કોંગ્રેસના તાલાલાના ધારાસભ્ય ભગા બારડનું ધારાસભ્ય પદ સસ્પેન્ડ કરવામાં કોંગ્રેસે આજે રાજ્યવ્યાપી ધરણા કરીને વિરોધ કર્યો હતો. કોંગ્રેસના આ વિરોધ પર ભાજપના પ્રદેશ પ્રવક્તા ભરત પંડ્યાએ પ્રતિક્રિયા આપી હતી.
ભરત પંડયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસનાં ધારાસભ્ય ભગા બારડની રૂપિયા 2.83 લાખના ખનીજ ચોરી મામલે નામદાર કોર્ટે તેમને પોણા 3 વર્ષની સજા કરી છે. નામદાર કોર્ટે કાયદા મુજબ ચુકાદો આપ્યો છે. સુપ્રિમ કોર્ટનાં 10 જુલાઈ, 2013માં લીલી થોમસનાં ચુકાદામાં 1951ના લોકપ્રતિનિધિત્વ ધારામાં ચૂંટાયેલા પ્રતિનિધિને કોઈ પણ કેસમાં બે વર્ષથી વધુની સજા તો આપોઆપ તેમનું સભ્યપદ રદ થાય છે. 13 ઓકટોબર, 2015ના ચૂંટણી પંચનાં પરીપત્ર મુજબ સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીએ નિયમ મુજબ ધારાસભ્ય પદ રદ કરવાનો નિર્ણય કર્યો છે, તો કોંગ્રેસ ધરણા કેમ કરે છે? કોંગ્રેસ 2.83 લાખની ખનીજચોરીની તરફેણમાં ધરણાં કરે છે કે, પછી નામદાર કોર્ટ સામે ધરણા કરે છે? કોંગ્રેસ આતંકવાદ સામે કેમ ધરણાં નથી કરતી? શહિદો માટે શ્રધ્ધાંજલીના કાર્યક્રમો કે ધરણા કેમ નથી કરતી? કોંગ્રેસ પ્રજાના પ્રશ્નો માટે ધરણાં નથી કરતી અને ખનીજ ચોરી માટે ધરણાં કરે છે. શું આ કોંગ્રેસનું ચાલ ચરિત્ર છે? કોંગ્રેસનાં ધરણાં એ શરમજનક ધરણાં છે.
ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ કયાં મોંઢે બંધારણ કે સંવિધાનની વાત કહે છે? 1995માં ભાજપની સરકાર ઉથલાવવાનું પાપ કોણે કર્યું હતું? રામમંદિર મુદ્દે ભાજપની ચાર સરકારોને 356ની કલમથી કોંગ્રેસે દૂર કરી હતી. ત્યારે કોંગ્રેસે બંધારણ યાદ નહોતું આવ્યું? જે કોંગ્રેસે 356 કલમનો 50થી વધુ વાર દૂરુપ્રયોગ કર્યો છે, તે કોંગ્રેસનાં મોંઢે બંધારણની વાત શોભતી નથી. કોંગ્રેસનાં ખનીજચોરીનાં તરફેણના ધરણા શરમજનક છે. કોંગ્રેસ રાજકીય આક્ષેપ બંધ કરીને નામદાર કોર્ટ સામે ધરણા કરવાને બદલે કોંગ્રેસે હાઈકોર્ટમાં કે સુપ્રિમકોર્ટમાં જવું જોઈએ
ભરત પંડ્યાએ વધુમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ ભાજપ પર રાજકીય જુઠ્ઠા આક્ષેપ કરે છે ત્યારે અમારે કહેવું પડે છે કે, ખરેખર તો આ કોંગ્રેસની અંદરોઅંદરની તીવ્ર જુથબંધી છે. કોંગ્રેસનાં ધારાસભ્ય ભગા બારડને કોંગ્રેસના જીલ્લાનું અને પ્રદેશનું કયું ગૃપ તેમને વિધાનસભાની ટીકીટ મળે તેમ નહોતું ઈચ્છતું? જીલ્લા કે પ્રદેશનું કયું ગૃપ તેમને સપોર્ટ કરતું નથી? તે રાજકીય બાબત છે અને તે કોંગ્રેસનો અંદરનો મામલો છે તે મામલે વિશેષ કઈ કહેવું નથી.
ભરત પંડ્યાએ અંતમાં જણાવ્યું હતું કે, કોંગ્રેસ બાબુ બોખીરીયાનાં કેસમાં કાયદાની કયા કલમ અને નિયમનાં આધારે આક્ષેપ કરે છે? તે બતાવે. બાબુ બોખીરીયાનો કેસ 2013 સુપ્રિમનાં ચુકાદા અને ચૂંટણીપંચનાં 2015ના પરીપત્ર પહેલાંનો છે. તેમને તે સમયે સ્ટે આપવામાં આવ્યો હતો અને પછી સુપ્રિમ કોર્ટમાં નિર્દોષ છૂટ્યાં હતાં. જયરાજસિંહ જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેઓ પછી ધારાસભાની ચૂંટણી પણ લડી શકયા ન હોતા. સ્પીકરએ નિયમ મુજબ તટસ્થતાપૂર્વક કોંગ્રેસનાં ધારાસભ્યનાં સભ્યપદને રદ કરવાનો નિર્ણય લીધો છે. તેમ છતાંય કોંગ્રેસ પાસે કોઈ મુદ્દા નથી એટલે માત્ર રાજકીય જુઠ્ઠાં આક્ષેપ કરે છે.