કોર્ટનાં સવાલ, રાહુલ ગાંધીનાં જવાબ

એડીસી બેન્ક માનહાનિ કેસની સુનાવણી લગભગ સાડા ત્રણ વાગ્યાની આસપાસ શરૂ થઈ હતી. રાહુલનાં આગમન સાથે જ કોર્ટ રૂમ ખીચોખીચ ભરાઈ ગયો હતો અને ત્યારબાદ ખૂબ જ ભીડ વધી જતાં કોર્ટ રૂમનો દરવાજો બંધ કરવો પડ્યો હતો. આ સુનાવણી દરમિયાન મેટ્રો કોર્ટનાં જજે રાહુલને સવાલ પૂછ્યાં હતાં જેનાં જવાબ રાહુલે આપ્યા હતા તે અક્ષરશઃ અત્રે પ્રસ્તૂત છે.

 

જજઃ તમને કેસ પેપર મળ્યા છે ?

કોર્ટની કાર્યવાહી દરમિયાન જજે રાહુલ ગાંધીને આ સવાલ પૂછ્યો હતો. આ દરમિયાન રાહુલ ગાંધીએ કોર્ટના ડોક્યુમેન્ટમાં પાર્લામેન્ટના સ્પેલિંગમાં ભૂલ હોવાનું જજને જણાવ્યું હતું.

જજઃ તમારા પર લાગેલા આરોપ સાચા છે? તમે ગુનો કબૂલો છો?

રાહુલ ગાંધીઃ "મુજ પર જો આરોપ લગાયે ગયે હે, ઉસમેં મેં બિલકુલ નિર્દોષ હું."

રાહુલે સ્પેલિંગમાં ભૂલ તરફ ધ્યાન દોર્યું

ફરિયાદી અને બચાવ પક્ષનાં વકીલ વચ્ચે દલીલો

રાહુલ ગાંધી સામેનાં માનહાનિ કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી પક્ષ અને બચાવ પક્ષનાં વકીલો વચ્ચે દલીલો થઈ હતી. જે અત્રે પ્રસ્તુત છે.

ફરિયાદી પક્ષનાં વકીલઃ આ કેસમાં રાહુલ ગાંધી સામે ક્રિમિનલ કેસ છે અને તેમાં તેમને જામીન આપ્યા વગર મુક્ત ન કરી શકાય.

 

બચાવ પક્ષનાં વકીલઃ કોર્ટનું સમન્સ મળ્યાં બાદ રાહુલ ગાંધી હાજર રહ્યાં છે તેથી જામીન લેવાની જરૂર નથી.

આ તબક્કે બચાવ પક્ષનાં વકીલોએ કોર્ટમાં આ મામલે કેટલીક જોગવાઈઓ રજૂ કરી.

ફરિયાદ પક્ષનાં વકીલઃ જામીન માટે અરજી કરવી પડે અને રજૂઆત કરવી પડે.

દરમિયાનમાં બચાવ પક્ષનાં વકીલોએ રાહુલ ગાંધીની જામીન માટેની અરજી રજૂ કરી હતી. જેને મેટ્રોપોલિટન કોર્ટનાં જજે ગ્રાહ્ય

રાખીને તે મંજૂર કરી હતી અને રૂ. 15 હજારનાં જામીન ઉપર તેમને મુક્ત કર્યાં હતાં. પ્રદેશ કોંગ્રેસનાં પ્રમુખ અમિત ચાવડા રાહુલ

ગાંધીનાં જામીનદાર બન્યા હતાં અને તેમણે કોર્ટનાં નિયમ પ્રમાણે કાર્યવાહી કરીને રાહુલ ગાંધીનાં જામીન મેળવ્યાં હતાં.

