પદ્મભૂષણ ચંદા કોચર આઈસીઆઈસીઆઈ બેંકના મેનેજિંગ ડાયરેક્ટર અને સીઈઓ હતાં ત્યારે તેમણે પોતાની પુત્રી આરતીને સંબોધીને એક પત્ર લખ્યો હતો. અત્યંત લાગણીસભર અને જીવનની ફિલસૂફીને વણી લેતી નાની-નાની વાતો ધરાવતો આ પત્ર 2016માં સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થયો હતો. ગુજરાતની ભાજપ સરકારનો શિક્ષણ વિભાગ તો આ આખી ઘટનાથી એટલો બધો પ્રભાવિત થયો હતો કે તેણે અંગ્રેજી મિડિયમના ધો. 10ના સિલેબસમાં આનો એક પાઠ પણ ઉતારી દીધો. હવે આ જ ચંદા કોચર સામે સીબીઆઈએ વીડિયોકોન ગ્રુપને રૂ. 3250 કરોડની લોન આપવામાં ગોટાળો આચરવા સબબ ફરિયાદ નોંધી છે અને શક્ય છે કે આગામી માર્ચ મહિનામાં ધો.10ની એસએસસી બોર્ડની પરીક્ષામાં અંગ્રેજીના પેપરમાં ચંદા કોચરની “નીતિમત્તા અને પ્રામાણિક કારકિર્દી” વિશેની વાતો આધારિત પ્રશ્નો પણ વિદ્યાર્થીઓને પૂછવામાં આવશે.
ગુજરાતના શિક્ષણ વિભાગ અને શિક્ષણમંત્રી પાસે જવાબ નથી
ચંદા કોચરની સામે સીબીઆઈ છેતરપિંડીની ફરિયાદ નોંધે છે અને અહીં ગુજરાતમાં વિદ્યાર્થીઓને તેમના નૈતિક મૂલ્યોના પાઠ ભણાવાય છે. આ અંગે દિવ્ય ભાસ્કરે શિક્ષણ વિભાગને જ્યારે પ્રશ્ન કર્યો કે હજી પણ કોચરની કહેવાતી પ્રામાણિકતા વિશેનું લેસન ચાલુ જ રહેશે અને બોર્ડની પરીક્ષામાં પણ તેના વિશે પ્રશ્ન પૂછાશે કે કેમ તો તેનો કોઈ જવાબ જ નહોતો. ખુદ શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચૂડાસમા પણ આ બાબતથી તદ્દન અજાણ હોવાનું આંતરિક સૂત્રો જણાવે છે
ધો. 10માં ચંદા કોચરના આખા પત્ર આધારિત પાઠ
ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડના (જીએસઈબી) ધોરણ 10 ઈંગ્લિશ મિડિયમના અંગ્રેજી વિષયના પાઠ્યપુસ્તકમાં ચંદા કોચર વિશેનો પાઠ ભણાવાય છે. આ પાઠમાં ચંદા કોચરે તેમની પુત્રી આરતીને લખેલા પત્રની વિગતોને વણી લેવાઈ છે. પત્રમાં મોટાભાગે કોચરે તેમની એક ગૃહિણી અને બેંકના ઉચ્ચ હોદ્દેદારની બેવડી ભૂમિકામાં કેટલી તકલીફો પડી છે, જીવનમાં પ્રામાણિકતા અને કર્તવન્યનિષ્ઠતાનું કેટલું મહત્ત્વ છે અને પોતે કેટલી નીતિમત્તાથી પોતાની આ બેવડી ભૂમિકા બખૂબી નિભાવી છે તેનો ઉલ્લેખ કર્યો છે. તદુપરાંત પોતે આટલી સફળ કારકિર્દી ઘડી શક્યા તો તેમાં તેમના પરિવારનું કેટલું મહત્ત્વનું યોગદાન છે તેનો પણ કોચરે આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે. નાનપણમાં પિતાના અવસાન બાદ પોતે કેટલો સંઘર્ષ કરીને આ હોદ્દા સુધી પહોંચી શક્યા છે તેનું વર્ણન કરતા કોચરે જણાવ્યું હતું કે, પરિવાર તેમના માટે સૌથી વધુ મહત્ત્વનો છે અને જીવનમાં પ્રામાણિકતાથી મોટી કોઈ ચાવી નથી જે સફળતા અપાવી શકે.
વીડિયોકોનના રૂ. 3250 કરોડના કૌભાંડમાં કોચર આરોપી
વીડિયોકોન જૂથને 3250 કરોડની લોન આપવાના કેસમાં અનિયમિતતાના મુદ્દે ગુરુવારે સીબીઆઈએ ચંદા કોચર વિરુદ્ધ ભ્રષ્ટાચાર અને છેતરપિંડીનો કેસ દાખલ કર્યો છે. ચંદાના પતિ દીપક કોચર, વીડિયોકોન જૂથના ચેરમેન વેણુગોપાલ ધૂત અને ચાર કંપનીઓને પણ આરોપી બનાવાઈ છે. સીબીઆઈએ એફઆઈઆરમાં લખ્યું છે કે, આઈસીઆઈસીઆઈ બેન્ક સાથે છેતરપિંડી માટે આરોપીએ બીજા આરોપીઓ સાથે મળીને ગુનાહિત ષડયંત્ર રચ્યું હતું અને ખાનગી કંપનીઓ માટે લોન મંજૂર કરી હતી.