22 સપ્ટેમ્બર 2018માં ગુજરાત સરકારના રાજ્યકક્ષાના મંત્રી દિલીપ ઠાકોરે તેમની પુત્રવધુ જુમાબેન ઠાકોર અને પૌત્રી હિર સાથે ઘરમાંથી કાઢી મુકતા પિડિત મહિલાએ ન્યાય માટે સસરા મંત્રી વિરુદ્ધ સામાજિક યુદ્ધ શરૂ કર્યું છે. કેબિનેટ મંત્રી દિલીપ ઠાકોર પર તેમની પુત્રવધુ જૂમાબહેન ઠાકોરે પતિ, સાસુ અને સસરા પર શારીરિક-માનસિક ત્રાસ ગુજારવાના ગંભીર આક્ષેપ લગાવ્યા છે. જુમાબહેનને પુત્રીનો જન્મ થતાં સાસરિયાઓએ ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. મૂળ અમદાવાદના વતની એવા ત્રીજી પીડિત પત્ની અને તેના પિયરપક્ષના લોકોએ જાહેરમાં આવીને જાહેર મંચ પરથી એક રાજકીય પરિવારના અત્યાચારનો વિરોધ કર્યો છે.
જુમાબેનની જુબાની
મારા પિતાનું નામ શીલાજી ઠાકોર છે. હું 11 ધોરણ સુધી ભણી છું. મેં હારીજ તાલુકાના ગાંતરવાડા ગામે મંત્રી દિલીપ ઠાકોરના પુત્ર મેતિષ સાથે સમાજની હાજરીમાં લગ્ન કર્યા હતા. શરૂઆતમાં મને મારા સાસરા અને સારીયા પક્ષ તરફથી ખૂબજ સારૂં રાખતાં હતા. કોઈ વાતે દુઃખ થાય નહીં તેનું બરાબર ધ્યાન રાખતાં હતા. મારી કૂંખે એક દીકરી હિરનો જન્મ થયો ત્યાર બાદ થોડા સમય પક્ષી મારા સસરા પક્ષનું વર્તન બદલાઈ ગયું હતું. મને ધીમે ધીમે માનસિક ત્રાસ આપવાનું શરૂ થયું હતું. પણ સમાજમાં માતા પિતાની આબરૂ ન જાય તે માટે જાહેરમાં કોઈને કહ્યું ન હતું. ઘરની વાત બહાર શા માટે કરવી જોઈએ. સહન થાય ત્યાં સુધી સહન કર્યું મારા માતા પિતાને પહેલી વખત બધી વાત કરી હતી. મારા પિતા દિલીપ ઠાકોર પાસે ગયા હતા અને મારી સાથે આવું વર્તન નહીં કરવા સમજાવ્યા હતા. તેમ છતાં સસરા પક્ષ સમજવા તૈયાર ન હતો. સાસુ, નણંદ મને બેહદ ત્રાસ આપવા લાગ્યા હતા. છ મહિના સુધી મારા જ ઘરમાં મને એકલતા ભર્યું જીવન જીવવા મજબૂર કરી હતી. ઘરની ચાર દિવાલ વચ્ચે મને મારી સાસુ અને નણંદએ બોલાવવાનું આખરે બંધ કરી દીધું હતું. મારા પતિ મિતેશને આ બધી જ વાત કહી હતી. મારો પક્ષ લેવાના બદલે મારા પતિએ મને જ ખરાબ બોલવાનું શરૂ કરી દીધું હતું. મારી નણંદનો ત્રાસ વધી ગયો હતો, હવે તે મારઝુડ કરવા લાગી હતી. મને ઘરમાં પુરીને મારવામાં આવતી હતી. આ અત્યાચાર મારાથી સહન થઈ શક્યો નહીં. તેથી મારી દીકરી હિરને લઈને ઘર છોડી દીધું હતું. મને અને મારા માતા પિતાને અનેક વખત ધમકી મળી છે. મારા સસરા રાજકીય વગ ધરાવતાં હોવાથી હું કંઈ જ કરી શકી ન હતી. મેં હિંમત બતાવીને પોલીસ મથકે ફરિયાદ કરવા ગઈ હતી. પરંતુ મારી ફરિયાદ લેવામાં આવી ન હતી.