કોર્ટની કાર્યવાહી દરમિયાન ફોટો ક્લિક કરવાનો પ્રયાસ થયો

કોર્ટની કાર્યવાહી ચાલી રહી હતી ત્યારે કોઈ વ્યક્તિએ બારીમાંથી ફોટો ક્લિક કરવાનો પ્રયાસ કર્યો હતો. કોર્ટનો દરવાજો બંધ હોવાથી

બારીમાંથી ફોટો ક્લિક કરનાર વ્યક્તિએ રોકવા માટે કહેવામાં આવ્યું હતું. જોકે, ફોટો ક્લિક કરનાર વ્યક્તિ હાથમાં આવ્યો ન હતો.

ઘીકાંટાની મેટ્રોપોલિટન કોર્ટમાં માહોલ

આજે રાહુલ ગાંધી એડીસી બેન્કનાં કેસમાં પોતાની જૂબાની આપવા આવવાનાં હોવાનાં કારણે વહેલી સવારથી જ કોર્ટ પરિસર અને

તેની આસપાસનાં વિસ્તારોમાં કિલ્લેબંધી કરી દેવામાં આવી હતી. અને તેનાં કારણે કોર્ટમાં આવતાં વકીલો અને આસપાસમાં રહેતાં

લોકોને ભારે હાલાંકીનો સામનો કરવો પડ્યો હતો. રાહુલ ગાંધીનાં આગમન પહેલા જ મેટ્રો કોર્ટની બહાર વકીલોનાં

વાહનો ટોઈંગ થતાં હોબાળો મચાવ્યો હતો. પોલીસે વ્યવસ્થા માટે ટોઈંગ વાન બોલાવી હોવાના આક્ષેપ

કરવામાં આવી રહ્યો હતો. બીજીબાજુ વકીલો કહી રહ્યાં હતાં કે ટોઈંગવાન આ કેમ્પસની અંદર આવી જ ન

શકે. અમારા વાહનો લઈ જઈ ન શકે. જોકે, પોલીસનાં ઉચ્ચ અધિકારીઓની દરમિયાનગીરીથી મામલો

થાળે પડ્યો હતો. રાહુલ ગાંધી કોર્ટમાં હાજર રહેવાનાં હોવાથી કોંગ્રેસનાં મોટી સંખ્યામાં કાર્યકરો પણ ઉમટી

પડ્યાં હતાં અને તેનાં કારણે કોર્ટ પરિસર અને તેની આસપાસનાં વિસ્તારોમાં ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતાં.

 

વકીલોનો જમાવડો, એસપીજીએ તપાસ કરી

રાહુલ ગાંધી કોર્ટમાં હાજર થવાના હોવાને પગલે એસપીજીની ટીમે મેટ્રો કોર્ટના છઠ્ઠા માળે સુરક્ષાની ચકાસણી કરી હતી.

મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ કોર્ટ 13ના કોર્ટમાં જજની સમક્ષ રાહુલ હાજર થવાના હતા. જેને પગલે પંકજ ચાંપાનેરી, બાબુ માંગુકિયા

સહિતના કોંગ્રેસની કોર કમિટીના વકીલોનો કોર્ટની રૂમની બહાર જમાવડો થયો હતો.

રાહુલની સુરક્ષા અને પોલીસની કવાયત

મેટ્રો કોર્ટમાં નિવેદન આપવા માટે આજે રાહુલ ગાંધી અમદાવાદ મેટ્રો કોર્ટ આવ્યા જેથી પોલીસનો ચુસ્ત

બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ, સહિત 6 જેટલા આઈપીએસ અધિકારીઓની

ટીમે સુરક્ષા વ્યવસ્થા મુદ્દે મેટ્રો કોર્ટના ચીફ જજ સાથે ચર્ચા-વિચારણા કરી હતી. સૂત્રો દ્વારા મળતી મહિતી

પ્રમાણે, ધી-કાંટા મેટ્રો કોર્ટને પોલીસ બંદોબસ્તના ભાગરૂપે કિલ્લાબંધીમાં ફેરવી દેવાઈ હતીં.

