કોંગ્રેસે અમારા માટે તમામ દરવાજા બંધ કરી દીધા છે, પરંતુ જો તે તેના દરવાજા ખુલ્લા મૂકી પોતાના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણનો સમાવેશ કરશે અને સંઘના કાર્યકરોને કોંગ્રેસમાં સામેલ થવા દેશે તો અમે તેને સમર્થન આપવા વિચારીશું. તેમ વિશ્વ હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ આલોકકુમારે જણાવ્યું હતું. રામમંદિરના મામલે જે પાર્ટી અમને સકારાત્મક સંકેત આપશે તેની સાથે અમે જઈ શકીએ છીએ. કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિર નિર્માણને સામેલ કરશે તો અમે તેને સમર્થન આપવા વિચારણા કરી શકીએ છીએ.
કોંગ્રેસને સમર્થન આપવાના મામલે વિહિપે તરત જ ગુલાંટ મારી હતી. આલોકકુમારે સ્પષ્ટતા કરતાં જણાવ્યું હતું કે, કોંગ્રેસને સમર્થન આપવાનો સવાલ નથી. મારાં નિવેદનનો ઊંધો અર્થ કાઢવામાં આવ્યો છે. કોંગ્રેસમાં બદલાવ આવે અને તેને સમર્થન આપવું એક અશક્ય સવાલ છે. જો કોંગ્રેસ તેના ચૂંટણી ઢંઢેરામાં રામમંદિરને સામેલ કરે તો અમે તેનું સ્વાગત કરીશું પરંતુ કોંગ્રેસને સમર્થન આપવાનો સવાલ જ ઊઠતો નથી.
રામમંદિર નિર્માણ મુદ્દે આરએસએસ સતત ભાજપ સરકાર પર દબાણ વધારી રહ્યો છે. સંઘના વરિષ્ઠ પ્રચારક ઇંદ્રેશકુમારે જણાવ્યું હતું કે, સરકાર બજેટ સત્રમાં રામમંદિર નિર્માણ પર સંસદમાં ચર્ચા કરાવે. અયોધ્યામાં રામમંદિર કેવી રીતે બને તે મુદ્દા પર તમામ રાજકીય પાર્ટીઓના સાંસદો ગૃહમાં પોતાના વિચાર રજૂ કરે. જે લોકો મંદિર નિર્માણનો વિરોધ કરી રહ્યા છે તેઓ પણ પોતાની દલીલો સંપૂર્ણ તથ્ય સાથે રજૂ કરે. અગાઉ જ્યારે ખોદકામ કરાયું ત્યારે મસ્જિદના કોઈ પુરાવા મળ્યા નથી જ્યારે મંદિરના પુરાવા મળી આવ્યા છે. દેશના એક પણ મુસ્લિમે તે સ્થળે નમાઝ અદા કરી નથી.