તેથી મેં ઘરની વાત જાહેર કરવાનું નક્કી કર્યું હતું. ક્યાં સુધી મારે અત્યાચાર સહન કરવાના. હું એકલતા ભર્યું નિરાધાર જીવન જીવી રહી છું. સરકાર બેટી બચાવોની વાત કરે છે તો હું પણ ગુજરાતની એક બેટી જ છું. મને આ આફતમાંથી બચાવો. મેં બધી વાત પત્રકારો સમક્ષ જાહેર કરવાનું નક્કી કર્યું હતું. કારણ કે મને ન્યાય જોઈએ છે. આ સમગ્ર વાત તેમણે પત્રકારો સમક્ષ જાહેર કરી.
છૂટાછેડા લેવા માટે તેના સસરા દિલીપ ઠાકોર અને તેમના પુત્ર મિતેશ સતત ધમકીઓ આપી રહ્યા છે. આ અંગે પોલીસમાં ફરિયાદ કરી પરંતુ પોલીસ દ્વારા કોઈ જ કાર્યવાહી કરાઈ નથી. સસરા મંત્રી હોવાના કારણે પોલીસ પણ ફરિયાદ લેતી ન હતી. આથી અમે દિયોદર કોર્ટમાં ફરિયાદ કરી છે. તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની મદદ ન મળતાં જૂમાબેને નક્કી કર્યું છે તેને જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી બનાસકાંઠામાં મંત્રી દિલીપ ઠાકોર જ્યાં પણ સરકારી કાર્યક્રમ કરશે ત્યાં પોતાના સસરા સામે દેખાવો કરશે.
ભાજપના દેશભરના નેતાઓ પુત્રીના જન્મના વધામણાની વાતો કરે છે ત્યારે તેમના જ મંત્રીના ઘરે પુત્રીજન્મને કારણે પુત્રવધુ પર ત્રાસ ગુજારવાનો આક્ષેપ થયો છે. ભાજપ સરકારના પ્રધાન દિલીપ ઠાકોર સરકારના કાર્યક્રમોમાં “બેટી બચાવો બેટી પઢાવો” ના પોકારો કરે છે અને ધાર્મિક કાર્યક્રમોમાં સંસ્કારોની શીખ આપવા નીકળી પડે છે. જ્યારે ખુદની પુત્રવધુ ને ત્રાસ આપે છે.
મંત્રીના પુત્ર મિતેશે પણ 3 લગ્ન કર્યાં છે. અને ત્રણેય વખત પુત્રીજન્મ થતાં ત્રણેય પુત્રવધુઓને પુત્રી સાથે ઘરમાંથી કાઢી મુકવામાં આવી હતી.
પુત્રવધુ જુમાબહેને જણાવ્યું કે, દિકરીનો જન્મ થયા પછી મારી નણંદ, મારી સાસુ, મારા સસરા, મારા પતિ સહિત બધા જ મને ત્રાસ આપવા લાગ્યા હતા. મને એમ કહેતા હતા કે, મને રાખવાનો તેમનો ઈરાદો નથી. મને શારીરિક અને માનસિક રીતે ખુબ જ ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. આથી, કંટાળીને મેં ન્યાય માટે અરજી કરી છે.
મિતેષના પહેલાં બે લગ્ન કોની સાથે
મિતેષ ઠાકોરના પ્રથમ લગ્ન પાલનપુરમાં ઠાકોર સમાજની દીકરી સાથે થયા હતા તેને ઘરમાં દીકરીનો જન્મ થતા છૂટાછેડા અપાયા હતા.
