કોવિડ-19 અપડેટ્સ – પ્રધાનમંત્રીએ કૃષિ ક્ષેત્રને વેગ આપવા માટે ચર્ચા કરી

નવી દિલ્હી, 02-05-2020

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કૃષિ ક્ષેત્ર સંબંધિત સમસ્યાઓ અને તેમાં જરૂરી સુધારા અંગે ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન કર્યું હતું. આ બેઠકમાં કૃષિ માર્કેટિંગ, માર્કેટમાં લાવવા યોગ્ય સિલક જથ્થાનું વ્યવસ્થાપન, સંસ્થાકીય ધિરાણ સુધી ખેડૂતોની પહોંચ અને કૃષિ ક્ષેત્રે રહેલા વિવિધ પ્રતિબંધોને યોગ્ય કાયદાના પીઠબળ સાથે મુક્ત કરવા જેવા મુદ્દા પર ભાર મૂકવામાં આવ્યો હતો.

વર્તમાન માર્કેટિંગ ઇકો- સિસ્ટમમાં વધુ વ્યૂહાત્મક મદદ કરવા અને ઝડપી કૃષિ વિકાસને ધ્યાનમાં રાખીને જરૂરી સુધારા લાવવા પર ધ્યાન આપવામાં આવ્યું હતું. કૃષિ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બનાવવા માટે છૂટછાટ સાથે ધિરાણનો પ્રવાહ, પીએમ-કિસાન લાભાર્થીઓ માટે વિશેષ કિસાન ક્રેડિટ કાર્ડમાં વધારો અને ખેડૂતોને તેમની ખેત ઉપજોનું સારું વળતર મળી રહે તે સુનિશ્ચિત કરવા માટે રાજ્યની અંદર અને આંતર રાજ્ય વ્યાપારની સુવિધા આપવી વગેરે કેટલાક મહત્વના ક્ષેત્રો આ બેઠકમાં આવરી લેવામાં આવ્યા હતા. ઇ-કોમર્સ સક્ષમ બનાવવા માટે વિવિધ પ્લેટફોર્મના પ્લેટફોર્મ તરીકે ઇ-નામ તૈયાર કરવું એ પણ આ બેઠકમાં ચર્ચાયેલો એક મહત્વનો મુદ્દો હતો.

4 મે 2020થી બે અઠવાડિયા સુધી અમલી લૉકડાઉન દરમિયાન ઓરેન્જ ઝોનમાં માણસો અને વાહનોની અવરજવર અંગે સ્પષ્ટતા

નવી દિલ્હી, 02-05-2020

દેશમાં કોવિડ-19ના ફેલાવાની સ્થિતિને નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના પગલાં સંદર્ભે વિસ્તૃત સમીક્ષા કર્યા પછી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય (MHA) દ્વારા ગઇકાલે લૉકડાઉનનો અમલ વધુ બે અઠવાડિયા સુધી લંબાવવા અંગે આદેશ બહાર પાડવામાં આવ્યો હતો જે 4 મે 2020થી લાગુ રહેશે.

આ સ્પષ્ટતા બહાર પાડવામાં આવી છે જે નીચે મુજબ છે:

ઓરેન્જ ઝોન વિસ્તારમાં, સમગ્ર દેશમાં પ્રતિબંધિત પ્રવૃત્તિઓ ઉપરાંત, આંતર જિલ્લા અને જિલ્લાની અંદરના વિસ્તારમાં બસોના આવનજાવન પર પ્રતિબંધ ચાલુ કરવામાં આવ્યો છે.

અન્ય બે પ્રવૃત્તિઓને કેટલાક પ્રતિબંધો સાથે મંજૂરી આપવામાં આવી છે:

● ટેક્સી અને કેબ ચાલકોને મંજૂરી આપવામાં આવી છે જેમાં એક ડ્રાઇવર સાથે માત્ર બે મુસાફરો બેસી શકશે.

● માત્ર મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓ માટે લોકો અને વાહનો આંતર જિલ્લામાં અવરજવર કરી શકશે પરંતુ ફોર વ્હીલરમાં ડ્રાઇવર ઉપરાંત મહત્તમ બે મુસાફરો બેસી શકશે.

અન્ય તમામ પ્રવૃત્તિઓને ઓરેન્જ ઝોનમાં કોઇપણ પ્રતિબંધો સિવાય મંજૂરી આપવામાં આવી છે.

જોકે, રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો તેમના આકલન અને પ્રાથમિકતાઓના આધારે મંજૂરી આપવામાં આવેલી પ્રવૃત્તિઓની સંખ્યામાં વધારો અથવા ઘટાડો કરી શકે છે.

મુસાફર ટ્રેન સેવાઓ રદ કરવાની મુદત લંબાવવામાં આવી

કોવિડ-19નાં કારણે લેવામાં આવેલા માપદંડોનો અમલ ચાલુ રાખવામાં આવતા, ભારતીય રેલવેની તમામ મુસાફર ટ્રેનોની સેવાઓ રદ કરવાની મુદત આગામી 17 મે 2020 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

જોકે, વિવિધ સ્થળે ફસાયેલા પરપ્રાંતીય શ્રમિકો, યાત્રાળુઓ, પર્યટકો, વિદ્યાર્થીઓ અને અન્ય લોકોના પરિવહનની કામગીરી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલી માર્ગદર્શિકાના સંદર્ભમાં રાજ્ય સરકારોની જરૂરિયાત અનુસાર વિશેષ શ્રમિક ટ્રેનોમાં કરવાની રહેશે.

વર્તમાન સમયમાં, માલની હેરફેર કરતી અને પાર્સલ ટ્રેનોનું પરિચાલન યથાવત રહેશે.

ક્રમબદ્ધ, સક્રીયતાપૂર્ણ અને પૂર્વ-અસરકારક પ્રતિક્રિયા વ્યૂહનીતિ સાથે ભારત સરકાર તેમજ રાજ્યો/ કેન્દ્ર શાસિત પ્રદેશો દ્વારા કોવિડ-19 મહામારીના નિરાકરણ, નિયંત્રણ અને વ્યવસ્થાપન માટે વિવિધ પગલાં લેવામાં આવી રહ્યાં છે. આ તમામ પગલાં પર નિયમિત ધોરણે સર્વોચ્ચ સ્તરે દેખરેખ રાખવામાં આવે છે.

વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોના વ્યવહારુ ઉપયોગ અંગે ગઇકાલે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા વધારાની માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી છે. આ માર્ગદર્શિકા અગાઉ બહાર પાડવામાં આવેલી ‘વ્યક્તિગત સુરક્ષાત્મક ઉપકરણોના વ્યવહારુ ઉપયોગ’ના અનુસંધાનમાં છે.