ગુજરાત વિધાનસભા ચૂંટણી વખતે અને ત્યાર બાદ રાહુલ ગાંધી ગુજરાતમાં એક વખત આવ્યા બાદ હવે તેઓ ફરી ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. કારણ કે વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને મોટો ફટકો આપીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહને મોટી પછડાટ આપી હતી. આ બન્ને નેતાઓની કર્મભૂમિ ગુજરાત હોવાથી રાહુલ ગાંધી હંમેશ ગુજરાતને રાજકીય રીતે મહત્વ આપી રહ્યાં છે.
કોંગ્રેસના ઊંઝાના ધારાસભ્ય આશા પટેલે રાજીનામું આપી દીધા બાદ અને પ્રિયંકા ગાંધી કોંગ્રેસમાં હોદ્દેદાર બન્યા બાદ રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત મહત્વની બની રહે છે. વિધાનસભાની ચૂંટણી પૂરી થઈ ત્યાર બાદ 13 મહિનામાં વડાપ્રધાન મોદી 8 વખત ગુજરાત આવ્યા છે અને અમિત શાહ 15 વખત ગુજરાત આવ્યા છે.
રાહુલ ગાંધી ગુજરાત આવીને લોકસભાની ચૂંટણીનો પડકાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહને આપશે. કોંગેસ પ્રમુખ રાહુલ ગાંધી 15 અને 16 ફ્રેબુઆરીએ અમદાવાદ આવશે. તેઓ નરેન્દ્ર મોદી, અમિત શાહ અને નિતીન પટેલના વતન ઉત્તર ગુજરાતમાં સભા સંબોધે એવી શક્યતા કોંગ્રેસના સૂત્રો બતાવી રહ્યાં છે. આ અંગે સત્તાવાર જાહેરાત હજુ બાકી છે.
ઉત્તર ગુજરાતના મહેસાણા, ઊંઝા અને બેચરાજીમાં સભાને સંબોધશે. તેઓ દેવ દર્શને પણ જશે. હજુ આ સત્તાવાર જાહેરાત નથી પરંતુ ટૂંક સમયમાં જ સમય, સ્થળ અને તારીખ સત્તાવાર જાહેર થઈ શકે છે. જે અંગેનો કાર્યક્રમ તૈયાર થઈ રહ્યો છે. વિધાનસભાની ચૂંટણીમાં ઉત્તર ગુજરાતની નરેન્દ્ર મોદી અને અમિત શાહના વતનની બન્ને બેઠકો કોંગ્રેસે જીતી હતી. ભાજપ કરતાં કોંગ્રેસની બેઠક વધું આવી હતી.
રાહુલ ગાંધીએ ભાજપની જેમ ગુજરાતને એક પ્રયોગ ભૂમિ તૈયાર કરી છે અને તેઓ દેશમાં જે રીતે નરેન્દ્ર મોદીને પડકાર આપી રહ્યાં છે તેની ચૂંટણીની શરૂઆત હવે વડાપ્રધાન મોદીના વતનથી શરૂ કરશે. છેલ્લાં કેટલાંક વર્ષોથી તેઓ ગુજરાતમાં નવું કરી રહ્યાં છે. તેમણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં એક પરિપક્વ નેતા તરીકે પ્રચાર કરીને દેશના નેતા પ્રસ્થાપિત થયા હતા. ત્યાં સુધી ભાજપના લોકો તેમને પપ્પુ કહેતાં હતા. પણ ગુજરાતની ચૂંટણીમાં અમિત શાહ અને મોદી 150 બેઠકોથી વધું બેઠક જીતવાનું જાહેર કર્યું હતું પણ 100ની અંદર બેઠક ભાજપને આવી હતી. ત્યારથી રાહુલ ગાંધી એક ઉમદા અને મજબૂત નેતા તરીકે બહાર આવતાં ભાજપ માટે મોટો પડકાર બની રહ્યાં છે.
ગુજરાતમાં લોકસભાની 26 બેઠકોમાંથી 2014માં ભાજપે જીતી હતી. આ વખતે અડધી બેઠકો – 13 બેઠક પર ભાજપને ખતરો છે. નરેન્દ્ર મોદી અને અમિત શાહ જે રીતે હમણાંથી ગુજરાતમાં વારંવાર આવી રહ્યાં છે તે બતાવે છે કે ગુજતારમાં મોટો ખતરો છે. ભાજપ માટે ખતરો એ કોંગ્રેસ માટે મોકો ગણવામાં આવી રહ્યો છે.
રાહુલ ગાંધી ઉત્તર ગુજરાતમાં આવી રહ્યાં હોવાનું જાસૂસી સંસ્થા દ્વારા અહેવાલ સરકારને આપવામાં આવતાં આશા પટેલનું ઓપરેશન એક મહિનાથી ચાલી રહ્યું હતું તે એકાએક ઝડપી બનાવીને 24 કલાકમાં જ ભાજપના કે સી પટેલને જાહેરાત કરવા માટે કહેવામાં આવ્યું હતું. જેના ભાગરૂપે ઓપરેશન આશા પૂરું કરવામાં આવ્યું હોવાનું કોંગ્રેસના સૂત્રો માની રહ્યાં છે.
(દિલીપ પટેલ)