મિતેષ દિલીપ ઠાકોરે થોડાં વર્ષો પછી કોતરવાડામાં બીજા લગ્ન કર્યા હતા. 2 વર્ષ પછી ઘરમાં દીકરીનો જન્મ થતા દિલીપ ઠાકોરનો આખો પરિવાર માતા અને દીકરીને હેરાન કરી માનસિક ત્રાસ આપી ઘરમાંથી કાઢી મૂકી હતી. મિતેષ ઠાકોર બીજા લગ્નના છુટાછેડા આપ્યા વગર ફરી થોડા વર્ષો પછી અમદાવાદના એક પરિવારની દીકરીને ઘરમાં લાવ્યા હતા. તેની કૂખે પણ દીકરીનો જન્મ થતા એને પણ દિલીપ ઠાકોરના આખા પરિવાર દ્વારા માનસિક ત્રાસ આપી હેરાન કરવાનું ચાલુ કર્યું હતું.
ત્રણ પૌત્રીઓમાંથી એક પણને પોતાની પાસે ન રાખી
ભાજપના પ્રધાન દિલીપ ઠાકોર, દીકરા મિતેષ ઠાકોર, દીકરી સોનલ ઠાકોર અને પત્ની જમના ઠાકોર સાથે મળી પુત્રવધૂઓની જિંદગી બરબાદ કરી હતી. દિલીપ ઠકોરને ત્રણ પૌત્રીઓ છે જેમાંથી એક પણ પૌત્રીને તેમણે પોતાની સાથે રાખી નથી. ઠાકોર સમાજની દીકરીઓ સાથે રમત રમી ઠાકોર સમાજની 3 દીકરીઓ અને એમની 3 બાળકીઓ કુલ મળી 6 દીકરીઓની જિંદગી બરબાદ કરી છે. દિલીપ ઠાકોરના પરિવારે સાથે મળી કુલ 7 બહેન દીકરીઓ અને માતાની જિંદગી બરબાદ કરી છે અને હજુ સમાજની ગરીબ દીકરીઓની જિંદગી બરબાદ કરવાનું કામ આ લોકોનું ચાલુ રાખતા તેમની પુત્રવધૂએ ખુલ્લા પાડ્યા હતા.
અંબાજી મેળામાં વિરોધ
25 સપ્ટેમ્બર 2018માં દિયોદર તાલુકાના સણાદર ગામે મીની અંબાજીના મેળાનો પ્રારંભ કરાવવા પહોંચેલા ભાજપની રૂપાણી સરકારના પ્રધાન દિલીપ ઠાકોરનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમની કારને ઘેરી લેવામાં આવી હતી. ભાજપ સરકારે વિરોધ કરનારાઓને સાંભળવાના બદલે તેમને ધૂત્કારી કાઢ્યા હતા. વિરોધ કરી રહેલા લોકો ઉપર લીઠા ચાર્જ કરવાનો હુકમ સરકારે પોલીસને આપતાં લાઠીચાર્જ કરાયો હતો. લોકો ભયના માર્યા દોડવા લાગ્યા હતા. સરકારના જુલમનો માહોલ સર્જાયો હતો. મંત્રી દિલીપ ઠાકોર સમક્ષ જવાબ માગવા ગયેલા તેમના પુત્રવધુને પોલીસે ઘેરી લીધા હતા. દિલીપ ઠાકોરના પુત્રવધૂ સહિત 16 લોકોની અટકાયત કરી હતી. “મારો શું વાંક” કહીને જવાબ માગવા જઇ રહેલી પોતાની પુત્રવધૂ માટે ખરાબ વર્તણુંક કરવામાં આવી હતી. વહેલી સવારથી જ પ્રધાનની સુરક્ષા માટે જંગી પોલીસ ફોજ ખડકી દેવામાં આવી હતી. સામાજિક અને રાજકીય અન્યાથી પીડાઈ રહેલી પુત્રવધૂ તથા તેમના પરિવારજનો અને ઠાકોર સમાજના કાર્યકરો પોલીસની કાર્યવાહીથી રોષે ભરાયા હતા. કાર્યકરોએ મંત્રી સામે હાય- હાય ના નારા લગાવ્યા હતા. દિયોદર તાલુકાના કોતરવાડા ગામની યુવતીના લગ્ન રાજ્યકક્ષાના પ્રધાનમંત્રી દિલીપ ઠાકોરના પુત્ર મિતેષ ઠાકોર સાથે થયા હતા. જેણે દિકરીને જન્મ આપતાં તેને ઘરમાં ત્રાસ આપીને કાઢી મૂકવામાં આવી હતી.
