કામ કરે છે.
કઈ ચાર બેઠક, કોણ ઉમેદવાર
ગુજરાતની અમદાવાદ(પશ્ચિમ), આણંદ, વડોદરા અને છોટા ઉદેપુર સીટો પરના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. અમદાવાદ વેસ્ટ સીટ પરથી રાજૂ પરમાર ચૂંટણી લડશે, આણંદથી ભરતસિંહ સોલંકી ચૂંટણી લડશે, વડોદરાથી પ્રશાંત પટેલ ચૂંટણી લડશે, જ્યારે છોટા ઉદેપુરથી રણજીત મોહનસિંહ રાઠવાને ટિકિટ આપવામાં આવી છે. અમદાવાદ પશ્ચિમ બેઠક એવી છે કે જ્યાં ભાજપના ધારાસભ્યો ચૂંટાયા આવતાં રહ્યા છે.
આ 4 બેઠક પર વહેલા ઉમેદવાર જાહેર કરાયા છે. જેમાં વડોદરાને બાદ કરતાં બીજી 3 બેઠક કોંગ્રેસ જીતી શકે તેમ છે. આ તમામ ઉમેદવારોને ચૂંટણીનું આયોજન કરવાનો પુરતો સમય મળી રહે તેમ છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી જાણે છે કે, વહેલા ઉમેદવારો જાહેર કરવાથી ભાજપ પોતાના ઉમેદવારો બલદી શકે છે. તેમ છતાં તેમણે ગુજરાતની આ 4 બેઠક પર સીધો અમિત શાહ અને નરેન્દ્ર મોદીને રાજકીય પડકાર આપી દીધો છે. જેમાં કોંગ્રેસ પ્રમુખની હિંમત જોવા મળી રહી છે.
અમદાવાદ પશ્ચિમ
રાજુ પરમારને અહીંથી કોંગ્રેસે ટિકિટ આપી છે. ભાજપને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે, તેઓ અહીં પોતાના ઉમેદવાર મૂકી રહી છે. કોંગ્રેસ માટે આ બેઠક આ વખતે જીતી શકાય તેમ છે. પણ તે માટે આયોજન કરવું પડે તેમ છે. અમદાવાદ પશ્ચિમ લોકસભા બેઠક પર 7 ધારાસભ્યોમાંથી 4 ધારાસભ્યો ભાજપના છે. જેમાં એલિસબ્રીજ, અમરાઈવાડી, મણીનગર અને અસારવા બેઠક ભાજપ પાસે છે. 3 ધારાસભ્યો દરિયાપુર, જમાલપુર – ખાડિયા અને દાણીલીમડા બેઠક પર કોંગ્રેસના છે. દેશનું શાસન સંભાળવામાં અને લોકોને સુખ ચેન આપવામાં સદંતર નિષ્ફળ રહેલા નરેન્દ્ર મોદી સામે લોકોનો અહીં ભારે રોષ એટલા માટે છે કે અહીં ઉદ્યોગ પતિઓ, મજૂરો અને મુસ્લિમ મતદારો નારાજ છે. આ વિસ્તારમાં વેપારી વર્ગ અને મજૂર વર્ગ મોટા પ્રમાણમાં છે. જો કોંગ્રેસ સારા ઉમેદવાર મૂકે તો મણીનગર અને એલિસબ્રિજને બાદ કરતાં બીજા ધારાસભા વિસ્તારમાં સારો દેખાવ કરી શકે તેમ છે. 2014ની લોકસભા કરતાં અહીં આ વખતે મતદારોનો મૂડ જૂદો છે. તેથી ભાજપ માટે પહેલી વખત પડકાર ઉભો કરીને કોંગ્રેસ જીતી શકે તેમ છે.
આણંદ
આણંદ લોકસભા બેઠક પરની 7 વિધાનસભામાંથી 5 વિધાનસભામાં બોરસદ, આંકલાવ, આણંદ, પેટલાદ અને સોજીત્રા કોંગ્રેસ જીતી છે. જ્યારે ભાજપ ખંભાત અને ઉમરેઠ વિધાનસભા બેઠક માંડ માંડ જીતેલો છે. અહીં પ્રજા માનસ ભાજપ સામે જોવા મળે છે. 2014 જેવી સ્થિતી હાલ જોવા મળતી નથી. અહીં કોંગ્રેસની જીત થઈ શકે તેવો હાલ માહોલ છે. તેથી ભરતસિંહ સોલંકીને અહીં ઉમેદવાર ઊભા કરવાનું નક્કી કરાયું છે. અહીં કોંગ્રેસમાં કોઈ વિવાદ ન હતો અને બીજા કોઈની ઉમેદવારી પણ ન હતી. તેથી કોંગ્રેસના પૂર્વ પ્રમુખને ટિકિટ આપવામાં આવી છે.
