એડમિશનના નામે પૈસા પડાવવાનું વધુ એક કૌભાંડ સામે આવ્યું છે. સ્કૂલે અમારી એજન્ટ તરીકે નિમણુંક કરી છે, એમ કહીને ઘોડદોડ રોડની સેન્ટ ઝેવિયર્સ અને લૂડ્ઝ કોન્વેન્ટ સ્કૂલમાં એડમિશનના નામે 40 લાખની ઠગાઇ કરાઇ છે. પોલીસે કાપડના વેપારી જતિન નાકરાણીની ફરિયાદને આધારે બ્યુટી પાર્લર ચલાવતી વરાછાની જ્યોતિ પંકજ પટેલ નામની યુવતિ, પ્રતિક અને તેના પિતા હસમુખ દેવચંદ ડાવરીયા સામે તપાસ શરૂ કરી છે.
વરાછા લંબે હનુમાન રોડ પર ત્રિકમનગરમાં જ્યોતિ બ્યુટી પાર્લર ચલાવે છે. અહી પૈસાદાર ઘરની મહિલાઓ આવતી હતી. અને સારી સ્કૂલોમાં એડમિશનના નામે તેમની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. જ્યોતિએ એક વિદ્યાર્થી દીઠ રૂપિયા 75,000 લઈને બાળકના ડોક્યુમેન્ટ વાલીઓ પાસેથી લીધા હતા. બાદમાં ફોર્મ ભરાવી સ્કૂલમાંથી મેસેજ આવશે એટલે તમારે સ્કૂલના નામનો ચેક આપી દેવાનો રહેશે એવું કહીને પૈસા પડાવ્યાં હતાં. એડમિશન ન મળતા આખરે આ સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટી ગયો હતો.
સ્કૂલોએ આ કૌભાંડ સાથે કોઇ જ લેવાદેવા ન હોવાની વાત કરી છે અને આવા લોકોથી વાલીઓને દૂર રહેવા સલાહ આપી છે. બીજી બાજુ પોલીસ સ્ટેશનમાં જ્યોતિ પટેલ અને હસમુખ ડાવરીયા હાજર હતા છતાં નિવેદનો લઈને જવા દેવાયા છે. તેમની ધરપકડ ન કરાતા પોલીસ કામગીરી સામે પણ સવાલ ઉભા થયા છે.