ગાંધીનગર : ગુજરાત વિધાનસભાના સત્રમાં વિરોધપક્ષ સંખ્યાની દ્રશ્ટીએ મજબૂત છે, 71 ધારાસભ્યો ભાજપ સરકારને પ્રજા વિરોધી નિર્ણયો લેતા અટકાવી શકે છે. પરંતુ કોંગ્રેસની આંતરિક જૂથબંધી એટલી વ્યાપક છે કે, તે હોળીમાં ધારાસભ્યો સળગી રહ્યાં છે. વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા પોતાના જ ધારાસભ્યોને યોગ્ય રીતે રાહ બતાવી શકતા નથી. દિશાશૂન્ય બની ગયેલા ધારાસભ્યો સારું પ્રદર્શન કરી શકે તેમ નથી. તેથી સીધો ફાયદો ભાજપ ઉઠાવે છે.
50 ધારાસભ્યો નિરાધાર
ગુજરાત કોંગ્રેસના 71 પૈકી 50 ધારાસભ્યો એવા છે કે જેમને પાર્ટીના પ્રદેશ આગેવાનો આદરભાવથી બોલાવી પણ શકતા નથી. વિધાનસભાનું સત્ર હોય ત્યારે કોંગ્રેસના પ્રદેશ નેતાઓને ધારાસભ્યો યાદ આવે છે, પરંતુ ચાલુ દિવસોમાં ધારાસભ્યો સાથે લંચ કે ડિનર લીધું હોય તેવું છેલ્લા ઘણાં વર્ષોથી ધારાસભ્યોને યાદ નથી. પ્રદેશ એકમ ધારાસભ્યોને નહીં સાચવે તો એક સમય એવો આવશે કે કોંગ્રેસના ચૂંટાયેલા ધારાસભ્યોના જોરે ભાજપ સત્તા હાંસલ કરશે, જે અત્યારે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં સત્તા ભોગવી રહી છે. કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં પણ તેમના ચૂંટાયેલા સભ્યોની અવગણના કરી છે પરિણામે પ્રત્યેક ચૂંટણી પછી અથવા તો પ્રત્યેક હોદ્દેદારની નિયુક્તિ સમયે કોંગ્રેસના સભ્યો ભાજપને સપોર્ટ કરતા જોવા મળ્યા છે.
પક્ષાંતર દુષણ
ગુજરાતમાં વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને 77 બેઠકો મળી હતી. ભાજપની ખાડે ગયેલી નૈતિકતા અને પ્રદેશ કોંગ્રેસના નબળા નેતાઓના કારણે 6 સભ્યો લોભ અને લાલચથી ભાજપમાં જોડાઇ ગયા છે. 5 સભ્યોને ભાજપની સરકારે 24 કલાકમાં કેબિનેટ મંત્રી બનાવી દીધા છે. ગુજરાતમાં કોંગ્રેસના મજબૂત ધારાસભ્યો હતા તેમને ભાજપે અનૈતિક રીતે તેના પક્ષમાં પક્ષાંતરીત કરાવી દીધા છે.
હજું 5 ધારાસભ્યો તૂટશે ?
રાજ્યસભાની ચૂંટણી પહેલાં અથવા તો પછી કોંગ્રેસના પાંચ થી સાત ધારાસભ્યોને ભાજપમાં પક્ષાંતર કરાવવા તખ્તો ઘડાઇ ચૂક્યો છે. જો તેમ થશે તો કોંગ્રેસની સભ્યસંખ્યા ઘટીને 65 થઇ જશે. કોંગ્રેસને એક પછી એક ફટકા આપ્યા છે. કોંગ્રેસ મુક્ત ગુજરાત કરવા ભાજપ આ રીતે કામ કરી રહી છે. પણ ભાજપ પોતે કોંગ્રેસ યુક્ત બની ગયો છે. ભાજપના સિદ્ધાંતો અને કેડરબેઝ પાર્ટીની ઘોર ખોદાઇ ગઇ છે. ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે. જો કોંગ્રેસના નેતાઓ સજાગ હોત તો આ સ્થિતી ઊભી ન થઈ હોત. એવું 50 ટકા ધારાસભ્યો માની રહ્યા છે. 12 ધારાસભ્યો એવા છે કે જેમને પક્ષાંતર કરવાની સારી રકમ સાથે ઓફર હતી પણ પક્ષના હિત ખાતર તેઓએ પક્ષાંતર કર્યું નથી. કોંગ્રેસના હાઇકમાન્ડની વારંવારની ચેતવણી છતાં પ્રદેશ કોંગ્રેસના નેતાઓ તેમના ધારાસભ્યોને સાચવી શકતા નથી.
ગુજરાતની 2017ની રાજ્યસભાની ચૂંટણીએ લોકશાહીના તમામ સારી બાબતોનું વસ્ત્રાહરણ કરી દીધું છે. ચૂંટણી તમાશો બની ગઇ હતી. આખા દેશે તેની નોંધ લીધી હતી. ધારાસભ્યોને ખરીદ વેચાણનું બજાર બનાવી દેવાયું હતું. તે માટે ભાજપના દિલ્હીના નેતા જેટલા જવાબદાર છે તેટલા જ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા અને પરેશ ધાનાણી જવાબદાર છે.
રિકોલનો કાયદો લાવો
ધારાસભ્યોનું ખરીદ-વેચાણ થાય તે પહેલાં ગદ્દાર સભ્યને રાઇટ ટુ રિકોલ જેવો કાયદો બનાવીને મતદારોએ પાછો બોલાવીને તેને મળેલા તમામ હક્ક છીનવી લેવા જોઇએ. એવી માંગણી કોંગ્રેસે કરવી જોઈતી હતી અને વિધાનસભામાં તેનું બિલ લાવવાની જરૂર હતી. જે પાર્ટીમાંથી ચૂંટાયેલો સભ્ય હોય તે પાર્ટીને સભ્ય વફાદાર ન રહે તો તેને બીજી પાર્ટીમાં જઇને સત્તા પર ચાલુ રહેવાનો કોઇ અધિકાર ન રહે એવું બિલ કોંગ્રેસે લાવવું જોઈતું હતું. પણ કોંગ્રેસ તેમ કરી શકી નથી.
તો સરકાર કોંગ્રેસની હોત
ગુજરાતમાં 2017માં કોંગ્રેસ સત્તાને સત્તા મળી શકે તેમ હતી. 25 એવા ઉમેદવારો ચૂંટણી હાર્યા છે કે જેમને પછાડવા માટે પક્ષના જ કાર્યકરો કામ કરતાં હતા. જેઓ જીત્યા હોત તો આજે ગુજરાતમાં ભાજપની નહીં કોંગ્રેસની સરકાર બની હોત. વરિષ્ઠ નેતાઓએ નિષ્ક્રિય રહીને પક્ષને મોટું નુકશાન કર્યું છે.