વડોદરા
વોદરામાં કોંગ્રેસે પ્રશાંત પટેલને ટિકિટ આપી છે. જે કોંગ્રેસ શહેર પ્રમુખ છે. વડોદરામાં 2014માં મધુસુદન મિસ્ત્રી ઊભા હતા. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંથી ચૂંટાયા હતા અને પછી વારાણસીથી ચૂંટાતા વડોદરા બેઠક પરથી રાજીનામું આપ્યું હતું. આ બેઠક ભાજપની સલામત છે. અહીં કોંગ્રેસના આનેક દાવેદારો હતા તેમ છતાં પ્રશાંત પટેલને ટિકિટ આપવામાં આવી છે. વડોદરા લોકસભા વિસ્તારમાં 7 ધારાસભામાંથી તમામ સાવલી, વાઘોડિયા, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા, રાવપુરા, માંજલપુર વિધાનસભામાં ભાજપના ધારાસભ્ય છે. ગઈ ચૂંટણી નરેન્દ્ર મોદી અહીંથી લડ્યા હતા. તેમણે રાજીનામું આપ્યું હતું. પણ વડોદરા શહેર અને બીજા વિસ્તારો ભાજપ સાથે છે. અહીં કોંગ્રેસના નેતાઓ સારો દેખાવ કરી રહ્યાં છે. પણ જીત તો ભાજપની થાય એવા સંજોગો છે. અહીં મોટાભાગની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ પર ભાજપની પકડ છે.
છોટા ઉદેપુર
લોકસભા વિસ્તારમાં 7 બેઠક માંથી 4 છોટા ઉદેપુર, પાવી જેતપુર, પાદરા અને નાંદોદ વિધાનસભા બેઠક પર કોંગ્રેસના ધારાસભ્યો છે. હાલોલ, સંખેડા અને ડભોઇ એમ 3 ધારાસભ્યો ભાજપના છે. અહીં આ વખતે ભાજપ કોંગ્રેસ વચ્ચે ખેંચતાણ જોવા મળી રહી છે. ભાજપથી નારાજ વર્ષ અહીં છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી અહીંના લોકો બહુ ખુશ નથી. કોંગ્રેસની જીત માટે અહીં આશાવાદ જોવા મળી રહ્યો છે. રણજીત મોહનસિંહ રાઠવાને ટિકિટ આપી છે. અહીં કોંગ્રેસ માટે જીતની શક્યતા છે.
ક્રીનિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસના ગુજરાત પ્રભારી રાજીવ સાતવેએ જણાવ્યું કે ગુજરાત લોકસભા ચૂંટણીની તૈયારી અંતિમ પડાવમાં છે. થોડા સમય પહેલાં પ્રદેશ સિલેકશનની બેઠક મળી હતી, જેમાં બ્લોક, તાલુકા, જિલ્લા, પ્રદેશના નેતાઓ સાથે ચર્ચાઓ થઇ હતી. ત્યારબાદ ઉમેદવારોની અંતિમ સૂચિ તૈયાર કરવામાં આવી છે. ત્યારબાદ ક્રીનિંગ કમિટીની બેઠકમાં પણ ચર્ચા કરવામાં આવી છે. 12 માર્ચે સી.ડબલ્યુ.સી. ગુજરાતમાં મળે ત્યાર બાદ બાદ ઉમેદવારોનું અંતિમ લિસ્ટ બહાર પાડવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસની ક્રીનિંગમાં 26 લોકસભા સીટના ઉમેદવારની પસંદગી પ્રક્રિયાને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ 26 ઉમેદવારોનાં નામ હાઇકમાન્ડ સમક્ષ રજૂ કરવામાં આવશે. મોટાભાગની બેઠક પર એક ઉમેદવાર નક્કી કરી દેવામાં આવ્યો છે. 3-4 સીટ પર બે-બે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા છે.
કોંગ્રેસની પ્રથમ લોકસભા ચૂંટણીના ઉમેદવારોમાં કચ્છમાં જિગ્નેશ મેવાણી, બનાસકાંઠામાં લાલજી દેસાઇ, ગોવા રબારી, દિનેશ ગઢવીના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાટણમાં જગદીશ ઠાકોર, અલ્પેશ ઠાકોર, મહેસાણામાં તુષાર પટેલ, એ. જે. પટેલ અને કિરીટ પટેલ, સાબરકાંઠામાં અશ્વિન કોટવાલ, રાજેન્દ્રસિંહ ઠાકોર, ગાંધીનગરમાં સી. જે. ચાવડા, જયરાજસિંહ પરમાર, અમદાવાદ પૂર્વમાં દીપક બાબરિયા, ડોકટર હિમાન્સુ પટેલ, અમદાવાદ પશ્ચિમ (એસસી) રાજુભાઇ પરમાર, શૈલેશ પરમાર, સુરેન્દ્રનગરમાં સોમાભાઇ પટેલ, ઋત્વિક મકવાણા, પોરબંદરમાં લલિત વસોયા, લલિત કગથરા, જામનગરમાં હાલ નક્કી નથી થયા. જૂનાગઢમાં હર્ષદ રિબડિયા, વિમલ ચૂડાસમા, અમરેલીમાં પ્રતાપ દુધાત, ભાવનગરમાં હાલ નક્કી નથી થયા. દાહોદમાં ડો. પ્રભા તાવિયાડ, બારડોલીમાં તુષાર ચૌધરી, સુરત, નવસારી, વલસાડ અને રાજકોટમાં હાલ ઉમેદવારોની જાહેરાત કરાઇ નથી. તો રાજીવ સાતવે બિનસત્તાવાર રીતે જણાવ્યું કે સી.ડબલ્યુ.સી.ની બેઠકમાં કોંગ્રેસમાં કેટલાક મોટા ચહેરાઓ સામેલ થઇ શકે છે. હાર્દિક પટેલ કોંગ્રેસની સાથે ચૂંટણી લડવા ઇચ્છે તો અમે તેની મદદ કરીશું. સાથે જ અનેક નવા ઉમેદવારોને તક આપવામાં આવી શકે છે.