દિલીપ ઠાકોર શું કહી રહ્યાં છે
દિલીપ ઠાકોરે તમામ આક્ષેપો પાયાવિહોણા જણાવીને ફગાવી દેતા કહ્યું કે, આ ઘણી જુની બાબત છે, કોર્ટમાં કેસ ચાલુ જ છે, અત્યારે ખોટી ઉછાળવામાં આવી રહી છે. આ તમામ આક્ષેપ પાયાવિહોણા છે. આવી કોઈ બાબત નથી. આ જૂની બાબત છે. કોર્ટમાં કેસ ચાલે છે અને મારો દિકરો નિયમિત રીતે ભરણપોષણ પણ ચુકવી રહ્યો છે. પતિ-પત્ની વચ્ચે જ્યારે મનમેળ ન હોય તો આપણે શું કરી શકીએ. અમે વડીલ તરીકે અને સમાજના આગેવાનોને સાથે રાખીને સમજાવાના ખુબ જ પ્રયાસ કર્યા છે. આ પુત્રવધુનો પિતા જ તેની દિકરીને આવીને તેના ઘરે લઈ ગયો છે. અમે તો તેમને કહ્યું છે કે, તમે દિકરી અમારે ત્યાં આપી જાઓ. દિકરો હોય કે દિકરી હોય બધા સમાન છે. ત્રણ પત્ની હોવાની વાત તદ્દન ખોટી છે. અમારી પુત્રવધૂ અમને બ્લેકમેઇલ કરે છે. દીકરી જન્મતા અમે તેને કાઢી મુકી નથી. હું આજે અને અત્યારે જ દીકરીને લઇ જવા તૈયાર છું.
ઠાકોર રાજીનામું આપશે કે નહીં
કચ્છ જિલ્લાના પ્રભારી પ્રધાન દિલીપ વિરાજી ઠાકોરને મંત્રી પદેથી પડતા મુકીને તેમના સ્થાને કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને મંત્રી બનાવવા માટેની વ્યૂહરચના ઘડવામાં આવી રહી છે. અલ્પેશ ઠાકોર તાજેતરમાં ભાજપના હાઈકમાન્ડ સાથે દિલ્હીમાં બેઠક કરીને આવ્યા હોવાનું જાણવા મળ્યું છે. કોંગ્રેસના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે બનાસકાંઠા અને ઉત્તર ગુજરાતના કેટલાક કોંગ્રેસના ધારાસભ્યો પણ ભાજપમાં જોડાઈ શકે છે. આ અંગેનો નિર્ણય આગામી અઠવાડીયામાં થાય એવી સંભાવના છે.
રોજગારીમાં મહિલાઓ આગળ – દિલીપ ઠાકોર
20 ઓગસ્ટ 2018માં દિલીપ ઠાકોરે કહ્યું હતું કે, કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ ગુજરાતમાં 40 લાખ યુવાનો બેરોજગાર છે એવું કહ્યું છે તે વાત ખોટી છે. રોજગારીમાં ગુજરાત સમગ્ર દેશમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને 89% આપી ભારતમાં પ્રથમ રહ્યું છે. રાજ્યમાં 80% મહિલાઓને પણ રોજગારી આપવામાં ગુજરાત દેશમાં પ્રથમ રાજ્ય રહ્યું છે. ચાલુ વર્ષે પણ જુલાઈ સુધીમાં સૌથી વધુ રોજગારી આપવાનું કામ અમારી સરકારે કર્યું છે. રોજગાર કચેરીમાં લાઈવ રજીસ્ટરમાં નોંધણી જુલાઈ 2018 સુધી માં 5 લાખ 11 હજાર નોંધાયેલ છે.
આ એજ પ્રધાન છે કે જેમણે કચ્છના ભૂજમાં 15 ઓગસ્ટ 2018માં ધ્વજવંદન કરાવ્યું હતું. પૂર્વ કચ્છ પોલીસ મહિલા પ્લાટુનની મહિલાઓનું તેમણે સન્માન કર્યું હતું.
