કોંગ્રેસ માટે રેકોર્ડ બ્રેક મતો નીકળવા જોઈએ, જસદણ ભાજપના નેતા

જસદણમાં કુંવરજીભાઈનો પ્રચાર કરી રહેલા ભાજપના જ એક નેતા અને આ બેઠક પર ધારાસભ્ય રહી ચુકેલા ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં જાહેર મંચ પરથી ભાંગરો વાટતા કોંગ્રેસને રેકોર્ડબ્રેક મતો આપવાની વાત કહી નાંખી હતી.
લોકોને સંબોધિત કરી રહેલ ભરત બોઘરાએ કુંવરજીભાઈની હાજરીમાં એક જાહેર મંચ પર કહી નાંખ્યું કે, “કુંવરજીભાઈ બાવળિયાને જીતાડવાના છે. જેવી રીતે મને જસદણની જનતાએ પ્રેમ આપ્યો હતો તેવો જ પ્રેમ આપવાનો છે. આપણને મોટા ગજાના નેતા મળ્યા છે. અહીંથી કોંગ્રેસ માટે રેકોર્ડ બ્રેક મતો નીકળવા જોઈએ.

હું કોંગ્રેસને કાયમ કહેતો આવ્યો છું કે તમને નેતાઓની કિંમત કરતા આવડતી જ નથી જ્યારે ભારતીય જનતા પાર્ટી નેતાઓને ખભે બેસાડીને ફરે છે. તમે કુંવરજીભાઈ જેવા નેતાની 25 વર્ષની કારકિર્દીની કદર કરી નથી . અમને આ માણસની તાકાતની ખબર છે, માટે જ અમે તેમને કેબિનેટ મંત્રી બનાવ્યા છે. લોકશાહીના આ યજ્ઞમાં 90 ટકા મતદાન કરાવવાની જવાબદારી તમારા બધા લોકોની છે.