જાયંટ કિલર પરેશ ધાનાણીએ ફોર્મ ભર્યું

અમરેલી લોકસભા બેઠક પરથી વિપક્ષના નેતા પરેશ ધાનાણીએ પોતાની ઉમેદવારી વિજય મુહૂર્ત 12.39 વાગ્યે કરી હતી. ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા પોતાના માતાના આશીર્વાદ લીધા હતા.

અમરેલી બેઠક પરથી ફોર્મ ભર્યા પહેલા તેમને ભારત બચાવો અભિયાન જન અધિકાર સંમેલન  ‘ભારત બચાવો’ બોલાવી જાહેરસભા ભરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આજે દેશનું સંવિધાન ખતરામાં છે. BJPએ દેશની જનતા સાથે દગો કર્યો છે. પરંતુ હવે જનતા સાથે આવું નહીં થાય, ગુજરાતની લોકસભાની તમામ 26 બેઠક પર કોંગ્રેસનો વિજય થશે. સત્તા પરિવર્તનનો સંદેશ લઈને, ખેડૂતો અને ગરીબોનું સાંભળે એવી દિલ્હીમાં સરકાર બનાવવા માટે અમરેલી આગળ વધે તેવી મારી ઈચ્છા છે. રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીએ અમરેલીનું નેતૃત્વ કરવાની જવાબદારી મને સોંપી છે. કોંગ્રેસના તમામ લોકોની સહમતી બાદ અમરેલી રણસંગ્રામના સેનાપતિની તરીકેની જવાબદારી મારે સંભાળવાની છે.

તેઓનો મુકાબલો ભાજપના ઉમેદવાર નારાણ કાછડિયા સાથે છે. વડાપ્રધાન મોદીએ દેશ અને ગુજરાતની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. રાષ્ટ્રીય નેતૃત્વને જ્યારે જરૂર પડી છે ત્યારે પાયાના કાર્યકર્તાઓને લડવા માટે આગળ ધર્યા છે. લોકશાહી મરી પરવરી છે.

કોંગ્રેસ પાર્ટીએ ગુજરાતના વધુ ચાર નામો જાહેર કર્યા હતા જેમાં અમરેલી, જામનગર, ગાંધીનગર અને સુરેન્દ્રનગર લોકસભા બેઠકનો સમાવેશ થાય છે. તે અમરેલી બેઠક પર પરેશ ધાનાણીના નામની પસંદગી થઈ છે. અમરેલીથી વિરોધ પક્ષના નેતા અને અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણીના નામ સિવાય જામનગર બેઠક પર કોંગ્રેસે મુરુ કંદોદીયાને ટિકિટ આપવામાં આવી છે. ગાંધીનગરથી સી.જે.ચાવડાને ટિકિટ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે, જ્યારે સુરેન્દ્રનગર બેઠક પરથી સોમા પટેલને ટિકિટ આપવાનું નક્કી થયું હોવાની વાત સામે આવી રહી છે.

અમરેલી લોકસભા ચૂંટણીજંગમાં ભાજપનાં ઉમેદવાર નારણભાઈ કાછડીયાને પછડાટ આપવા માટે અંતે કોંગી હાઈકમાન્‍ડે તેમના ભાથામાં રહેલ પરેશ ધાનાણી નામનાં બ્રહ્માશસ્‍ત્રને ઉતારીને હરીફ પક્ષ ભાજપને રક્ષણાત્‍મક સ્‍થિતિમાં મુકી દીધો છે. જેનીબેન ઠુંમર, પ્રતાપ દુધાત, સુરેશ કોટડીયા અને જે.વી. કાકડીયાને બદલે કોંગી હાઈકમાન્‍ડે પરેશ ધાનાણીને ચૂંટણીજંગમાં ઉતાર્યા છે.

વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ અમરેલી જિલ્‍લા ભાજપનાં કદાવર નેતાઓ રૂપાલા, સંઘાણી અને ઉંઘાડને પરાજિત કરીને અમરેલી જિલ્‍લામાં ભાજપને પરેશાન કરી ચુકયા છે. હવે સાંસદ કાછડીયાને પરાજિત કરશે તો, અમરેલી જિલ્‍લો ભાજપ મુકત બની જશે. કાછડિયા સામે ભારે વિરોધ પ્રજા અને પક્ષ કરી રહ્યા છે.

પરેશ ધાનાણી પ્રથમ વખત અમરેલી વિધાનસભામાં 2002માં ચૂંટણી લડ્યા હતા. તેઓ હાલના કેન્‍દ્રીય કૃષિ રાજ્ય પ્રધાન પરશોતમ રૂપાલા સામે ચૂંટણીજંગમાં પરાસ્ત કર્યા હતા. 2007માં પૂર્વ કૃષિ પ્રધાન દિલીપ સંઘાણી સામે હાર થઈ હતી. 2012માં પરેશ ધાનાણી જીત્યા હતા. 2017માં પક્ષપલટુ બાવકુ ઉંધાડને પણ હરાવ્યા હતા. પરેશ ત્રણ વખતથી ધારાસભ્ય છે. તેથી તેઓ જાયન્‍ટ કિલર બની ગયા હતા.