20 જુલાઈ 2018માં કચ્છમાં રાજપૂત વાડીમાં દિલીપ ઠાકોરે કહ્યું હતું કે, લોકોના પ્રશ્નોને નહીં ઉકેલનારા અધિકારી સામે કાર્યવાહી કરવામાં આવશે. અહીં તો પોતાની પુત્રવધૂ પોલીસ ફરિયાદ કરવા જાય છે ત્યારે તે ફરિયાદ પોલીસ લેતી નથી.
કઈ રીતે જીત્યા ચૂંટણી
ગુજરાત વિધાનસભાની 2017ની ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપરથી ભાજપ ફરી દિલીપ ઠાકોરને ટિકિટ આપવામાં આવી હતી. ચાણસ્મા બેઠક ઉપર 70 હજાર જેટલા ઠાકોર મતદારો છે. 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ચાણસ્મા બેઠક ઉપર દિલીપ ઠાકોરને 83,462 તો કોંગ્રેસના દિનેશ ઠાકોરને 66,638 મતો મળ્યા હતા. દિલીપ ઠાકોરનો 16,824 મતથી વિજય થયો હતો. ચાણાસમામાં 2,54,99૦ મતદારો નોંધાયેલા છે. ઠાકોર 71,732, પાટીદાર 35,563, દલિત 27,613, મુસ્લિમ 13,236 મતદાર છે. જ્યારે રાજપુત, બ્રાહ્મણ, રાવળ, ચૌધરી સહિત અન્ય સમાજના મતદારોની સંખ્યા સરેરાશ 5 થી 10 હજારની વચ્ચે છે. સામાન્ય રીતે બંને મોટા પક્ષો ઠાકોર ઉમેદવારને મેદાનમાં ઉતારે છે. તેથી દિલીપ ઠાકોર જીતે છે. એન્ટિ ઇન્કમ્બન્સીને લીધે દિલીપ ઠાકોરની ટિકિટ કાપીને ભાજપ પાટણ જિલ્લાના પૂર્વ પ્રમુખ દશરથજ ઠાકોરને મેદાનમાં ઉતારવાના હતા. પણ પછી ભાજપના નેતાઓ સાથે તેમણે ગોઠવી લીઘું હતું. ચાણસ્મા તાલુકા પંચાયતની ચૂંટણીમાં ભાજપને માંડ એક બેઠકથી સંતોષ માનવો પડયો હતો. હારીજ અને ચાણસ્મા તાલુકા પંચાયતની સાથે જિલ્લા પંચાયત પણ કોંગ્રેસે કબજે કરી હતી. આમ હવે દિલીપ ઠાકોરનું ચાણસ્મામાં રાજકીય વજૂદ ઘટી રહ્યું છે.
17માં મુખ્ય પ્રધાનના મંડળમાં સ્થાન
ગુજરાતના 17માં મુખ્ય પ્રધાન તરીકે વિજય રૂપાણીએ 17 ડિસેમ્બર 2018માં શપથ લીધા હતા. જેમાં દિલીપ ઠાકોરને ઠાકોર જ્ઞાતિના નેતા તરીકે લીધા હતા. તેમની પુત્રવધૂનો પ્રશ્ન ઊભો થતાં સમગ્ર ઠાકોર સમાજ દિલીપ ઠાકોર પાસે ગયો હતો. જેમાં સમાધાન માટે દિયોદર, ભાભર, રાધનપુર, કાંકરેજ, સમી, હારીજ, પાટણ વિસ્તારના ઠાકોર સમાજના અનેક આગેવાનોને આ બાબતે દિલીપ ઠાકોર સાથે વાત મોકલાવી હતી. એક પણ આગેવાનની વાત સાંભળવા પણ તૈયાર નથી. ઠાકોર સમાજના આ નેતા અને કેબિનેટ મંત્રીનો પાવર બતાવી સમાજના આગેવાનોને ધમકાવવાનો પ્રયત્ન કરી સમાજના આગેવાનોનો અવાજ દબાવવામાં આવ્યો છે. તેવો આરોપ તેમની પુત્રવધૂએ મૂક્યો છે.