 

રાહુલ ગાંધીનું બપોરે એરપોર્ટ પર સ્વાગત

એડીસી બેન્કનાં માનહાનિનાં કેસમાં પોતાની જૂબાની આપવા કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી બપોરે લગભગ 12.35 વાગે

અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા હતાં. જ્યાં તેમનું સ્વાગત કરવા કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત

ચાવડા અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ, શક્તિસિંહ ગોહિલ, મધુસુદન મિસ્ત્રી સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. તેઓ કોર્ટમાં

હાજર થાય તે પહેલા એરપોર્ટથી સીધા સર્કિટ હાઉસ પહોંચ્યા હતા. ત્યાં કોંગ્રેસના નેતાઓની સાથે મુલાકાત કરી હતી.

લોગાર્ડનની રેસ્ટોરન્ટમાં ભોજન લીધું

સર્કિટ હાઉસ એનેક્સી ખાતે પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સાથે ટૂંકી બેઠક બાદ રાહુલ ગાંધી ઘીકાંટા ખાતેની મેટ્રોપોલિટન કોર્ટમાં

જવા નીકળ્યાં હતાં. ત્યારે માર્ગમાં વચ્ચે લો ગાર્ડન ખાતેની એક રેસ્ટોરન્ટમાં ગુજરાતી ભોજનની મઝા માણી હતી. જ્યારે તેઓ

રેસ્ટોરન્ટમાં ભોજન લઈ રહ્યાં હતાં ત્યારે તેમની સાથે કોંગ્રેસના નેતાઓ પરેશ ધાનાણી, અર્જૂન મોઢવાડિયા, રાજીવ સાતવ,

શક્તિસિંહ ગોહિલ સહિતના નેતાઓ પણ હાજર રહ્યાં હતાં. ત્યાંનાં સ્ટાફમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો હતો. ત્યાંનાં સ્ટાફ અને

મુલાકાતીઓએ રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી હતી. મહત્વનું છે કે આ પહેલાં પણ વિધાનસભા ચૂંટણી સમયે પણ રાહુલે આ જ

રેસ્ટોરન્ટમાં ભોજન લીધું હતું.

એરપોર્ટથી કોર્ટ સુધીનાં માર્ગો પર કોંગ્રેસનો પંજો છવાયો

રાહુલ ગાંધીની એક દિવસની ટૂંકી મુલાકાતને લઈને કોંગ્રેસનાં કાર્યકરોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો

હતો. આજે સવારથી જ એરપોર્ટથી લઈને ઘીકાંટા કોર્ટ સુધીનાં તેમનાં માર્ગની બન્ને બાજુ કોંગ્રેસનાં સિમ્બોલ

પંજાનાં ઝંડા લગાવી દેવાયા હતા અને સાથે સાથે કાર્યકરો પણ મોટી સંખ્યામાં બેનરો સાથે રાહુલ ગાંધીનું

સ્વાગત કરવા આવી પહોંચ્યા હતાં.

 

એડીસીનો મામલો શું છે?

નોટબંધી સમયે પ્રેસ-કોન્ફરન્સ કરી રાહુલ ગાંધીએ રૂ. 745 કરોડ બ્લેકના વ્હાઈટ કરાયા હોવાનો આરોપ લગાવ્યો હતો. જેની સામે

એડીસી બેંકના ડિરેક્ટરે રાહુલ ગાંધી સામે માનહાનિનો કેસ અમદાવાદની મેટ્રો કોર્ટમાં કર્યો હતો.

કોર્ટમાંથી નીકળીને રાહુલ ફરી પહોંચ્યા એનેક્ષી

મેટ્રોપોલિટન કોર્ટમાંથી રૂ. 15 હજારનાં બોન્ડ પર જામીન મેળવ્યા બાદ રાહુલ ગાંધી કોર્ટમાંથી નીકળીને

સીધાં અમદાવાદનાં સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે પહોંચ્યા હતાં. જ્યાં તેમણે કોંગ્રેસનાં ધારાસભ્યો સાથે ટૂંકી

મુલાકાત કરી હતી અને ત્યારબાદ પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ સાથે વર્તમાન રાજકીય સ્થિતિ અંગે

સમીક્ષા પણ કરી હતી. આ બેઠક દરમિયાન કોંગ્રેસનાં ટ્રેઝરર અને ગુજરાતનાં રાજ્યસભાનાં સાંસદ અહેમદ

પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતાં. બેઠક પૂર્ણ કર્યાં બાદ રાહુલ ગાંધી સીધા એરપોર્ટ જવા રવાના થયાં હતાં.

એડીસી બેન્ક માનહાનિ કેસમાં કોંગ્રેસનાં ભૂતપૂર્વ પ્રમુખ રાહુલ ગાંધી આજે અમદાવાદની ઘીકાંટા કોર્ટમાં હાજર રહ્યાં હતાં. કોર્ટેં રાહુલ ગાંધીને રૂ. 15 હજારનાં બોન્ડ પર જામીન આપ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિનાં પ્રમુખ અમિત ચાવડા રાહુલ ગાંધીનાં જામીનદાર બન્યા હતા. આમ રાહુલ ગાંધીને જામીન પર મુક્ત કરીને કોર્ટે આ કેસની વધુ સુનાવણી સાતમી સપ્ટેમ્બરે રાખી હતી અને આ સુનાવણીમાં હાજર રહેવામાંથી પણ રાહુલ ગાંધીને મુક્તિ આપી છે. કોર્ટની કાર્યવાહી દરમિયાન કોર્ટ રૂમની બહાર અને કોર્ટ પરિસરમાં ભારે ભીડ જોવા મળી હતી. અત્રે નોંધનીય છે કે, રાહુલ ગાંધી સામે કરાયેલા માનહાનિના કેસમાં ગત 27 મેનાં રોજ રાહુલ ગાંધી મેટ્રો કોર્ટમાં હાજર ન રહેતા સુનાવણી ટળી હતી.

 


 

રાહુલ ગાંધીની મુલાકાતની સમયબદ્ધ વિગતો

12.35 રાહુલ ગાંધી દિલ્હીથી અમદાવાદ એરપોર્ટ આવી પહોંચ્યા

12.45 રાહુલ ગાંધીનું પ્રદેશ કોંગ્રેસનાં વરિષ્ઠ નેતાઓ દ્વારા સ્વાગત

12.55 એરપોર્ટથી સર્કિટ હાઉસ એનેક્ષી જવા રવાના

1.10 સર્કિટ હાઉસ એનેક્ષી ખાતે કોંગ્રેસનાં કાર્યકરો દ્વારા સ્વાગત

1.20 સર્કિટ હાઉસ ખાતે પ્રદેશ કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક

1.45 સર્કિટ હાઉસથી લો ગાર્ડન તરફ પ્રસ્થાન

2.00 લોગાર્ડન ખાતે એક રેસ્ટોરન્ટમાં ભોજન લેવા રોકાયા

2.40 ભોજન લીધા બાદ કોર્ટમાં જવા રવાના

3.00 કોર્ટ પરિસર પહોંચ્યા

3.10 કોર્ટ રૂમમાં પહોંચ્યા

3.20 કોર્ટની કાર્યવાહી શરૂ થઈ

3.50 કોર્ટે રાહુલ ગાંધીનાં જામીન મંજૂર કર્યાં

4.00 કોર્ટ રૂમમાંથી રાહુલ ગાંધી બહાર આવ્યા

4.10 કોર્ટમાંથી સર્કિટ હાઉસ એનેક્ષી જવા રવાના

4.35 સર્કિટ હાઉસમાં કોંગ્રેસનાં ધારાસભ્યો અને પ્રદેશ નેતાઓ સાથે બેઠક

4.55 સર્કિટ હાઉસથી એરપોર્ટ જવા રવાના